ખંભાળિયા, તા.૨
ખંભાળિયા પંથકમાં વરસાદના અભાવે તથા પાણીની અછતના કારણે સર્જાયેલી દુષ્કાળની સ્થિતિને ધ્યાને લઈને શ્રાવણી લોકમેળાઓ આયોજકો દ્વારા રદ કરવામાં આવેલ છે, પરંતુ ભાવદરવા માસમાં યોજાતો શિરેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય મેળો યોજવાનું આયોજન થયું છે.
- શિરેશ્વર મંદિરે પરંપરાગત 'રગપાચમ'ના મેળાનું આયોજન
તાલુકામાં નહીવત વરસાદના કારણે શ્રાવણ માસમાં સાતમ, આઠમ અને નોમના રોજ અહીંના ખામનાથ મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં યોજાતા લોકમેળા બાદ તેરસ, ચૌદસ અને અમાસના રોજ રામનાથ મંદિર નજીકના લોકમેળાઓ આયોજકો દ્વારા રદ કરવામાં આવ્યા છે.મેળા શોખીન ખંભાળિયાની જનતા દર વર્ષે દસથી બાર દિવસ મેળાની મોજ માણે છે.આ સાથે વર્ષોથી નિયમિત રીતે યોજાતા ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમના લોકમેળો ચાલુ વર્ષે પણ યોજવા અંગેનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા મંજુર કરાયેલ છે.
અહીં શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા શિરેશ્વર મહાદેવ મંદિર નજીક ભાદરવા માસના રગપાંચમના પરંપરાગત લોક મેળા માટે ગ્રામ પંચાયતની સામાન્ય સભા સરપંચ ચંદ્રિકાબેન નકુમના વડપણ નીચે યોજાયેલી. જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મેળો યોજવાનુ સર્વસંમતિથી નક્કી કરાયું હતું.આ મેળો આગામી તા.૧૮ થી તા.૨૦ સપ્ટેમ્બર સુધી યોજાનાર હોય પંચાયત દ્વારા અત્યારથી જ આયોજન માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે અને મનોરંજનના વિવિધ સાધનો અને ખાણી પીણીના સ્ટોલ થકી અનેક ધંધાર્થીઓને રોજગારી મળી રહે છે.સાથોસાથ ગ્રામ પંચાયતને પણ લાખો રૂપિયાની આવક થાય છે.