વડોદરા તા. ૨૯
આજવા રોડ પર જય યાગેશ્વર ટાઉનશિપના શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા વેપારીએ ત્રણ ટકાના વ્યાજે રૂ. ૫.૫ લાખ ભરવાડો પાસેથી લીધા હતા.ભરવાડોએ આ રકમ પર ત્રણ ટકાની જગ્યાએ ૧૦ થી ૧૨ ટકા વ્યાજની માંગણી કરી વેપારીને માર માર્યા બાદ દુકાનની ચાવીની લૂંટ ચલાવી તેને અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
- દુકાનની ચાવી લૂંટી લેતાં ભરવાડો સામે ફરિયાદ
વલ્લભ ટાઉનશિપમાં રહેતા લલીત ખંડેલવાલે પોલીસને જણાવ્યું કે, મેં ધુડા ભરવાડ, કૈલાશ ભરવાડ, લક્ષ્મીબેન ભરવાડ, ગોગા ભરવાડ, નાથા ભરવાડ અને સુરેશ ભરવાડ પાસેથી કુલ રૂ. ૫.૫ લાખ ત્રણ ટકા વ્યાજે લીધા હતા. છેલ્લા ત્રણ મહિનાથી આ છ જણાએ મારી પાસે ૧૦ થી ૧૨ ટકા વ્યાજ માંગવાનું શરૂ કરી દીધુ હતું. તેથી મેં તેમને વ્યાજ આપવાનું બંધ કરી દીધુ હતું.ગત તા. ૨૫મીએ હું મારી દુકાને હાજર હતો. આ સમયે ગજા ભરવાડ, ગોબર ભરવાડ અને ધુડા ભરવાડનો મિત્ર આવ્યા હતા. આ ત્રણેય જણાએ દુકાનની ચાવીની લૂંટ ચલાવી હતી. કિશનવાડી પોલીસે લલીતની ફરિયાદના આધારે ૧૧ ભરવાડો વિરૂદ્ધ લૂંટનો ગુનો દાખલ કર્યા હતો.