કાનમાં કહું
મને સેક્સ બાદ દર વખતે અલગ અલગ પ્રકારની લાગણી થાય છે. એક્સાઇટમેન્ટમાં ફેરફાર થતો હોય એમ લાગે છે. મારી એક બહેનપણી સાથે વાત કરી તો તેણે પણ આવું જ કહ્યું.
સેક્સ પછીની ફિલિંગ્સ એટલે કે ઓર્ગેઝમની અનુભૂતિ વ્યક્તિએ-વ્યક્તિએ અને એક જ વ્યક્તિમાંય પ્રસંગે-પ્રસંગે બદલાતી રહેતી હોય છે. ઓર્ગેઝમ ક્યારેક એકદમ સ્વર્ગીય, સ્ફોટક, દરિયાના ઉછાળા કે વીજળીના ત્રાટક જેવા એકસ્પ્લોઝિવ હોય છે, તો ક્યારેક તદ્દન શુષ્ક, બે-ચાર સ્નાયુઓના આછાપાતળા હલનચલન જેવા નિરસ પણ હોઈ શકે છે. ઓર્ગેઝમની અનુભૂતિ કે લાગણી ઘણી બાબતો પર આધાર રાખે છે. જેમ કે સેક્સ સમયનું વાતાવરણ, ભૂતકાળના અનુભવો, સેક્સ માટેની માનસિક અને શારીરિક તૈયારી, અપેક્ષા તેમજ પાર્ટનરનો મૂડ વગેરે અનેક બાબતો પર રહેલો હોય છે.
કેટલીક સ્ત્રીઓ એક જ સમાગમ પ્રસંગમાં એકથી વધુ ઓર્ગેઝમ માણી શકતી હોય છે, તો કેટલીક સ્ત્રીઓ એક જ ઓર્ગેઝમ માણી શકે છે. વધુ ઓર્ગેઝમ માણવા સક્ષમ હોવા છતાં સ્ત્રી જ આ અનુભવ એક જ વાર માણવો પસંદ કરે એય શક્ય છે. વિદેશોમાં સેક્સ રિસર્ચનીય લેબોરેટરીઓ હોય છે. કોપનહેગનની આવી એક લેબોરેટરીમાં સ્ત્રીઓને ઓર્ગેઝમ કેટલો સમય સુધી ચાલે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સિત્તેર જેટલી સ્ત્રીઓએ સ્વૈચ્છિક રીતે તેમાં ભાગ લીધો હતો, એવા આ પ્રયોગમાં સ્ત્રીઓએ એકાંતમાં રહીને પોતાના યોનિમાર્ગના મુખ આગળ આવેલા ક્લાઇટોરિસને જાતે ઉત્તેજિત કરવાનું હતું. તેઓના યોનિમાર્ગમાં જે લોહીનો પ્રવાહ વહે તેને પ્લેથિસ્મોગ્રાફિક ટેક્નિકથી માપવામાં આવ્યો. આ પ્રયોગનાં તારણો એવાં હતાં કે, સ્ત્રીઓ ઓર્ગેઝમનો અનુભવ ન કરી શકતી હોય તો એને માટે તે પોતે, પાર્ટનર, તેમનું વાતાવરણ, તેમની સેક્સની ટેક્નિક યા અન્ય કોઈ પરિબળ જવાબદાર હોઈ શકે. એક તૃતિયાંશ સ્ત્રીઓ તેમના ક્લાઇટોરિસ ઉત્તેજિત થાય ત્યારે જ ઓર્ગેઝમ અનુભવે છે અને જો સ્ત્રીઓ સંવનન યા પ્રણયચેષ્ટા દરમિયાન પોતાના ક્લાઇટોરિસની સંડોવણી ન કરે તો તેમને ઓર્ગેઝમ આવતા વાર