Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 02:33:49 PM IST
 

ફ્રેન્ચ ઓપનઃ 'માટીપગા' થવાનો જંગ (બેટલ ગ્રાઉન્ડ)

May 29, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 811
Rate: 5.0
Rating:
Bookmark The Article

બેટલ ગ્રાઉન્ડ - ચિંતન બુચ

ગ્રાન્ડસ્લેમ એટલે એક પ્રકારનો ટેનિસનો વર્લ્ડકપ પણ કહી શકાય. આ ચાર ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ એટલે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન, યુએસ ઓપન. આ ચારેય ગ્રાન્ડસ્લેમ પોતપોતાની રીતે આગવું મહત્ત્વ ધરાવે છે. 'રેડ ક્લે કોર્ટ' એટલે કે લાલ રંગની માટી એ આ ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની વિશેષતા છે.

'ફ્રેન્ચ' આ શબ્દ સાથે ખાલી જગ્યા મૂકી તેને પૂરવાનું કહેવામાં આવે તો? જે ખાવાના શોખીન હશે તે તુરંત જ ફ્રેન્ચ ફ્રાઇસને સાંકળશે તો રોમેન્ટિક વ્યક્તિ ફ્રેન્ચ કિસને યાદ કરશે. આ બંને શબ્દ વાંચતા જ જે સ્વાદપિપાસા કે પ્રેમપિપાસામાં સરી પડયું હોય તેમને તુરંત જ પોતાના વિચારોની સફર ઉપર બ્રેક લગાવવી પડશે. આપણે આજે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટની જ્ઞાનપિપાસાની સફરે ઊપડવાનું છે. ટેનિસમાં વર્ષ દરમિયાન અનેક ટુર્નામેન્ટ યોજાતી હોય છે. આ અનેક ટુર્નામેન્ટમાં સૌથી મહત્ત્વપૂર્ણ ટુર્નામેન્ટ ગ્રાન્ડસ્લેમ તરીકે ઓળખાય છે. ક્લે ઉપર રમવાનું હોવાથી ઓસ્ટ્રેલિયન ઓપન, યુએસ ઓપન, વિમ્બલ્ડન કરતાં ફ્રેન્ચ ઓપનમાં જીતવું સૌથી વધુ કપરું બની રહે છે. અલબત્ત, જે પ્લેયરની ક્લે કોર્ટ ઉપર હથોટી આવી ગઇ હોય તેને રોકવો એ અન્ય માટે પડકાર બની રહે છે. અન્ય ત્રણ ગ્રાન્ડસ્લેમની સરખામણીમાં ફ્રેન્ચ ઓપન સૌથી છેલ્લે શરૂ થઇ છે પણ વાત પ્રયોગની આવે તો તે મોખરે જ રહી છે. સામાન્ય રીતે કોઇ પણ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટને સોમવારથી જ શરૂ કરવાની પરંપરા છે. ફ્રેન્ચ ઓપનના આયોજકોએ આ પરંપરા તોડી ૨૦૦૬થી રવિવારના દિવસે આ ટુર્નામેન્ટ આરંભવાનો નિર્ણય લીધો. રવિવારથી ટુર્નામેન્ટ શરૂ કરવા પાછળ બે તર્ક છે. એક તો એ કે હવામાનને કારણે શિડયુલમાં સહેજ પણ સમસ્યા નડે તો પણ નિયત કરેલા દિવસે જ ટુર્નામેન્ટ પૂરી થઇ શકે. રવિવારના રજાના દિવસે વધુ ને વધુ લોકો પ્રારંભિક મેચના સાક્ષી બની શકે એ આ પાછળનું બીજું કારણ છે. આજથી થોડાં વર્ષ અગાઉ ગ્રાન્ડસ્લેમમાં મેન્સ, વિમેન્સ ચેમ્પિયનને અપાતી રકમમાં ભારે ફરક હતો, પરંતુ ફ્રેન્ચ ઓપનના આયોજકોએ આ પરંપરા પણ તોડી. મેન્સ, વિમેન્સ ચેમ્પિયનને એકસમાન ઇનામી રકમ આપવાની સૌપ્રથમ શરૂઆત કરી હતી. આ ઉપરાંત પ્રોફેશનલ્સ સાથે એમેચ્યોરને પણ એક ટુર્નામેન્ટમાં રમવા દેવાની શરૂઆત ફ્રેન્ચ ઓપનથી થઇ હતી.

