નવી દિલ્હી, તા. ૨
દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાઠમંડુથી આવેલા એક શખ્સ પાસેથી સ્વામી નિત્યાનંદના અને જે તમિલ અભિનેત્રી પર બળાત્કારનો નિત્યાનંદ સામે આરોપ મુકાયો છે તે અભિનેત્રીના પાસપોર્ટ સહિત કુલ ૩૨ પાસપોર્ટ મળી આવતાં નિત્યાનંદ આ અભિનેત્રી સાથે દેશ છોડવાની ફિરાકમાં હતો તેવી અટકળો થઇ રહી છે.
દિલ્હી એરપોર્ટ પર એક શખ્સ બન્નેના પાસપાર્ટ સાથે ઝડપાયો
નિત્યાનંદ હાલમાં વાયા નેપાળ તિબેટમાં કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયો છે ત્યારે આ ઘટનાનાં પગલે ઘણા સવાલો ઉઠયા છે, જેમ કે શું નિત્યાનંદ બળાત્કારકેસમાં નપુંસકતાના ટેસ્ટથી બચવા ઇચ્છતો હતો? તમિલ અભિનેત્રીનો પાસપોર્ટ નિત્યાનંદના કથિત સમર્થક પાસે કેવી રીતે પહોંચ્યો? આ એવા સવાલો છે કે જેના જવાબની ઘણાં રાજ્યોની પોલીસને તલાશ છે.
મંગળવારે સાંજે ૬ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર કાઠમંડુથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-032માંથી નવીન કૌશિક નામનો એક ટ્રાવેલ એજન્ટ પણ ઊતર્યો હતો. એક્સ-રે સ્ક્રીનિંગમાં તેનો લગેજ શંકાસ્પદ જણાતાં કસ્ટમ અધિકારીઓએ લગેજનું ચેકિંગ હાથ ધર્યું હતું, જે દરમિયાન મળી આવેલા ૩૨ પાસપોર્ટમાં નિત્યાનંદનો અને જે અભિનેત્રી સાથેના નિત્યાનંદના સેક્સ સ્કેન્ડલની સીડી ચર્ચાસ્પદ બની હતી તે અભિનેત્રીનો પાસપોર્ટ પણ જોતાં અધિકારીઓ ચોંકી ગયા હતા.
નિત્યાનંદ અને જેની પર બળાત્કારનો નિત્યાનંદ સામે કેસ ચાલી રહ્યો છે તે અભિનેત્રીનો પાસપોર્ટ એક સાથે મળી આવતાં બન્ને દેશ છોડીને ભાગવાની ફિરાકમાં હોવાની અટકળો થઇ રહી છે. અન્ય ૩૦ પાસપોર્ટ પણ નિત્યાનંદના સમર્થકોના જ હોવાનું પણ માલૂમ પડયું હતું. કૌશિકે કસ્ટમ અધિકારીઓને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેને વિઝા પ્રોસેસ માટે નિત્યાનંદે પોતાનો અને અભિનેત્રીનો પાસપોર્ટ આપ્યો હતો જ્યારે બીજા પાસપોર્ટ નિત્યાનંદ પાસે કેવી રીતે આવ્યા તે સ્પષ્ટ થઇ શક્યું નથી.
જે ટ્રાવેલ એજન્સી મારફત વિઝા પ્રોસેસ કરાવાની હતી તેનું નામ પણ કૌશિકે કસ્ટમ અધિકારીઓને આપ્યું હતું પરંતુ કયા દેશના વિઝા મેળવવાના હતા તે હજુ જાણવા મળ્યું નથી. કસ્ટમ અધિકારીઓએ કૌશિકને દિલ્હી પોલીસના હવાલે કર્યો હતો. દિલ્હી પોલીસે પણ તેની પૂછપરછ હાથ ધરી હતી અને તેની પાસેથી મળી આવેલા ૩૨ પાસપોર્ટ અંગે તપાસ માટે દિલ્હી પોલીસની મદદ માગી હતી.
૩૦ જુલાઈએ નિત્યાનંદ પર નપુંસકતાનો ટેસ્ટ થવાનો હતો
તમિલ એક્ટ્રેસ પર બળાત્કારના વર્ષ ૨૦૧૦ના કેસમાં નિત્યાનંદે ૩૦ જુલાઇએ બેંગ્લોરમાં એક મેડિકલ ટેસ્ટ આપવાનો હતો. નિત્યાનંદે પોતે નામર્દ હોવાનો દાવો કર્યો હોઇ તપાસ અધિકારીઓ તેનો નપુંસકતાનો ટેસ્ટ લેવા ઇચ્છતા હતા. ૨૦૧૦માં નિત્યાનંદને તમિલ એક્ટ્રેસ સાથે કઢંગી હાલતમાં દર્શાવતી સીડી બહાર આવતાં નિત્યાનંદ સમાચારોમાં ચમક્યો હતો.