કવર સ્ટોરી - રીના બ્રહ્મભટ્ટ
તો આ છે આજના ઇન્ફર્મેશન યુગના ઊભરતા સિતારા જેવા ભારતીય યંગીસ્તાનના અધઃપતનનો બેહૂદો ચિતાર કે જેમાં તેઓ પોતે જ બરબાદીના રાહ પર બેલગામ બેફામ ધસી રહ્યા છે. જ્યાં તેમનું જ ભવિષ્ય અંધકારમય છે ત્યાં તેઓ દેશને કે તેમના પરિવારને તેઓ શું આપી શકવાના છે ?
મારા દોસ્તની જન્મદિવસની પાર્ટીમાં મેં મારા દોસ્તને કચકચાવીને એક લાફો મારી દીધો અને આખા રૂમમાં ઊલટી કરી અને પછી ધાબા પર ચડીને જોર જોરથી રાડો પાડી પછી પડોશીની પાણીની ટાંકીમાં પેશાબ કર્યો- વાંચી તમને કદાચ વિચાર આવે કે, આ તે ન્યૂઝ છે કે, સ્પેશ્યલ સ્ટોરી છે કે પછી ફિચર આર્ટિકલ કે જેમાં લેખક કહેવા શું માગે છે. તો સાંભળો હકીકતમાં આ શબ્દો નાગપુરના એક ટીનએજ દ્વારા એમટીવીની સાઈટ પર ચિક્કાર દારૂ પીને ટ્વીટ કરવામાં આવેલ નગ્ન હકીકત છે કે, જે આપણા ટીનેજર્સની અશ્લિલ હરકતોનો પર્દાફાશ કરવા પૂરતા છે. જો કે, એકાદ ટીનએજની આવી હરકત સમગ્ર યંગીસ્તાનના ચરિત્રનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં પરંતુ દિલ્હીનો એક ટીનએજ પણ જણાવે છે કે, મેં ખૂબ પીધો, પછી પરીક્ષા આપવા ગયો અને પ્રશ્નપત્ર પર જ ઊલટી કરી દીધી. તો હૈદરાબાદનો છોકરો જણાવે છે કે, જે દિવસે ભારતે ક્રિકેટ વિશ્વકપ જીત્યો હતો તે દિવસે રાત્રે મેં ખૂબ પીધો હતો અને તે રાત્રે આ જ કારણે મને ખૂબ પીટવામાં આવ્યો તેમ જ કોલકાતાની એક છોકરીને તેના મિત્ર સાથે પહેલીવાર પીવાનો ચાન્સ મળ્યો અને આ તકની સાથે તેણે સેક્સનો આનંદ પણ પહેલીવાર ઉઠાવ્યો. મુંબઈની ૨૨ વર્ષની એક ખૂબસૂરત યુવતી પણ દારૂના નશામાં ધૃત થઈને કોમ્પ્યુટર પર ચેટિંગ કરી તેની નશાની હાલતને તેના મિત્રો સાથે બિન્દાસ્તપણે શેર કરી રહી હતી. માનો કે ન માનો, પરંતુ ઝડપથી આગળ વધી રહેલ ભારતીય શહેરી યંગીસ્તાન કે ટીનએજર્સ યોગ્ય મોકો મળતાં જ કોઈપણ જગ્યાએ બિન્દાસ્ત બની દારૂ પીવા લાગ્યા છે અને નશાખોરીની આ સમસ્યા ધીમે ધીમે વિકરાળ રૂપ લઈ રહી છે.