 ફ્રેન્ચ ઓપન એ ક્લે કોર્ટ ઉપર રમાતી એકમાત્ર ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ છે. ક્લે પર પડીને આવતો બોલ ભલભલા ટેનિસના સુપરસ્ટાર પ્લેયર્સને જજમેન્ટ લેવામાં છક્કડ ખવડાવી શકે છે. વન્સ અપોન એ ટાઇમ, બ્રિટન સાથેની પરંપરાગત દુશ્મનીને લીધે એની રમતની કોઇ મોટી ટુર્નામેન્ટ થાય એ તો જાણે ભારતમાં મોહમ્મદ અલી ઝીણાની વર્ષગાંઠની રજા હોય એવી અચંબાભરી વાત રૂઢિચુસ્ત ફ્રાન્સના લોકો માટે ગણાતી. આમ, બ્રિટન સાથેની ક્ટ્ટર હરીફાઇને કારણે ફ્રેન્ચ ઓપનનાં બીજ રોપાયાં તેમ પણ કહી શકાય. બન્યું એવું કે ૧૮૭૭માં વિમ્બલ્ડન રમવાની શરૂઆત થઇ. વિમ્બલ્ડનને થોડા જ સમયમાં મળેલી લોકપ્રિયતા જોઇ ફ્રાન્સના ટેનિસના ખેરખાંઓ માટે આવી જ ટુર્નામેન્ટ શરૂ કરવી એ 'વટ કા સવાલ' સમાન થઇ ગયો. આ કારણે ૧૮૯૧થી ફ્રેન્ચ નેશનલ ટુર્નામેન્ટ સૌપ્રથમ શરૂ કરવામાં આવી. આ ટુર્નામેન્ટમાં માત્ર ફ્રેન્ચ ટેનિસ ક્લબના સભ્ય જ ભાગ લઇ શકે તેવો નિયમ હતો. જેના કારણે શરૂ-શરૂમાં આ ટુર્નામેન્ટને ખાસ પ્રતિસાદ મળ્યો નહીં. ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં કેટલાક યુવાઓના હાથમાં ફ્રેન્ચ ટેનિસનો દોર આવી ગયો. વિમ્બલ્ડનને ટક્કર આપવાના ભાગરૂપે ૧૯૨૫થી આ ટુર્નામેન્ટમાં વિશ્વભરના પ્લેયર્સને રમવા આમંત્રણ આપવામાં આવ્યું. શરૂઆતમાં આ ચેમ્પિયનશિપ હાર્ડ કોર્ટ ઉપર જ રમાતી, પરંતુ ૧૯૨૭થી નિયમિત રીતે ક્લે કોર્ટ ઉપર રમવાની શરૂઆત થઇ.

૧૯૪૭ સુધી ફ્રેન્ચ ઓપનને વિમ્બલ્ડન બાદ જ યોજવા શિરસ્તો હતો. આ પછીથી નિયમિત રીતે વિમ્બલ્ડન અગાઉ અને મે મહિનાના અંતિમ સોમવાર (હવે રવિવાર)થી શરૂ કરવા નિર્ણય લેવાયો.

ફ્રેંચ ઓપન મુશ્કેલ હોવાને કારણે જ અન્ય ગ્રાન્ડસ્લેમની સરખામણીમાં અપસેટ અને ટુર્નામેન્ટ શરૂ થવા અગાઉ પ્લેયર્સના ખસી જવાની સંખ્યા પણ વધારે જ જોવા મળશે. રફેલ નડાલના આગમન અગાઉ ફ્રેન્ચ ઓપનના વિજેતાની આગાહી કરવી સટોડિયા, નિષ્ણાતો માટે પણ મુશ્કેલ થઇ ગઇ હતી. ફ્રેન્ચ ઓપન વિમેન્સ સિંગલ્સમાં છેલ્લાં પાંચ વર્ષમાં પાંચેય અલગ-અલગ ચેમ્પિયન જોવા મળશે. મોનિકા સેલેસ અને જસ્ટિન હેનિન જ એવી વિમેન્સ ટેનિસ પ્લેયર છે જે લાગલગાટ ત્રણ વર્ષ સુધી આ ટુર્નામેન્ટમાં પોતાનો ઈજારો જાળવી રાખવામાં સફળ રહી હોય.

* નડાલનો ઈજારો

ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમનો ઉલ્લેખ થાય એ સાથે જ સૌપ્રથમ રફેલ નડાલ જ યાદ આવે. નડાલે ફ્રેન્ચ ઓપનમાં કુલ ૪૬માંથી ૪૫ મેચમાં વિજય મેળવ્યો છે. ફ્રેન્ચ ઓપનમાં નડાલનો એકમાત્ર પરાજય ૨૦૦૯ની સેમિફાઇનલમાં રોબિન સોડરલિંગ સામે થયો હતો. ૨૦૦૫થી ૨૦૧૧માં માત્ર ૨૦૦૯માં જ એવું થયું છે જ્યારે નડાલ આ ટાઇટલ પોતાને નામે કરવામાં સફળ રહ્યો ન હોય. મજાની વાત એ છે કે નડાલે ફ્રેન્ચ ઓપનમાં પોતાની ૬માંથી ૪ ફાઇનલમાં રોજર ફેડરરને પરાજય આપેલો છે. હાલ સૌથી વધુ ૬ વાર ફ્રેન્ચ ઓપન જીતવામાં નડાલ બ્યોન બોર્ગની બરાબરીમાં છે. નડાલ આ વખતે પણ ચેમ્પિયન બનશે તો સૌથી વધુ ૭ વાર ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતનારો સૌ પ્રથમ પ્લેયર બની જશે. નડાલે એપ્રિલ ૨૦૦૫થી મે ૨૦૦૭ સુધી ક્લે કોર્ટ ઉપર લાગલગાટ ૮૧ મેચમાં વિજય મેળવી વર્લ્ડ

રેકોર્ડ બનાવ્યો હતો.

