ભુજ, તા.૩૧
ભુજ તાલુકા પોલીસે આજે મોડી સાંજે ભારત-શ્રીલંકા વચ્ચે રમાતી વન-ડે શ્રેણીનો ફોન પર ક્રિકેટનો સટ્ટો લેતાં સટોડિયાને માધાપરના જૂનાવાસમાં તેના ભાઈના મકાનમાંથી ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી લેપટોપ, ચાર મોબાઈલ, ટી.વી. સહિત કુલ ૪૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- પોલીસે ૪૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના માધાપરના જૂનાવાસમાં ક્રિષ્ણાપાર્કમાં રહેતો પ્રદીપ કાંતિલાલ ઠક્કર (ઉ.વ.રપ) તેના ભાઈ હાર્દિક ઠક્કરના મકાનમાં ભારત-શ્રીલંકાની ચાલતી શ્રેણી દરમિયાન મોબાઈલ ફોન પર આજે સાંજે ૭:૩૦ વાગ્યે શ્રીલંકાની બેટિંગ ચાલુ હતી, ત્યારે ક્રિકેટનો સટ્ટો લેતો હતો, ત્યારે જ તાલુકા પોલીસ ત્રાટકી હતી અને ક્રિકેટનો સટ્ટો લેતાં રંગે હાથે ઝડપ્યો હતો.
પોલીસે રેડ દરમિયાન લેપટોપ, ચાર મોબાઈલ, એક ટીવી એમ કુલ ૪૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો
હતો.પોલીસે જણાવ્યું હતું કે, શ્રીલંકાની બેટિંગ દરમિયાન તે ર૦થી રપ હજારની હારજીત કરી ચૂક્યો હતો. આરોપી પ્રદીપ મૂળ રાધનપુરના વારાહીનો છે અને છેલ્લા એક માસથી માધાપરમાં રહે છે. અગાઉ તે આઈ.પી.એલ.માં ક્રિકેટ સટ્ટામાં તૂટી પડતાં ચાલ્યો ગયો હતો. બાદમાં પરત આવી ક્રિકેટ સટ્ટો ચાલુ કર્યો હતો.
આ કામગીરીમાં પી.આઈ. ચાવડા, પી.એસ.આઈ. આર.ટી. તલસાણિયા, કિશોરસિંહ જાડેજા, ઉમેશ બારોટ જોડાયા હતા.