Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 07:49:00 AM IST
 

આપણે ખોટા માણસોના હાથમાં પાવર આપી દીધા છે (એકસ્ટ્રા કોમેન્ટ)

Aug 01, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 2445
Rate: 5.0
Rating:
Bookmark The Article

એકસ્ટ્રા કોમેન્ટ - અપૂર્વ દવે

એક સાથે દેશની ૬૦ કરોડથી વધારે જનતા એટલે કે અડધાથી વધારે વસતીને મળતી વીજળી ગુલ થઈ જાય અને કલાકો સુધી સ્થિતિ થાળે પડે નહીં અને ગમે ત્યારે ફરી ભંગાણ થવાનું જોખમ ઊભું ને ઊભું જ હોય ત્યારે તેના વિશે ગંભીરતાથી વિચારણા થવી જરૂરી જ નહીં, ફરજિયાત છે. વિશ્વમાં પહેલી વાર આવી દુર્ઘટના બની હોવા છતાં સંબંધિત ખાતાના પ્રધાનને એ ખાતામાંથી પ્રમોશન આપીને બીજા ઉચ્ચ ગણાતા ખાતામાં મૂકી દેવાય તે બાબત દેશવાસીઓ માટે વધારે ગંભીર છે. રેલવેના અકસ્માત થાય ત્યારે રેલવેપ્રધાનનું પાણીચું માગવામાં આવતું હોય છે, પણ અહીં તો ઊર્જાપ્રધાનને દૂર કરવાની વાત તો બાજુએ રહી, તેમને બઢતી આપવામાં આવે છે જાણે એ દિવસે કોઈ અસાધારણ ઘટના બની જ ન હોય ! નોંધપાત્ર બાબત એ છે કે, સતત બે દિવસ સુધી પાવરગ્રીડમાં ભંગાણ પડયું, પહેલા દિવસે એકમાં અને બીજા દિવસે ત્રણમાં.

પાવરગ્રીડ કોર્પોરેશનના અધ્યક્ષ આર. એન. નાયકે તો સરકારી અમલદારો માટે પ્રખ્યાત એવા વલણથી કહી દીધું કે, આવી દુર્ઘટનાનું પુનરાવર્તન નહીં થાય, પણ વાસ્તવિકતા એ છે કે, પરસ્પર સંકળાયેલી વીજવહનની વ્યવસ્થાને લીધે ગમે ત્યારે રાજ્યો પોતાના ક્વોટા કરતાં વધારે વીજળી ખેંચી લેશે તો આવું થયા વગર નહીં રહે.

મંગળવારે ઉત્તર, પૂર્વ અને ઇશાન ગ્રીડમાં ખોટકો સર્જાતાં બ્લેકઆઉટ થઈ ગયું. પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાને વધારે વીજળી ખેંચી લીધી હોવાથી આવું થયું એમ કહેવાય છે. પણ આ વાતને સત્તાવાર સમર્થન આપી શકાય એમ નથી. આ ગ્રીડ એટલી જટિલ હોય છે કે, તેનું સમારકામ કરવાનું સહેલું અને સમસ્યાનું ખરું કારણ જાણવાનું મુશ્કેલ હોય છે. પાવરગ્રીડમાં વીજ ઉત્પાદક મથકો અને વીજવહનની લાઈનો અને ઉપ-મથકો સંકળાયેલા હોય છે. માગ અને પુરવઠો પ્રમાણમાં રહે એટલે કે ગ્રીડનું કોઈ સભ્ય પોતાના ક્વોટા જેટલી જ વીજળી લે તો ગ્રીડ બરાબર કામ કરે, અન્યથા તેમાં ખોટકો સર્જાય. જ્યારે આવું થાય ત્યારે લાઈન ટ્રિપ થઈ જાય અને ટેક્નિકલ ભાષામાં જેને કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય છે તેના લીધે એક કરતાં વધારે ઠેકાણે અને ઘણા મોટા વિસ્તારમાં વીજપુરવઠો આપોઆપ ખંડિત થઈ જાય. ગ્રીડના સંચાલકોને વીજ મળવાના અને વીજ લેવાના સમયપત્રકની જાણ હોય છે. ક્યારેક ઉપકરણ બગડી જવાથી પણ લાઈન ટ્રિપ થઈ જાય છે અને વધુ વીજળી લેવાના કારણની તો આપણે વાત કરી જ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર નિયમિત ધોરણે પોતાના ક્વોટા કરતાં વધારે વીજળી લે છે અને તેના માટેનો દંડ પણ ભરે છે. આમ છતાં સુધરતાં નથી. ભારતમાં ઉત્તર, પૂર્વ, ઇશાન, દક્ષિણ અને પશ્ચિમ એ પાંચ ગ્રીડ છે. તેમાંથી દક્ષિણ ગ્રીડને બાદ કરતાં ચારે ગ્રીડ પરસ્પર સંકળાયેલી છે. ઉત્તર ગ્રીડમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢ સામેલ છે. પૂર્વમાં પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓરિસા અને સિક્કિમ, ઇશાનમાં અરુણાચલ, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પશ્ચિમ ગ્રીડમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવા તથા દક્ષિણ ગ્રીડમાં તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીનો સમાવેશ થાય છે. આ બધી ગ્રીડ સરકારી પાવર ગ્રીડ કોર્પોરેશન ચલાવે છે.

