દિલ કી બાત
બોલિવૂડમાં દિન-પ્રતિદિન વિશ્વભરની સુંદરીઓનું આગમન વધી રહ્યું છે અને તેમાં આજકાલ હોટ મોડલનો ફ્લો વધી ગયો છે. મોડલિંગની દુનિયામાં એક્કો જમાવનાર ઇવલિન શર્મા જર્મનની પરી છે. હવે તેણે બોલિવૂડમાં આગમન પણ કરી લીધું છે અને આજે તેની ફિલ્મ 'સિડની વિથ લવ' રિલીઝ થશે. ફિલ્મમાં તે એનઆરઆઇ લૂબૈના નામની યુવતીનો રોલ કરે છે. લૂબૈના પોતાની ફેશનમાં જીવનારી યુવતી છે અને સિડનીમાં રહે છે. મિત્રો સાથેની સફરવાળી આ ફિલ્મમાં અવનવાં ટ્વિસ્ટ પણ છે. પ્રથમ ફિલ્મથી તે ઘણી એક્સાઇટેડ છે અને તેને વિશ્વાસ છે કે ફિલ્મ દર્શકોને ગમશે તેમ તેણે કહ્યું હતું. મોડલ હોવાથી ફિલ્મ મળતી નથી, તેના માટે મારે પણ ઓડિશન આપવું પડયું હતું. હું નસીબદાર છું કે મારે કોઈ પ્રકારની હાનિ સહન નહોતી કરવી પડી. મને ઓડિશન માટે જ્યારે બોલાવવામાં આવી ત્યારે મારા લુક અને ટેસ્ટ શોટ પરથી જ મને દિગ્દર્શક પ્રતીક ચક્રવર્તીએ પસંદ કરી હતી તેમ જણાવ્યું હતું.
ઇવલિન બિઝનેસ સ્ટુડન્ટ હતી અને જર્મનીમાં તેણે થિયેટરમાં રોકાણ પણ કર્યું હતું. તેણે ઇંગ્લિશ ફિલ્મમાં પણ કામ કર્યું છે અને અભિનયમાં પકડ મેળવવા એક્ટિંગ કોર્સ પણ કર્યો છે. ભારતમાં આવ્યા પછી મેં ૧૦૦ જેટલાં મોડલિંગ અસાઇમેન્ટ પૂરાં કર્યાં છે અને હવે હું બોલિવૂડમાં કરિયર બનાવવા ઉત્સુક છું તેમ ઇવલિને ઇચ્છા પ્રગટ કરી હતી. ઇવલિનને પ્રવેશની સાથે જ બોલિવૂડ ફિલ્મો મળી ગઈ છે. 'સિડની વિથ લવ' પછી તેની પ્રતીક બબ્બર સાથે ફિલ્મ તૈયાર છે. તેની સૌથી મોટી ફિલ્મ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સાથે 'યે જવાની હૈ દીવાની' આ વર્ષે આવશે. ૨૦૧૩માં દિવ્યા કુમારની ટી-સિરીઝની ફિલ્મ પણ તેની પાસે જ છે.