Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 05:01:24 AM IST
 

ગ્વામ ટાપુઃ જ્યાં એક વ્યક્તિદીઠ ૧૧ સાપ વસે છે! (સમયાંતર)

May 29, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 3685
Rate: 5.0
Rating:
Bookmark The Article

સમયાંતર - લલિત ખંભાયતા

પ્રશાંત મહાસાગરમાં સાડા પાંચસો ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતો નાનકડો ટાપુ ગ્વામ બ્રાઉન ટ્રી સ્નેક નામના સાપોથી પરેશાન છે! બીજા વિશ્વયુદ્ધ વખતે અહીં અજાણતા આવી ગયેલા આ સાપોએ ગ્વામવાસીઓને પરેશાન કરી મૂક્યા છે. અમેરિકી તાબાના આ ટાપુ પરના સાપોએ સરકારની ઊંઘ હરામ કરી નાખી છે. ગ્વામવાસીઓની સ્થિતિ ટાપુ પર રહેતા હોવાને બદલે સાપના દરમાં રહેતા હોય એવી છે! અહીં દર ચોરસ કિલોમીટરે ૩,૬૦૦ કરતાં વધારે સાપ વસે છે. દરેક વ્યક્તિદીઠ અહીં ૧૦-૧૧ સાપ હાજર છે!

બીજા વિશ્વયુદ્ધ વખતે પ્રશાંત મહાસાગરના ગ્વામ સહિતના ટાપુઓ અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વના હતા. અહીં લશ્કરી થાણું સ્થાપી અમેરિકા પેસેફિક મહાસાગરમાં દૂર-સુદૂર સુધી પોતાની ધાક સ્થાપી શકતું હતું. વળી યુદ્ધના માહોલમાં લશ્કરી સામાન, યુદ્ધ જહાજો, સૈનિકો, વગેરેનાં જહાજો અહીં આવતા રહેતાં હતાં. એક દિવસ દક્ષિણે આવેલા પાપુઆ ન્યુ ગીનીથી એક જહાજ ગ્વામ પહોંચ્યું. સામાનની હેરફેર કરી એ જહાજ તો જતું રહ્યું પણ સંભવતઃ એ જહાજ ગ્વામ માટે આફતનું પોટલું મૂકતું ગયું હતું.

ન્યૂ ગીની અને ઓસ્ટ્રેલિયાનાં ગાઢ જંગલોમાં વસતા બ્રાઉન ટ્રી સ્નેક તરીકે ઓળાખાતા બે-ચાર સાપ કદાચ આ રીતે જ કોઈ જહાજ દ્વારા ગ્વામ પહોંચેલા અને આજે ગ્વામ સહિત અમેરિકી સરકારની ઊંઘ આ સાપોએ હરામ કરી નાખી છે. કુદરતે જે સજીવને જ્યાં વસવાટ કરવા મોકલ્યા હોય ત્યાં જ એ સારા લાગે. જો સજીવોનુ જાણતા કે અજાણતા સ્થળાંતર થાય તો તેનાં વિપરીત પરિણામો ભોગવવાં પડે. ગ્વામની પ્રજા અત્યારે પરિણામો ભોગવી રહી છે.

