લંડન 3, ઓગષ્ટ
મેરિકોમને કોચ વિના જ રમવું પડશે
ભારતની મહિલા બોક્સર એમસી મેરિકોમને લંડન ઓલિમ્પિક્સમાં કોચનાં માર્ગદર્શન વિના જ ઊતરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. મેરિકોમના કોચ ચાર્લ્સ એટકિન્સન છે. એટકિન્સન પ્રોફેશનલ હોવાથી નિયમ અનુસાર ઇન્ડિયન અમેચ્યોર બોક્સિંગ ફેડરેશન તેમને એક્રેડિએશન આપી શકે નહીં. ગુરુવાર સુધી મેરિકોમ લિવરપુલ ખાતે એટકિન્સન પાસે માર્ગદર્શન લઇ રહી હતી. ઓલિમ્પિક્સ દરમિયાન ચીફ વુમન્સ કોચ અનુપકુમાર મેરિકોમને માર્ગદર્શન આપશે.
'મારા પુત્ર પાસે પ્રેમ કરવા સમય નથી'
લંડન ઓલિમ્પિક્સની સ્વિમિંગ સ્પર્ધામાં હમવતન માઇકલ ફેલ્પ્સને બરાબર લડત આપનારા અમેરિકાના રિયાન લોક્ટે પાસે પ્રેમ કરવા સમય જ નથી તેમ તેની માતાનું કહેવું છે. લોક્ટેની માતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર કાયમ પોતાની રમત વિષે જ વિચારતો હોવાથી તેની પાસે પ્રેમ કરવાનો સમય રહેતો નથી. લોક્ટે માત્ર પુત્ર નહીં મારો ખૂબ જ સારો મિત્ર છે અને તે મને પોતાની દરેક અંગત વાત કહે છે. લોક્ટેએ 'વન નાઇટ સ્ટેન્ડ' સંબંધ અનેકવાર બાંધ્યા છે પણ તે હાલ પ્રેમનાં બંધનમાં પડવા માગતો નથી.
દેશ નહીં, કોચ નહીં છતાં પણ મેદાનમાં
લંડન ઓલિમ્પિક્સમાં ગ્યુઓર મેરિયલ નામનો એવો એથ્લેટ ભાગ લઇ રહ્યો છે જે કોઇ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો નથી, આટલું જ નહીં તેની પાસે કોઇ કોચ પણ નથી. મેરાથોન ઇવેન્ટમાં મેરિયલ ઓલિમ્પિક ફ્લેગની આગેવાની હેઠળ રમવાનો છે. મેરિયલ ખૂબ જ નાનો હતો ત્યારે દક્ષિણ સુદાનમાં ગૃહયુદ્ધ થતાં તેમાં તેના પરિવારના સભ્યોની કતલ થઇ હતી અને તેને જીવ બચાવી નાસવું પડયું હતું. મેરિયલ આ પછીથી સુદાન આર્મી ઓફિસરને ત્યાં નોકર તરીકે કામ કરતો હતો. જુલાઇમાં આઝાદ થયેલા સાઉથ સુદાનને ઓલિમ્પિક કમિટી નહીં હોવાથી તે ઓલિમ્પિક ફ્લેગની આગેવાનીમાં આ વખતે રમશે. મેરિયલ રાત્રે કામે જાય છે અને દિવસે પ્રેક્ટિસ કરે છે.
સ્ટિફની રાઇસ નિવૃત્તિ લેવાના મૂડમાં
લંડન ઓલિમ્પિક્સમાં સાધારણ દેખાવ બાદ ઓસ્ટ્રેલિયાની સ્વિમર સ્ટિફની રાઇસ આંતરરાષ્ટ્રીય સ્વિમિંગમાંથી નિવૃત્તિ લેવા વિચારણા કરી રહી છે. રાઇસે જણાવ્યું હતું કે મને મારી કારકિર્દીનું વિશ્લેષણ કરવાનો સમય આવી ગયો છે. આગામી દિવસોમાં હું મનોમંથન બાદ પરિવાર, મિત્રો સાથે ચર્ચા કરી ભાવિ અંગે નિર્ણય કરીશ.