મંથન - શાંડિલ્યા
પહેલાં જેને સર્વે કહેવાતો તેમાં હવે ઓપિનિયન પોલ શબ્દ પણ ઉમેરાયો છે. આ પરોક્ષ અભિપ્રાયનો જ એક પ્રકાર છે
તેમાં કોઈએ પોતાનું નામ ના લખવું કેમ કે મારા સંબંધોને દાવમાં નથી મૂકવા. આને મારો સ્વસુધારણા પ્રોજેક્ટ સમજી લેવો. આપ સૌનો અભિપ્રાય મારા માટે ઘણો કિંમતી રહેશે
પ્રણવભાઈ એક સફળ વેપારી હતા. વેપારી વર્તુળમાં તેમની ચતુરાઈ અને કોઠાસુઝનો ડંકો પડે. સાથે મહેનતુ પણ ખરા. સ્વજનો અને સંબંધીઓ માટે પણ તેઓ ઘણું ઘસાઈ છૂટતાં.
મિત્રો માટે મરી ફીટે તેવા અને પરિચિતો તથા પડોશીઓ એમ દરેક માટે મદદગારનું માન મેળવી ચૂકેલાં પ્રણવભાઈના હાથમાં તેમની કોલેજિયન દીકરીની ડાયરી આવી જાય છે.
તેમને માનવામાં નથી આવતું કે તેમની લાડલી માટે તે એક કંજુસ અને બોરિંગ પાપા હતા ?! બેઉ શબ્દપ્રયોગ તેમને એટલો આઘાત આપી ગયા કેમ કે તેઓ તો પોતાને આદર્શ પર્સનાલિટી જ માનતા આવેલાં.
પહેલાં તો તેમને ગુસ્સો આવ્યો પછી એક વિચાર સુઝયો. તેમને થયું કે મારા સ્વજનો અને મિત્રો પણ મારા વિશે કંઈક આવા જ પ્રકારના અભિપ્રાય તો નથી ધરાવતા ને ? તેમની નજરમાં હું કેવો છું તે જાણવું પણ જરૂરી છે અને પ્રણવભાઈએ તેમના ઘરબહાર એક ડ્રોપ બોક્સ લગાવ્યું. સૌને એક મેસેજ કરી દીધો કે જ્યારે જ્યારે તમે મારા ઘરે આવો કે મને મળો ત્યારે મારા વર્તન બાબતે, મારા સ્વભાવ વિશે, પર્સનાલિટી માટે તમને જે લાગે, જે કાંઈ અનુભવાય તે પ્લીઝ બે લીટીમાં લખીને આમાં મૂક્તાં જશો. મારા વિશેનો તમારો જેવો અભિપ્રાય હોય તે ખેલદિલીપૂર્વક તેમાં જણાવશો. હું તે ખુશીથી સ્વીકારી લઈશ. અને હા તેમાં કોઈએ પોતાનું નામ ના લખવું કેમ કે મારા સંબંધોને દાવમાં નથી મૂકવા. આને મારો સ્વસુધારણા પ્રોજેક્ટ સમજી લેવો. આપ સૌનો અભિપ્રાય મારા માટે ઘણો કિંમતી રહેશે.
આવું જ ડ્રોપ બોક્સ તેમણે તેમની ઓફિસની બહાર પણ મૂકાવ્યું. થોડા મહિનાઓ પછી તેમણે બોક્સ ખોલીને પોતાના વિશેના લોકોના અભિપ્રાયો જાણ્યા ત્યારે રીતસરના ચોંકી જ ગયા. સારા મતોની સામે કેટલાંક એવાં પણ હતાં જેણે તેમને પોતાની જાત વિશે વિચારતાં કરી મૂક્યાં.
કોઈએ લખેલું તમે દંભી છો, જેવા દેખાવા માંગો છો તેવાં ભીતરથી નથી. કોઈએ તેમને અસંવેદનશીલ અને ગણતરીબાજ પણ કહી નાખ્યા. આવા દરેક નકારાત્મક અભિપ્રાયોને તેમણે ગંભીરતાથી લઈ તેના પર મનોમંથન કર્યું અને પછી લાગી ગયા તેમના જાત સુધારણા પ્રોજેક્ટમાં.