ઓસ્ટ્રેલિયા, પાપુઆ ન્યુ ગીની, સામોઆ વગેરે ટાપુમાં રહેતા આ સાપનાં એ બધા જંગલોમાં કુદરતી દુશ્મનો છે. એટલે તેમની વસતી કાબૂમાં રહે છે. પાપુઆ કે ઓસ્ટ્રેલિયાનાં ગાઢ જંગલોમાં બ્રાઉન સ્નેકની વસ્તી વધે તો પણ ખાસ વાંધો ન આવે, કેમ કે ત્યાં માનવ વસતી ઓછી હોય. પણ ગ્વામનો કિસ્સો જુદો છે. અકસ્માતે અહીં આવી ચડેલા બ્રાઉન સ્નેકના કોઈ કુદરતી દુશ્મનો હતા નહીં. વળી ખોરાક મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હતો. ગ્વામ પર જાત-જાતનાં રંગબેરંગી પંખીઓની વસતી હતી. આ પક્ષીઓને પણ એ પહેલાં ક્યારેય સાપનો સામનો કરવાનો થયેલો નહીં. પરિણામે ગ્વામનાં પક્ષીઓને ખબર જ ન હતી કે સાપ આવે ત્યારે ભાગી જવું અને બચ્ચાં કે ઈંડાંની સલામતીની વ્યવસ્થા કરવી! એટલે સાપ ચાલ્યો આવતો હોય ત્યારે પણ ગ્વામનાં પક્ષીઓ એમ જ બેઠાં રહે. એમાં સાપને જાણે ફાઈવ સ્ટાર હોટલમાં મફત જમવા મળતું હોય એવી સ્થિતિ સર્જાઈ. પંખીઓનાં ઈંડાં બ્રાઉન સ્નેકનો ફેવરિટ ખોરાક બન્યો. પરિણામે સાપોની વસતી દિવસ-રાત સતત વધતી રહી. ૧૯૭૦ના દાયકામાં પહેલી વખત પ્રકૃતિવિદ્ના ધ્યાનમાં આવ્યું કે ટાપુ પર જોવા મળતાં ૧૨ પૈકી દસ પંખીઓની સંખ્યા કેમ ઘટી રહી છે! તપાસ આરંભાઈ તો રેલો છેક બ્રાઉન સ્નેક સુધી પહોંચ્યો. મેઈન વિલન આ સાપો જ હતા. બીજા વિશ્વયુદ્ધ પહેલાં આપણે ત્યાં કબૂતર જોવા મળે એટલી સરળતાથી ગ્વામ પર કોકો નામનાં પક્ષીઓ જોવા મળતાં હતાં. હવે નથી દેખાતાં.

ટાપુ પર સૂરજ આથમે અને અંધારું છવાય એ સાથે જ બ્રાઉન સ્નેકની હલચલ શરૂ થાય. નામ પ્રમાણે આ સાપ વૃક્ષો પર જ રહે છે. પરિણામે પંખીઓએ બાંધેલા માળા તેમના માટે સૌથી સરળ ખોરાક બની જાય. સાપોએ માળામાં મૂકેલાં ઈંડાંઓ ખાવાનાં શરૂ કરી દીધાં. એ ક્રમ વર્ષો સુધી ચાલતો રહ્યો. પરિણામે આજે સ્થિતિ એ છે કે ગ્વામની ઓળખસમા ૧૨ પૈકી ૧૦ પંખીડાંઓ સંપૂર્ણપણે નાશ પામ્યાં છે. બે પંખીડાંઓ બચી શક્યાં છે, પણ એમની વસતી ૨૦૦ કરતાં વધારે નથી. આ પંખીઓને સમય રહેતા જંગલમાંથી પકડી સાપોથી સુરક્ષિત પાંજરામાં રાખવામાં આવ્યાં એટલે તેમની વસ્તી ટકી રહી છે. બાકી એ પણ ક્યારનાં ખતમ થઈ ચૂક્યાં હોત. પંખીડાંઓનો નાશ થવાથી વૃક્ષ-વેલાના બીજની હેરાફેરી (પરાગનયન) અટકી પડયું. પરિણામે કેટલાંક વૃક્ષો પણ ગુમ થયાં છે અને ખેતરોમાં પણ સાપના ત્રાસની અસર દેખાવા માંડી છે. એ રીતે ગ્વામના પર્યાવરણ ફરતે બ્રાઉન ટ્રી સ્નેકે કસોકસ ભરડો લઈ લીધો છે.

૫૪૪ ચોરસ કિલોમીટર (આપણા અમદાવાદ જેટલો વિસ્તાર થયો)માં ફેલાયેલા ટાપુ પર ૨૦ લાખ ભૂરા સાપ છે. એટલે એક ચોરસ કિલોમીટરે ૩,૬૭૬ સાપ થયા. એમેઝોનનાં ગાઢ જંગલોના કેટલાક વિસ્તારમાં એકાદ ચોરસ કિલોમીરમાં વીસેક પ્રકારના સાપ મળી આવે પણ તેમની વસતી કુલ મળીને પણ ગ્વામના ભૂરા સાપોને આંબી શકતી નથી. ૨૦૧૨ના અંદાજ પ્રમાણે ગ્વામની વસ્તી ૧,૮૫,૦૦૦ જેવી છે. આખી વસ્તીને સરખી રીતે સાપ વહેંચી દેવામાં આવે તો વ્યક્તિદીઠ ઓછામાં ઓછા દસ સાપ આવે!