આ વખતનો બનાવ વધારે વસતીને અસર કરી ગયો તે દૃષ્ટિએ સૌથી મોટો હતો. ૨૮માંથી ૨૨ રાજ્યોમાં વીજપુરવઠો કપાઈ જવાની આ ઘટના માટે સંપૂર્ણપણે જવાબદાર સુશીલકુમાર શિંદેએ મંગળવારે પત્રકાર પરિષદ યોજી તો ખરી, પણ તેમાં આવા બનાવનું પુનરાવર્તન નહીં થાય તેની કોઈ ખાતરી આપવામાં આવી નહીં અને તેને અટકાવવા માટેની કોઈ યોજનાનો પણ ઉચ્ચાર કરવામાં આવ્યો નહીં. ત્રણ પાવરગ્રીડ ખોરવાઈ ગઈ તેની પાછળ કસૂરવાર રાજ્યોની પાવર માટેની ગ્રીડ એટલે કે લાલચ જવાબદાર હતી. આમ છતાં તે દરેક રાજ્યે પોતપોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, નિયમનું ઉલ્લંઘન કરવામાં બધાં જ ભેગાં છે. આ બનાવ એવા વર્ષે બન્યો છે જે વર્ષમાં દેશભરના દરેક ગામડે વીજળી પહોંચાડવાનું આયોજન એક સમયે કેન્દ્રિય ઊર્જા ખાતાએ કર્યું હતું. તેને બદલે આજે પરિસ્થિતિ એવી આવી છે કે, કેટલાંક રાજ્યોએ ગ્રીડમાંથી આવશ્યક કરતાં વધારે વીજળી લેવાનું શરૂ કર્યું છે અને ગ્રીડમાં ભંગાણ થવાનું જોખમ વધી ગયું છે. ઘરમાં અણકમાઉ વ્યક્તિ કમાનાર પર બોજ હોય એના જેવી આ વાત છે. વીજ ઉત્પાદનની ક્ષમતા નહીં વધારનારાં રાજ્યો વધુ પડતી વીજળી લઈને આખા દેશને નુકસાન પહોંચાડે છે.