પ્રણવભાઈ તો પોતાના વ્યક્તિત્વ વિશે, સંબંધો પરત્વે ખૂબ સજાગ હોઈને તેમના માટે આ ફાયદો કરાવે તેવો મુદ્દો બની રહ્યો પણ ઘણા લોકો એવાં પણ હોય છે જેઓની પોતાના વિશેની માન્યતાઓ અને મંતવ્યો એટલાં જડબેસલાક હોય છે જેમાં કોઈના દ્વારા કરવામાં આવેલી નાનીશી ટીકા કે ન ધારેલો અભિપ્રાય પણ કાંકરીચાળાનું કામ કરી જાય છે. સમાજમાં બે પ્રકારનાં લોકો વસે છે. એક પ્રકારમાં કોઈ પોતાના વિશે શું ધારશે, શું બોલશે તેની લેશ માત્ર પરવા હોતી નથી. હુ કેર્સ...!! કહીને ખભા ઉલાળી બેફિકરાઈના મદમાં રાચતાં આવાં લોકો માટે અન્યોના અભિપ્રાય ''હાથી પાછળ કૂતરાં ભસે...'' વાળી કહેવત જેટલું જ મહત્ત્વ ધરાવતાં હોય છે.
તેમના મતે ઈર્ષાળુ અને નવરા લોકો જ બીજા માટે બોલતાં રહે છે. નથી તેઓ સંબંધો પરત્વે ગંભીર હોતાં કે ના તો પોતાને થઈ શકનારા સ્થૂળ- સુક્ષ્મ લાભ અને નુકસાનો બાબતે તેમને કોઈ ચિંતા. તેમના માટે પોતે પરફેક્ટ જ હોય છે. જ્યારે બીજા પ્રકારના લોકો પ્રણવભાઈ જેવાં. ઉત્સુક અને સાથે જાગૃત પણ ખરા.
થોડાં વર્ષોથી આપણે ત્યાં એક નવો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે, લોકોના અભિપ્રાય ઉઘરાવવાનો. પહેલાં જેને સર્વે કહેવાતો તેમાં હવે ઓપિનિયન પોલ શબ્દ પણ ઉમેરાયો છે. આ પરોક્ષ અભિપ્રાયનો જ એક પ્રકાર છે. જેમાં સચિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી જોઈએ કે નહીં ? જેવા પ્રશ્નોથી માંડીને રેખા સાંસદ બની શકે કે નહીં.... તમારા મતે કોને દેશના રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ જેવા અનેક હળવા- ગંભીર વિષયો મૂકાયા છે.
દેશના લોકો આ હસ્તીઓ બાબતે, તેમની ક્ષમતાઓ માટે અને તેમની લાયકાત વિશે શું ધારે છે, તેમની નજરોમાં આ કહેવાતી સફળ વ્યક્તિઓ કેવું સ્થાન ધરાવે છે તે દરેકનો નિર્ણય એક ''હા કે ના''માં આપવાનો હોય છે. અલબત્ત મરજિયાત પણે અને ટૂંકો હોવા છતાં મહત્ત્વનો અભિપ્રાય તેમની પર્સનાલિટીને અને તેમના કાર્યને સ્પર્શે છે જરૂર.
કોઈ યુવતી સ્વભાવે ખૂબ ફ્રી માઈન્ડેડ હોય, સંપર્કમાં આવતાં મિત્રો, પુરુષો એમ દરેકની સાથે હસીને-ખૂલીને વાતો કરતી હોય, બિન્દાસ્ત રખડવા નીકળી પડતી હોય ત્યારે પછી ભલેને તે તેના સ્વભાવનું એક પાસું હોય કે તે આ બદલ પોતાને નિર્દોષ માનતી હોય પણ લોકોના મતે તે કંઈક ઓર જ હોઈ શકે છે.
હકીકતમાં મોટા ભાગના લોકો પોતાના સ્વભાવની, વર્તન અને વ્યવહારની ઝીણી- મોટી લાક્ષણિક્તાઓથી અજાણ જ હોય છે. જગત આખાને ઓળખી લીધાનો દાવો કરનાર ખુદ પોતાનાથી જ ઘણો અજાણ્યો હોય છે. પોતે જે બોલી કે વર્તી રહ્યાં છે તે શ્રેષ્ઠ જ છે અને તે સૌ સ્વીકારીને ચાલે તેવી તેમની ધારણા અને અપેક્ષા પણ હોય છે.
