સુરત,તા. ૧
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે જ નેશનલ લેવલની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું સેન્ટર ટૂંકમા શરૂ થઈ રહ્યું છે. આ માટે નર્મદ યુનિવર્સિટી દ્વારા મંજૂરી અપાયા બાદ ઓપન યુનિવર્સિટીએ પણ લીલી ઝંડી આપી દેતા આગામી થોડા દિવસોમાં સુરતમાં પાંચમાં આંબેડકર ઓપનના સેન્ટરનો આરંભ થશે.
· એક્સ્ટર્નલ અને શોર્ટ ટર્મ કોર્સ કરતા વિદ્યાર્થીઓને વિકલ્પ મળશે
આ સેન્ટર યુનિવર્સિટી ખાતે જ શરૂ થવાને કારણે ખાસ કરીને જેમને રેગ્યુલર કોર્સમાં પ્રવેશ મળતો નથી અને જેઓ ડિસ્ટન્સ ર્લિંનગ કોર્સ કે પછી વિવિધ પ્રકારના શોર્ટ ટર્મ ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરવા માગે છે એવા વિદ્યાર્થીઓ માટે આસાન થઈ પડશે. સાથે જ મહત્ત્વની બાબત એ છે કે, સુરતમાં અન્ય રાજ્યોની વિવિધ સંસ્થાઓ આવા કોર્સ કરાવીને શિક્ષણનો વેપલો માંડી રહી છે અને બિલાડીના ટોપની માફક કોર્સની દુકાનો ખુલી રહી છે ત્યારે એક રાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓને લાભ મળશે.
આ અંગે કુલપતિ દક્ષેશ ઠાકરે જણાવ્યું હતું કે, હાલમાં ઓપન યુનિવર્સિટીને હેલ્થ સેન્ટરની સામે આવેલા એક બિલ્ડિગને રિનોવેટ કરાવીને જગ્યા ફાળવવામાં આવશે અને ત્યાં ઓપનના કો-ઓર્ડિનેટર અને કલાર્ક પણ વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ઉપસ્થિત રહેશે અને યુનિવર્સિટીનું સાહિત્ય પણ ત્યાંથી મળી રહેશે.
સુરતમાં હાલમાં કે.પી. કોમર્સ, અખંડ આનંદ તેમજ ડી.આર.ભાણામાં આ સેન્ટર ચાલી રહ્યા છે પરંતુ યુનિવર્સિટી ખાતે જ સેન્ટર શરૂ થવાને કારણે ખાસ કરીને એક્સ્ટર્નલ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આસાન બની રહેશે. નર્મદ યુનિવર્સિટીમાં હાલમાં પ્રતિવર્ષ એક્સ્ટર્નલ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીનો પણ વિકલ્પ મળી રહેશે એમાં કોઈ બેમત નથી. સાથે જ યુજીસીની મંજૂરી વિના પણ કોર્સની હાટડી માંડતાં સેન્ટરો પાછળ લૂંટાતા અને વર્ષ બગાડતા વિદ્યાર્થીઓને પણ રાહત થશે.