છેલ્લા એક દશકથી આલ્કોહોલના પ્રભાવનું અધ્યયન કરી રહેલ બેંગલોર સ્થિત નિમહેન્સના ડો. જી. ગુરુરાજ જણાવે છે કે, યુવાનો નાની ઉંમરમાં શરાબ ચાખી રહ્યા છે, મોજમસ્તી માટે પી રહ્યા છે. કેટલીકવાર શરાબ પીવાની કોમ્પિટીશન પણ આટલી નાની ઉંમરમાં રાખે છે અને તે બહાને લિટરબંધ દારૂ તેમના પેટમાં ઠલવાય છે. એસોચેમે પણ થોડા સમય અગાઉ ૨૦૦૦ જેટલા ટીનેજર્સનું અધ્યયન કર્યું હતું. જેમાં તે વાત સામે આવી હતી કે, ૧૯થી ૨૬ વર્ષના કિશોરોમાં શરાબનો ઉપયોગ ૬૦ ટકા જેટલો વધવા પામ્યો છે. મેટ્રોસિટીમાં રહેતા કિશોરોમાં ૪૫ ટકાથી વધુ મહિનામાં પાંચથી છ વાર પીએ છે. જ્યારે ૭૦ ટકા સામાજિક પ્રસંગો દરમિયાન કોઈ ને કોઈ બહાને પીએ છે. તો નવેમ્બર, ૨૦૧૧માં એસોચેમના જ એક અન્ય સર્વેક્ષણમાં જોવા મળ્યું કે, પાછલાં દસ વર્ષ દરમિયાન ૧૫થી ૧૮ વર્ષના યુવાનોમાં પીવાની આદતમાં ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે તેમ જ આ સાથે ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં દુબઈમાં યોજાયેલ વર્લ્ડ ર્કાિડયોલોજી કોંગ્રેસમાં એક અધ્યયન રજૂ કરવામાં આવ્યું હતું કે, ફિલ્મ જોનારા ભારતીય યુવાનોમાં આલ્કોહોલના ઉપયોગનું પ્રમાણ ફિલ્મ ન જોનારા યુવાનો કરતાં ૩ ગણું વધારે જોવા મળે છે, કેમ કે તેઓ ફિલ્મમાં હીરોને ખુલ્લેઆમ દારૂ પીતાં જુએ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડે નિર્દેશ આપ્યો હતો કે, ફિલ્મોમાં ધૂમ્રપાન અને મદ્યપાનનાં દૃશ્યો દરમિયાન નીચે એક પટ્ટી આવવી જોઈએ જેમાં તેના વિરુદ્ધમાં એક કાનૂની ચેતવણી લખવામાં આવેલ હોય અને આ બાબતને બોર્ડના અધ્યક્ષ લીલા સેમસને ઘોષણા કરીને કહી છે કે, આ ચેતવણી ફિલ્મની શરૂઆતમાં અને ઇન્ટરવલ બાદમાં બે વખત રજૂ કરવામાં આવે. જો કે, આ બાબત પિયક્કડ બની ચૂકેલા યુવાનોમાં કંઈ ખાસ મહત્ત્વ ધરાવતી નથી. આ સાથે આ બાબત અંગેના કેટલાક અન્ય તથ્યો જોઈએ તો,
* મેટ્રોસિટીમાં હેપી અવર્સ કિડ્સ તેજીથી ઊભરવા લાગ્યા છે.
* ટીનએજ છોકરીઓ અને યુવતીઓમાં પણ આલ્કોહોલનો ઉપયોગ વધવા લાગ્યો છે.
* મોટાભાગની સ્કૂલ ભલે આ બાબત ન માને, પરંતુ બાળકો હવે ક્લાસરૂમમાં પણ પીવા લાગ્યા છે.
* ઇન્દોરના કે. બી. પટેલ ગુજરી વિદ્યાલયમાં આ જ જૂન મહિનામાં ૩ છોકરીઓને સ્કૂલમાંથી એટલા માટે હાંકી કાઢવામાં આવી કે, તેઓ ક્લાસરૂમમાં પાણીની બોટલમાંથી છુપાઈ છુપાઈને વોડકા પી રહી હતી, પરંતુ એક છોકરીએ ક્લાસરૂમમાં જ ઊલટી કરી દેતાં આ વાત જાહેર થઈ હતી.
* લખનૌમાં કોલેજના વિદ્યાર્થીઓ મોડેલ દુકાનો કે પછી હાઈવેના કિનારે ફ્રાઈડ પનીર સાથે અંગ્રેજી શરાબ પીવાના આદતી થતાં જઈ રહ્યા છે. બપોરથી શરૂ કરીને તેઓ મોડી રાત સુધી સતત પીતાં રહેતાં હોય છે અને આ સ્થિતિમાં કેટલીકવાર મોટા ઝઘડાઓ કે હત્યાઓ પણ થઈ જતી હોય છે એવું જોવા મળ્યું છે.