સાપની બીજો મોટો ત્રાસ તેમનું 'ઈલેક્ટ્રિશિયન' તરીકેનું કામ છે. વીજળીના તાર પર બેઠેલાં પક્ષીઓનો શિકાર કરવા સાપ થાંભલા પર ચડી જાય અને તાર ફરતે વીંટળાય છે. પરિણામે સાપ તો મરે જ છે, સાથે સાથે શોટ-સર્કિટને કારણે ગ્વામ પર વારંવાર લાઈટ પણ જતી રહે છે. આજે ગ્વામ પર લાઈટ જાય તો વીજ અધિકારીઓ ફ્યુઝ કે પાવર સ્ટેશનમાં કોઈ ખામી શોધવાને બદલે ભૂરા રંગના સાપ ક્યાં લટકે છે એ શોધે છે!

ગ્વામની પ્રજા પણ સાપથી ટેવાઈ ગઈ છે. અહીં સવારે ઊઠો તો પથારીમાં એકાદ બ્રાઉન ટ્રી સ્નેક હોય એવું બની શકે. બહુ ઝેરી ન હોવાથી આ સાપ જાનહાની કરી શકતા નથી. પણ ઘર બહાર નીકળો ત્યાં ઊંબરામાં જ બે-ચાર બ્રાઉન ટ્રી સ્નેક આંટા મારતા હોય એવું દૃશ્ય જોવું કોને ગમે! સરકાર આ સાપોને કાબૂમાં કરવા ઊંધે માથે થઈ છે અને અમેરિકા વર્ષે લાખો ડોલર સાપોને જેર કરવા ખર્ચે છે. પણ હવે બ્રાઉન સ્નેકને ગ્વામ માફક આવી ગયું છે, માટે સરળતાથી તેની વસતી કાબૂમાં આવે એવી સંખ્યા નહીંવત્ છે. આ ટાપુ પર તો સાપોનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, પણ હવે ત્યાંથી બીજી કોઈ જગ્યાએ સાપ પગ ન કરી જાય એ વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. કોઈ નેતાના આગમન વખતે એરપોર્ટ પર ચેકિંગ થાય એવું ગ્વામના એરપોર્ટ પરથી ઊપડતાં તમામ વિમાનોનું રોજેરોજ ચેકિંગ થાય છે. ક્યાંય ખૂણે-ખાંચરે પણ બેસીને સાપ જો બીજા દેશમાં પહોંચે તો વળી ત્યાં નવી મુસીબતનાં મંડાણ થાય.

ગ્વામમાં ઠેર ઠેર લોખંડનાં પાંજરાં મૂકવામાં આવ્યાં છે. ખોરાકની લાલચે સાપ આ પાંજરામાં ફસાઈ જાય છે. પણ એમ કરવાથી બધા સાપો કાબૂમાં આવી શક્યા નથી. હજાર-બે હજાર સાપ ઝડપાય ત્યાં વળી એટલા બીજા જન્મી ચૂક્યા હોય છે. એટલે પ્લસ-માઈનસનો મેળ બેસતો નથી. મહેમાન બનેલા બ્રાઉન સ્નેકને ઘર (મૂળ વતન) કરતાં ગ્વામ વધારે માફક આવ્યું છે. નેશનલ જ્યોગ્રાફિકે કરેલી નોંધ પ્રમાણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ગિનીનાં જંગલોમાં થતા બ્રાઉન સ્નેક ચાર-છ ફીટ લાંબા છે. જ્યારે અહીં ખોરાકની વિપુલ ઉપલબ્ધિને કારણે સાપની લંબાઈ નવ-દસ ફીટ સુધી પહોંચી છે.

આ સાપોને કોઈક રીતે કાબૂમાં ન લેવામાં આવે તો પાંચ-દસ વરસમાં આખા ટાપુ પર સાપોની રજાઈ પાથરી હોય એવી સ્થિતિ સર્જાય એમ છે. સરકારે હાલ તો ઝેર ભરેલા ઉંદરડાઓ આકાશમાંથી પેરાશૂટ અને હેલિકોપ્ટર દ્વારા સાપોના વિસ્તારમાં છૂટા મૂકવાનું શરૂ કર્યું છે. આ ઉપાય લેટેસ્ટ છે, પણ છેલ્લો નથી.

