વર્ષો પહેલાંની વાત છે. એક ગામમાં એક યુવાન રહેતો હતો. તેની સાથે વિધવા માતા રહેતી હતી. એક દિવસ તેને અચાનક બહારગામ જવાનું થયું. બહારગામ જવાની વાત તેની માતાને કરી. માતાએ કહ્યું, "બેટા, અત્યારે બહારગામ એકલા ન જવાય. તારી સાથે કોઈને લઈ જા!"
યુવાન કહે, "મા, રસ્તામાં ભય જેવું નથી. વળી મારે આજે જ જવું પડે તેમ છે. વળી, અત્યારે અચાનક જવાનું થયું હોય ત્યારે મારી સાથે કોણ આવે?"
માતા બોલી, "ભલે બેટા, પણ એક કામ કરીને થોડી વારમાં હું ઘરે પાછી આવું ત્યાર પછી તું જજે! " આમ કહી તે નજીકમાં આવેલા તળાવમાંથી એક કરચલો લઈ આવી. તેણે કરચલો એક કપૂરની દાબડીમાં મૂક્યો. એ દાબડી પોતાના પુત્રને આપતાં કહ્યું, "આને તું સાથે રાખજે, કામ લાગશે!" પુત્ર કહે, "મા, કરચલો મને શું કામ લાગશે? પણ તું કહે છે તો હું સાથે લઈ જઈશ.'
યુવાન દાબડીને ઝોળીમાં મૂકીને ચાલી નીકળ્યો. બપોરે તે એક ઝાડ નીચે આરામ કરવા આડો પડયો. ઘણું ચાલ્યો હોવાથી યુવાન થાક્યો પણ હતો, ઝાડની શીતળ છાયામાં તેને ઊંઘ આવી ગઈ!
અચાનક ઝાડની બખોલમાંથી એક મોટો સાપ બહાર નીકળ્યો. કપૂરની સુગંધને કારણે સાપ આકર્ષાયો હતો. સાપ યુવાનની પાસે પડેલી ઝોળી તરફ આગળ વધ્યો. ઝોળીમાં રહેલી દાબડી ખોલવા તેના પર ફેણ પછાડી એટલે દાબડી ખૂલી ગઈ અને એમાંથી કરચલો બહાર નીકળ્યો. કરચલાએ પોતાના આંકડા નાગના ગળે ખોંચી દીધા. નાગે એમાંથી છૂટવાનો પૂરો પ્રયત્ન કરી લીધો, પણ કરચલો એમ કાંઈ સરળતાથી છોડે ખરો! થોડી વાર એમ કશ્મકશ ચાલી અને અંતે કરચલાએ આંકડા ભરાવીને સાપને ત્યાં ને ત્યાં જ મારી નાખ્યો. બપોર ઢળી ગઈ પછી યુવાન જાગ્યો. જાગીને જુએ છે તો કાળો નાગ પોતાની બાજુમાં મરેલો પડયો હતો! કપૂરની ઉઘાડી દાબડી અને કરચલાને જોતાં જ એને બધી વાત સમજાઈ ગઈ. તેને પોતાની માતાની વાત સાંભરી આવી કે, "બેટા આને તું સાથે રાખજે કામ લાગશે."
તે મનોમન બોલ્યો, "મેં મારી માતાની શિખામણ માની ને કરચલાને સંગાથે લીધો, તો તેણે મને સાપથી બચાવ્યો. જો કરચલો અને કપૂર સાથે ન હોત તો સાપે જરૂર મને ડંખ માર્યો હોત." આમ વિચારતો યુવાન પોતાના માર્ગે આગળ ચાલ્યો.
બોધઃ આપણાંથી અનુભવી અને બુદ્ધિશાળી લોકોની શીખામણ માનવામાં ડહાપણ રહેલું છે.