*  આમના માટે કાયમ રહી બેવફા

ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ જીતવી એ જેમના માટે અધૂરું સ્વપ્ન જ બની રહ્યું એવા દિગ્ગજોમાં પીટ સામ્પ્રાસ, જ્હોન ન્યૂકોમ, જીમી કોનોર્સ, બોરિસ બેકર, નોવાક યોકોવિચનો સમાવેશ થાય છે. પીટ સામ્પ્રાસે તેની કારકિર્દીમાં કુલ ૧૪ ગ્રાન્ડસ્લેમ જીત્યા હતા અને માત્ર આ ટાઇટલ તેનાથી કાયમ અળગું રહ્યું હતું. હાલનો નંબર-૧ ટેનિસ પ્લેયર નોવાક યોકોવિચ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પણ હજુ સુધી પહોંચી શક્યો નથી.

* ક્લે કોર્ટનું કમઠાણ

ફ્રેન્ચ ઓપન ભલે મે મહિનાને અંતે રમાતી હોય પણ તેની તૈયારી ૬ મહિના અગાઉથી જ શરૂ થઇ જાય છે. ક્લે કોર્ટ બનાવવા માટે ધાતુ, પથ્થર અને ઇંટના ભુક્કાનો ઉપયોગ કરવામાં આવે છે. રેડ, ગ્રીન, મરુન, યલો, ગ્રીન, બ્લૂ એમ કુલ ૬ પ્રકારના ક્લે કોર્ટ હોય છે. અન્ય પાંચની સરખામણીમાં રેડ ક્લે કોર્ટ થોડો ધીમો હોય છે. ક્લે કોર્ટ બનાવવો અને મેન્ટેન કરવો એટલે ઘાટ કરતાં ઘડામણ મોંઘું સમાન છે. ક્લે કોર્ટ બનાવવા પાછળ ખાસ ખર્ચ થતો નથી, પરંતુ તેને મેન્ટેન કરવું ખર્ચાળ પુરવાર થતું હોય છે. ક્લે કોર્ટની જાળવણી થાય એ માટે યોગ્ય પ્રમાણમાં રોલર ફેરવવું જરૂરી છે. આ ઉપરાંત પાણીના છંટકાવનું પણ નિયત કરેલું પ્રમાણ હોય છે.

* અધધધ ઇનામી રકમ...

આપણે ત્યાં આઇપીએલમાં વિજેતા ટીમને ૮ કરોડ મળ્યા તો પણ ઘણાની આંખનાં ભવાં ચઢી ગયાં હશે. જેની સામે ફ્રેન્ચ ઓપનના વિજેતાને ૧૪ કરોડની ઇનામી રકમ આપવામાં આવે છે. જે એક સ્લેમ ટુર્નામેન્ટમાં આપવામાં આવતી સૌથી વધુ રકમ છે. ગયા વર્ષ સુધી ફ્રેન્ચ ઓપન વિજેતાને ૧૦ કરોડની ઇનામી રકમ અપાતી હતી.

* પેસનો દબદબો

ફ્રેન્ચ ઓપનમાં ડબલ્સ, મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન બનવું ભારતીયો માટે કાયમ મુશ્કેલ રહ્યું છે. મિક્સ ડબલ્સમાં મહેશ ભૂપતિએ ૧૯૯૭માં રિકા હેરિકેરિ સાથે મળી આ ટાઇટલ જીત્યું હતું. મેન્સ ડબલ્સમાં છેલ્લે ૨૦૦૯માં લિએન્ડર પેસે ટાઇટલ જીત્યું હતું જ્યારે ૨૦૧૦માં રનર્સઅપ રહ્યો હતો. પેસ અગાઉ ૧૯૯૯, ૨૦૦૧માં પણ આ ટાઇટલ જીતી ચૂક્યો છે. આમ, ફ્રેન્ચ ઓપનમાં પેસ ભારતનો સૌથી સફળ પ્લેયર છે. વિમેન્સ ડબલ્સમાં ગયા વર્ષે સાનિયા મિર્ઝા અને વેસનિનાની જોડી રનર્સઅપ રહી હતી. 

chintan_buch@yahoo.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com