 મૂળિયાં નાંખી ગયેલા સાપ એમ આસાનીથી દૂર થાય એવું માની લેવું વધારે પડતું છે. બધા પ્રયાસો મળીને પણ વર્ષે ૬ હજાર કરતાં વધારે સાપ ઓછા કરી શકતા નથી. જ્યારે કુલ વસતી તો ૨૦ લાખ કરતાં વધારે છે. પરિણામે અત્યારે ગ્વામની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી તો નહીં પણ સાપે આખો ટાપુ ગળ્યા જેવી છે!    

આ પહેલો કિસ્સો નથી!

એક જગ્યાના સજીવો બીજી જગ્યાએ પહોંચ્યા પછી આતંક મચાવે એવો આ પહેલો કિસ્સો નથી. અલબત્ત, ગ્વામના કિસ્સામાં સાપોની અજાણતા હેરાફેરી થઈ છે. પણ જાણીજોઈને સજીવોને નવા પર્યાવરણમાં વસાવવાના પ્રયાસો થયા છે અને તેમાં સદંતર નિષ્ફળતા સાંપડી છે. પોતપોતાનું કામ કરીએ ત્યાં સુધી સારા લાગીએ એ હકીકત અહીં લાગુ પડે છે. ક્યા સજીવને ક્યાં વસાવવું એ કુદરતનું કામ છે. માણસો જ એ કામ કરતાં થાય તો તેના વિપરિત પરિણામો આવે જ આવે.

સસલાં સામે લાચાર ઓસ્ટ્રેલિયન સરકારર

૧૮૮૯માં ઓસ્ટ્રેલિયામાં બ્રિટનથી રહેવા આવેલા થોમસ ઓસ્ટિન નામના અંગ્રેજે બ્રિટનથી જ ૧૩ જોડી સસલાં પણ મંગાવ્યાં. ઓસ્ટ્રેલિયામાં પહોંચેલાં સસલાં માટે અહીં કોઈ દુશ્મનો હતા નહીં. પરિણામે મામુલી લાગતાં સસલાંઓની વસતી વધતાં વધતાં ૧૦ અબજે પહોંચી! આ સસલાંઓ એટલું બધું ઘાસ ખાઈ જાય છે કે ઓસ્ટ્રેલિયાનું અર્થતંત્ર જેના પર નિર્ભર છે એ ઘેટાંઓની વસ્તીમાં ૩૦ ટકા કરતાં વધારે ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. ઘેટાં માટે ઘાસ જ વધતું નથી. સરકારે સસલાં મારવા માટે દર વરસે કાયદેસર રીતે બજેમાં અમુક લાખ ડોલરની રકમ ફાળવવી પડે છે. દરમિયાન આજે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રને સવાસો વર્ષ પહેલાં આવેલાં ૧૩ જોડી સસલાં કાતરી રહ્યાં છે.

અમેરિકા પર ચરક વરસાવતી મેના

અમેરિકાના ન્યૂયોર્કમાં દવાનો વેપાર કરતાં શેફલિને શેક્સપિયરનું બધું સાહિત્ય વાંચેલું. એ પછી તેને એમ થયું કે શેક્સપિયરનાં વર્ણનોમાં જે સજીવો આવે એ બધા અમેરિકામાં હોવા જોઈએ. બીજા બધા સજીવો તો હતા પણ અંગ્રેજીમાં સ્ટાર્લિંગ અને ગુજરાતીમાં તલિયા મેના કહેવાતા પક્ષીની અમેરિકામાં કમી હતી. શેફલિને ૧૮૯૦માં યુરોપથી અમેરિકામાં તલિયા મેનાની આયાત કરી. કોઈ રોકટોક વગર સ્ટાર્લિંગે અહીં મોટા પાયે વસ્તીવૃદ્ધિ કરી. લાખોની સંખ્યામાં ઊડતાં તલિયા મેનાનાં ટોળાં જોતજોતામાં લીલાં ખેતરોને સાફ કરી નાખતાં હતાં. ૧૯૬૦માં પ્રમુખ કેનેડીની શપથવિધિ વખતે મેનાનું ઝૂંડ મહેમાનો પર ચરકે નહીં એ માટે આજુબાજુનાં વૃક્ષોને થોડો વખત માટે મેનાપ્રૂફ બનાવવા પડેલાં!