લાગી શકે. પુરુષ જો સમાગમ દરમિયાન ઝડપથી સ્ખલન કરી દે (શીઘ્રસ્ખલન) તોય સ્ત્રી ઓર્ગેઝમના આનંદથી વંચિત રહી શકે છે. તે જ રીતે બીમારીમાં, અનિચ્છાએ યા કંટાળાજનક વાતાવરણમાં આચરેલા સેક્સમાંય ઓર્ગેઝમ ન આવે એવું બની શકે છે. શું ઓર્ગેઝમ દરમિયાન સ્ત્રીઓ પણ પુરુષની જેમ વીર્યસ્ખલન કરે છે? આ પ્રશ્ન ઘણા લોકો પૂછતા હોય છે. હકીકતે સેક્સોલોજિસ્ટોમાંય આ વિષયમાં ઘણા મતમતાંતરો પ્રવર્તે છે. ઉત્તેજક નવલકથાઓમાં આવતાં કામુક વર્ણનોમાં આલેખાતી સ્ત્રી પોતાના ઓર્ગેઝમ દરમિયાન પુષ્કળ સ્ત્રાવ વહાવે છે, જે માન્યતા ખોટી છે. સ્ત્રીઓમાં સ્ખલન હોતું નથી, તેમ છતાં સેક્સોલોજિસ્ટોએ એવા કિસ્સા જોયા છે, જેમાં સ્ત્રી સમાગમના અંત ભાગે ચાદર ભીની થઈ જવાની ફરિયાદ કરે છે. અર્થાત્ તેમને ક્લાઇમેક્સ વેળાએ કશુંક પ્રવાહી જેવું નીકળતું હોવાની લાગણી થાય છે. ઓર્ગેઝમ વેળા નીકળતું આ પ્રવાહી પ્રણયક્રીડા વખતે યોનિમાર્ગમાં વ્યાપતી ભીનાશથી પાછું અલગ હોય છે. પેરી તથા બીવર્લી વીપલ જેવા સેક્સ સંશોધકોએ ત્રીસથી ચાલીસ ટકા જેટલી સ્ત્રીઓને આવું ડિસ્ચાર્જ થતું હોવાનું નોંધ્યું છે.
પણ આ સ્ખલન યોનિમાર્ગમાંથી નથી આવતું. તે યોનિમાર્ગની ઉપર આવેલ મૂત્રદ્વારમાંથી બહાર આવે છે. સ્કિનીઝ ગ્લેન્ડ્ઝ નામની જે ગ્રંથિઓ મૂત્રવાહિનીની પડખે હોય છે તેમાંથી આ સ્ત્રાવ નીકળતા હોવાનું મનાય છે.
અલબત્ત, કેટલીક સ્ત્રીઓને જ આ અનુભવ થાય છે. પુરુષના વીર્યસ્ત્રાવમાં પ્રોસ્ટેટ ગ્રંથિનું પ્રવાહી મહત્તમ હોય છે. સ્ત્રીમાં પ્રોસ્ટેટ ગ્રંથિ નથી હોતી. તેમ છતાં કેટલાક સંશોધકો સૂચવે છે કે, સ્ખલન કરતી સ્ત્રીઓમાં રહેલી પેલી સ્કિનીઝ ગ્રંથિઓને સ્ત્રીઓની પ્રોસ્ટેટ કહી શકાય એમ છે. પુરુષને જેમ શીઘ્ર કે મોડું સ્ખલન થવાની બીમારીઓ હોય છે તેમ સ્ત્રીઓમાંય શીઘ્ર યા મોડું સ્ખલન થતી હોવાની બીમારીઓ જોવા મળી છે. પુરુષને સ્ખલન પહેલાં એક ક્ષણ એવી આવે છે જે ક્ષણ પછી તે સ્ખલન રોકી શકતો નથી. ઇજેક્યુલેટરી ઇનએવિટેબિલિટીની આ ક્ષણ સ્ત્રીઓમાં નથી જોવા મળતી.