આવાં લોકો માટે એક અણધાર્યો અભિપ્રાય પણ ઠોકરનું કામ કરી જાય છે. પોતાના વિશે કોઈએ આપેલો અણગમતો અભિપ્રાય તેમના અહંના કોચલાને તોડવાનું શરૂ કરી દે છે અને તેવું કરનારને તે દુશ્મન માનવા લાગે છે. તે તેને બતાડી દેવા અને બદલો લેવા મચી પડે છે. ઘણીવાર તો જે તે વ્યક્તિની ટીકા કરીને તેને બદનામ કરી પોતાનો તૂટેલો અહં સાંધવાનો પ્રયત્ન કરતાં પણ અચકાતાં નથી.
કોઈએ સરસ કહ્યું છે કે ''ખૂદને ખરાબ કહેવાની હિંમત નથી એથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.''
જો કે જરૂરી નથી કે લોકોના દરેક અભિપ્રાય સાચા જ હોય અને તે વ્યક્તિ તેવી જ હોય. કોઈ એકાદ સ્વજન કે મિત્ર કોઈના વિશે કશુંક કહે છે ત્યારે તેમાં તેમનો કોઈ સારો- માઠો અનુભવ, કોઈ પૂર્વગ્રહ વગેરે સામેલ હોઈ શકે છે.
બોસ અકડુ છે એવું કહેનાર કોઈ કર્મચારીને બોસનો કડવો અનુભવ થયો હોય તેવું બને પણ તેથી બીજાઓ માટે તે ખરાબ નથી બની જતાં, પણ જ્યારે દસમાંથી છથી સાત કર્મચારીઓ એવો જ અભિપ્રાય આપતા હોય તો તે સત્યની ઘણી નજીક હશે તેવું જરૂર માનવું પડે.
કબીરજી તો કહે છે કે નિદંક નિયરે રાખીએ. અભિપ્રાય અને મત ભલે ટીકા નથી કે નિંદા પણ નથી પણ તેનું મહત્ત્વ અને અસર જરાય ઓછા પણ નથી.
માણસને એ ખબર નથી હોતી કે તેમના વર્તન અને વાણીની ઝીણામાં ઝીણી લાક્ષણિક્તાઓની ઊંડી અસર સામેની વ્યક્તિ પર પડતી જ હોય છે. આજે નહીં તો કાલે પણ કોઈક મુદ્દે તો તે તેમના ભાવિ પર હાવી થઈ શકે છે. બોલવામાં કે વ્યવહાર કરવામાં થતી નાનીશી ભૂલ કે પછી ગેરસમજ ભવિષ્યના દસ કામો બગાડવામાં નિમિત્ત બની શકે છે. તમારું વર્તન અન્ય માટે અભિપ્રાયનું કારણ ઊભું કરતું હોઈને તેનું મહત્ત્વ ઓછું નથી બનતું. તેથી આપણે અભિપ્રાયોને તદ્દન હળવાશથી લેવાના બદલે વ્યક્તિત્વને જોવાનો અરીસો ગણીએ તે વધુ ફાયદાકારક નીવડશે.
આ અરીસામાં જાત વિશેના અનેક ભ્રમો જે વર્ષોથી પાળી રાખ્યાં હશે તે સ્પષ્ટ જોઈ શકાશે. અર્થાત્ સિક્કાની બીજી બાજુ સાફ નજરે આવશે. ખુદની ખુબીઓ સાથે વ્યક્તિત્વની ગરિમાને ઝાંખી કરનાર ખામીઓ પણ અહીંથી જ પકડી શકાશે.
આ અરીસો એક એવી તક વગર માગ્યે આપે છે જેને હમણાં સુધી ઓળખતાં હોવા છતાં ઝીલવી ગમતી નહોતી. આ એક ચેતવણી પણ બની રહેશે. કાં ખુદને સમજો- સુધારો અથવા ફેંકાઈ જાવ...!
જેઓ પ્રણવભાઈની જેમ સંબંધો અને સ્વસુધારણા માટે અતિ સંવેદનશીલ હોય, જીવનની દરેક બાબતમાં જેઓ પારર્દિશતા અને પ્રામાણિક્તાનો આગ્રહ રાખતાં હોય, તેઓ માટે અભિપ્રાય એ મૂલ્યવાન મુદ્દો છે. જરૂર છે તો બસ અહંનો છેડો છોડી અને નમ્રતાની જાળ ગૂંથવાની.