દરેક રાજ્ય માટે અલગ અલગ પાવરગ્રીડ બનાવવાનું શક્ય નથી. વળી, કોઈ રાજ્ય વધારે વીજળીનું નિર્માણ કરી શકતું હોય તો તેનો લાભ અન્યોને આપવા માટે પણ પરસ્પર સંકળાયેલી ગ્રીડ હોવી જરૂરી છે. જે રીતે ગત બે દિવસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદના પાણીથી ગુજરાતના બંધમાં પાણી આવ્યું એ જ રીતે કોઈ એક રાજ્યની વધારાની વીજળીનો ઉપયોગ અન્ય રાજ્ય કરી શકે તે માટે ગ્રીડ આવશ્યક છે, પણ કોઈ રાજ્યે વીજ નિર્માણ જેવા ખર્ચાળ કાર્ય પર ધ્યાન આપ્યું નથી. રાજ્યોના નેતાઓને મન સસ્તી પ્રસિદ્ધિ અને સસ્તા ભાવે મળતા વોટનું મહત્ત્વ વધારે હોય છે. જે યોજનામાંથી સહેલાઈથી કટકી ખાવા મળે એવી યોજનાઓને તેઓ સામ-દામ- દંડ-ભેદની નીતિ અપનાવીને મંજૂર અને અમલી બનાવતા હોય છે, પણ વીજ ઉત્પાદન જેવા મુશ્કેલ અને મહેનત માગી લે એવા કામમાં તેમને રસ પડતો નથી.

દેશમાંથી કહેવા માટે રાજાશાહીનો અંત આવ્યો છે, પણ ભારતીયોના મનમાંથી હજી એ વૃત્તિ ગઈ નથી. દરેક રાજકીય નેતા, નાનો હોય કે મોટો, પોતાને રાજાશાહીનો જ હિસ્સો ગણે છે અને પ્રજા તેમને રાજા ગણીને જ તેમની સાથે વ્યવહાર કરે છે. આવામાં દરેક રાજ્યમાં સત્તાધીશ પોતાના રજવાડામાં પોતાની સત્તાને ટકાવી રાખવા માટે જ પ્રયાસ કરે છે. કોઈને સમષ્ટિની પડી નથી. જનતાનું હિત પણ તેમના ધ્યાનમાં નથી. હોત તો પ્રજાને પાણી અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાની જવાબદારીમાં તેઓ ઊણા ઊતર્યા ન હોત. આજે આ બંને જીવનાવશ્યક વસ્તુઓ મોટાભાગે શહેરોમાં જ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. શહેરથી માત્ર ૫૦ કિ.મી.ના અંતરે જાઓ તો પણ વીજળી અને પાણીના ધાંધિયા હોય છે. દેશમાં વીજક્ષેત્રને લગતી સંખ્યાબંધ સમસ્યાઓ છે. સરકારો ખેડૂતોને મફત વીજળી આપે છે અને વીજવહનમાં બગાડ પણ ત્રીસેક ટકા જેટલો થાય છે. આથી લગભગ બધાં જ રાજ્યોનાં વીજ બોર્ડ ખોટમાં જાય છે. તેને લીધે વીજ ઉત્પાદન માટે પૂરતાં નાણાં મળી રહેતાં નથી. સરકારી ખાતાં પણ પોતાનાં બિલ ભરતાં ન હોય ત્યારે પરિસ્થિતિ કેવી રીતે સુધરે !

૧૯૯૨થી ૨૦૦૭ સુધીમાં વીજ ઉત્પાદનના લક્ષ્યાંકોને ફક્ત અડધા જ હાંસલ કરી શકાયા છે. ૨૦૧૨થી ૨૦૧૭ સુધીની પંચવર્ષીય યોજનામાં એક લાખ મેગાવોટ વધારે વીજ ઉત્પાદન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, પણ પર્યાવરણ મંત્રાલય આ અંદાજને પર્યાવરણની દૃષ્ટિએ અવ્યવહારુ ગણાવે છે. દેશમાં હાલ જે વીજ ઉત્પાદન મથકો છે તેમાં પણ જૂનું તંત્રજ્ઞાન નડે છે. સરકારે ૨૦૧૦માં આપેલા અંદાજ મુજબ માગ અને પુરવઠામાં લગભગ ૧૧ ટકા જેટલું અંતર છે. દેશમાં હજી ૩૦ કરોડ લોકોને વીજળી મળતી નથી. ખોટકાને પામેલા ૬૫ કરોડને તેમાં ઉમેરીએ તો મંગળવારે ફક્ત ૨૦થી ૨૫ કરોડ લોકોની પાસે વીજળી હતી એમ કહી શકાય. હવે તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે આપણે ખોટા માણસોના હાથમાં પાવર આપી દીધા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com