* મહાનગરોમાં પબ અને મોટા બારની અંદર વિશાળ સ્ક્રીન, કબાબ, કોકટેલ બિયર, ટેટુ, ફેસ પેઈન્ટિંગ અને ટીમ મર્ચેન્ડાઈઝ એક નવું ચલન બની રહ્યું છે. ૨૦૧૧માં એસોચેમે તેના સર્વેમાં જણાવ્યું હતું કે, ક્રિકેટ મેચ દરમિયાન આ કિશોરો તેમની પીવાની માત્રા ડબલ કરી દેતાં હોય છે.
* છુપાવીને દારૂ પીવાના અવનવા બહાનાં કે તરકીબો મહાનગરના યુવાનોમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. જેમાં આ મહાનગરોમાં હુક્કા લોન્જ પણ તેમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. વિભિન્ન સ્વાદના હુક્કાઓમાં મોટાભાગે વોડકા કે વાઈન જ હોય છે.
* મળતી માહિતી મુજબ, પીવામાં રસ ધરાવતા કિશોરો મોટાભાગે ખિસ્સાને માફક આવે તેવી પોપ વાઈનથી પીવાની શરૂઆત કરતાં હોય છે. જેમાં આલ્કોહોલની માત્રા બિયરથી ડબલ ગણી હોય છે અને તેમાં ફળોના ફ્લેવર હોય છે. ત્યાર બાદ તેઓ ક્રમશઃ શરાબ તરફ આગળ વધતા હોય જેમાં વોડકા તેમની પ્રથમ પસંદ હોય છે. કમ્યુનિટી અગેઈન્સ્ટ ડ્રંકન ડ્રાઈવિંગે ૨૦૧૦ના વર્ષમાં કિશોરોને લઈને એક સર્વે કર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે, ૧૬થી ૧૮ વર્ષના ૧/૩ કિશોરો પબ અને બારમાં જઈને શરાબ પીએ છે.
* તો વધુમાં જાણકારોનું કહેવું છે કે, ઓછી ઉંમરની કામકાજી મહિલાઓ તેમના દોસ્તના દબાણમાં આવીને દારૂ પીવાનું શરૂ કરી દે છે.
* તેમ જ દિલ્હીના ઈન્દ્રપ્રસ્થ, અપોલો હોસ્પિટલના સિનિ. સાઈકિયાટ્રિસ્ટ કન્સલ્ટન્ટના જણાવ્યા અનુસાર મોટાભાગની મહિલાઓ ઘરના પુરુષોથી પ્રભાવિત હોય છે અને તેમના પ્રભાવમાં આવીને તેઓ પીવા લાગે છે. તો આ જ પ્રમાણે કોલકાતાની જાધવપુર યુનિ.માં સ્કૂલ ઓફ વિમેન્સ સ્ટડીના ડાયરેક્ટર શમિતા સેન જણાવે છે કે, વાસ્તવમાં છોકરીઓ છોકરાઓની જેમ વર્તવા ઇચ્છે છે અને તેથી જ તેઓ પણ તેમની નકલમાં પીવા લાગે છે.
* તેમ જ ૮૦ના દશકમાં પીવાની ઉંમર સરેરાશ ૨૮ વર્ષ હતી જે હવે ઘટીને ૧૫ વર્ષ પર આવી ગઈ છે અને તેનાથી પણ ચોંકાવનારી બાબત તે છે કે, મહાનગરોના કેટલાક હિસ્સાઓમાં આ ઉંમર ૧૩ વર્ષ સુધી આવી પહોંચી છે.તો આ છે આજના ઇન્ફર્મેશન યુગના ઊભરતા સિતારા જેવા ભારતીય યંગીસ્તાનના અધઃપતનનો બેહૂદો ચિતાર કે જેમાં તેઓ પોતે જ બરબાદીના રાહ પર બેલગામ બેફામ ધસી રહ્યા છે. જ્યાં તેમનું જ ભવિષ્ય અંધકારમય છે ત્યાં તેઓ દેશને કે તેમના પરિવારને શું આપી શકવાના છે ? યુવાનોની આ સ્થિતિને કદાચ ધ્યાનમાં રાખીને હિમાચલની હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, નાબાલિગોને આલ્કોહોલ ઉત્પાદન વેચવામાં ન આવે. તો મહારાષ્ટ્રમાં પણ પીવાની ઉંમરને વધારીને ૨૫ વર્ષ કરી દેવામાં આવી છે, પરંતુ સરકારના આ પગલાંથી બોલિવૂડમાં હડકંપ મચવા પામ્યો હતો. ઈમરાન ખાને તેની વિરુદ્ધમાં બગાવત કરી હતી. આ જ પ્રમાણે હરિયાણા અને મેઘાલયમાં કાયદા પ્રમાણે પીવાની ઉંમર ૨૫ વર્ષ માન્ય રાખવામાં આવી છે. જ્યારે કે આંધ્રપ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં આ ઉંમર ૨૧ વર્ષ છે. તો કેરલ, ગોવા, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં ૧૮ વર્ષની ઉંમર પીવા માટે માન્ય ગણવામાં આવે છે.