આંદામાનને કાળાપાણીની સજા!

બ્રિટિશરોએ આંદામાન-નિકોબાર ટાપુ પર વસવાટ શરૂ કર્યો પણ ત્યાં કોઈ શિકાર કરવા જેવાં પ્રાણીઓ હતાં નહીં. માટે માત્ર શિકારની મજા લઈ શકાય એ હેતુથી ૧૯૨૦ના દાયકામાં કેટલાક સ્પોટેડ ડિયર (ચિતલ) આંદામાનની ધરતી પર છુટ્ટાં મૂકવામાં આવ્યાં. અહીં ચિતલના કોઈ દુશ્મનો ન હોવાથી તેમની વસ્તી ખૂબ વધી. થોડા વખતમાં જ આખા ટાપુ પર ચિતલનો ફેલાવો થઈ ગયો. ખેતરના ઊભા પાકથી માંડીને બધી લીલોતરી આ હરણો સાફ કરવા માંડયાં. પરિણામે ત્યાંના સ્થાનિક સજીવોની મુશ્કેલી શરૂ થઈ. ચિતલ વળી ઓછા ખોરાકમાં ચલાવી શકે એટલે ટાપુ પર ખોરાક ઘટે તો એમની સંખ્યામાં ખાસ ઘટાડો થતો નથી. હા, ટાપુના બીજા સજીવોને ડાયેટિંગ ફરજિયાત થાય છે.

ગોકળગાય શું કરી શકે? પૂછો જાપાનને!

એક જાપાની એક દિવસ પરદેશમાં ગોલિયાથ નામની જાયન્ટ ગોકળગાયનો સ્વાદ ચાખી ગયો. તેને એ સ્વાદ દાઢે વળગ્યો એટલે તેણે થોડી ગોકળગાય જાપાનમાં આયાત કરી. સંખ્યા વધે એટલે તેને ખોરાક તરીકે વેચી રોકડી કરવાનો હતો. જાપાનમાં પહોંચેલી ગોકળગાયે નામ પ્રમાણે ધીમે ધીમે નહીં પણ ખૂબ ઝડપથી પોતાની વસ્તી વધારી. પરિણામે જ્યાં નજર પડે ત્યાં ગોકળગાય દેખાતી થઈ. રસ્તા પર વાહનો નીચે ચગદાઈ જવાથી રસ્તાઓ જાણે ગોકળકાયનું પડ ચડાવેલા હોય એવા થવા લાગ્યા. ખાસ તો ચોખાનાં ખેતરોને મોટેપાયે બરબાદ કરી ગોકળગાયે હાહાકાર મચાવી દીધો. જાપાને માંડ માંડ એ સજીવથી છુટકારો મેળવ્યો છે.

બ્રિટિશરાજના તપતા સૂરજ આડે ગ્રહણ

દક્ષિણ અમેરિકામાં થતા ઊંદરના મોટા ભાઈ જેવા કોયપુ નામના સજીવોએ બ્રિટનને બાનમાં લીધેલું. અડધી પૃથ્વી પર જેનો સૂરજ તપતો હતો એ બ્રિટિશરાજ દક્ષિણ અમેરિકાથી કોયપુ આયાત કર્યા પછી લાચાર બનેલું. એક અંગ્રેજે કોયપુને રુવાંટી માટે બ્રિટનમાં મંગાવ્યું. ઊંદર જેવા આ પ્રાણીને સતત ખોરાક જોઈએ (કર્તરી વર્ગના બધા સજીવોએ પેટપૂજા ઉપરાંત પોતાના દાંત સતત વધતા ન રહે એ માટે પણ ખાતા રહેવું પડે. ઉંદર, સસલાં, છછૂંદર, ખિસકોલી વગેરે એટલે જ તો સતત કશુંક ખાતાં રહેતાં હોય છે). પરિણામે લીલાંછમ મેદાનો ઉજ્જડ થવા માંડેલાં. બ્રિટને માંડ માંડ કોયપુથી કાબૂ મેળવેલો. અલબત્ત, ત્યાં સુધીમાં કોયપુ સરહદો ઠેકીને યુરોપના બીજા દેશોમાં પણ પહોંચી ગયેલા!

lalitgajjer@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com