જો કે, સમસ્યા ત્યાં છે કે, કાયદો તો તમે પકડાઓ ત્યારે તમારા પર લો એન્ડ ઓર્ડર મુજબ કામ કરે છે. બાકી જ્યાં લાખો યુવાનો કે યુવતીઓ સંતાઈને શહેરની નાની-મોટી હોટેલ્સ કે હુક્કાબારોમાં તેમની લત સંતોષી લેતા હોય અને અગર હવાલદારોને હાથે પકડાઈ પણ જાય તો નાની-મોટી રકમ આપી છૂટકારો કરી લેતા હોય તો નેચરલી તેમાં કાયદો તમારા બાળકને પીવાથી રોકી શકવાનો નથી. ગુજરાતમાં હાલ દારૂબંધી પ્રવર્તી રહી છે, પરંતુ અવનવી થીમ સાથે યોજાતી રેવ પાર્ટીઓમાં બેફામ દારૂની છોળો ઊડતી જ હોય છે અને તે સિવાય ટીનેજર્સ અને યુવાનો હુક્કાબારમાં જઈને પણ તેમની આલ્કોહોલની પ્યાસ બૂઝાવી આવતા હોય છે. આ અંગે જાણકારોના મતે પહેલાં સામાજિક સ્તર પર પીનારા આદમીને દારૂની લત લાગતાં દસ વર્ષનો સમય લાગી જતો હતો. જ્યારે આજના બદલાયેલા આધુનિક વાતાવરણમાં ફક્ત બે જ વર્ષમાં તેને દારૂની લત લાગી જાય છે. ત્યારે આ સ્થિતિમાં ટીનેજર્સ અને યુવાનોમાં આલ્કોહોલની વધેલ દીવાનગીને ધ્યાનમાં રાખીને કેટલીક સ્કૂલોએ પીવાનું ચલણ વધતું અટકાવવા નવા તરીકાઓ અપનાવવા પર જોર આપ્યું છે. પૂણેની રિવરડેલ ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલની હોસ્ટેલમાં થોડા સમય અગાઉ કેટલાક વિદ્યાર્થીઓ પીતાં પકડાઈ ગયા ત્યારે સ્કૂલે શરૂઆતમાં તો તેમને સ્કૂલમાંથી નીકાળી દીધા, પરંતુ પછીથી પરત લઈ લીધા અને તુરત જ તેમનું ઇમેજિનેટિવ કાઉન્સિલિંગ કરાવવામાં આવ્યું. જેનાથી ૯૫ ટકા સુધીના સકારાત્મક પરિણામો જોવા મળ્યાં. એટલે કે કહેવાનો આશય છે કે, નિયમો અને કાનૂનો બનાવવાને બદલે વાસ્તવદર્શી દૃષ્ટિ કેળવવામાં આવે તો તેનાથી ચોક્કસપણે ફાયદો થાય છે. આજના યુવાનો વાસ્તવમાં પોતાની જાતને એડવાન્સ કે ફોરવર્ડ હોવાના સ્ટેટ્સ સિમ્બોલને કારણે જ મોટાભાગે દેખાદેખીમાં નશાની દુનિયામાં પોતાની જાતને ડૂબાડવા લાગે છે. ત્યારે આવા દિશાવિહીન યુવાનોને સાચે માર્ગે લાવવા સ્કૂલો, કોલેજો અને પરિવારોએ પોતે જ એક ગાઈડલાઈન તૈયાર કરવી જોઈએ. અન્યથા તમે તમારા બાળક માટે એક ઊંચી કરિયરના સપનાં સજાવતાં હશો, પરંતુ તમારો દીકરો કે દીકરી તેની જાતને એડવાન્સ સાબિત કરવાના જુઠ્ઠા બહાનાં હેઠળ નશીલી દુનિયામાં જાણે-અજાણે ધકેલાઈ ગયા હશે.