Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 11:18:30 AM IST
 

ટીમ અણ્ણાની રાજનીતિ લોકપાલને ભરખી ગઈ

Aug 03, 2012 National
 
Tags:   Anna Hajare Politilcal Party Team comment     E-Mail     Print    
 
Viewed: 1118
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૩

લોકપાલ માટે હવે રાજકીય વિકલ્પ જ બચ્યો છે તેવો બચાવ કરી રહ્યા છે

અણ્ણા અને ટીમ અણ્ણાનાં તાજેતરનાં ઉપવાસ આંદોલનનું દયાજનક રીતે સુરસુરિયું થઈ ગયું અને ટીમ અણ્ણાએ રાજકીય પક્ષ રચવાની તેમની મેલી મુરાદની જાહેરાત કરી. આ સમગ્ર મામલામાં ટીમ અણ્ણાની રાજનીતિ લોકપાલને કવેળા ભરખી ગઈ. ગયા વર્ષે લોકપાલ ઝુંબેશને કારણે જ અણ્ણા ફરી લાઇમલાઇટમાં આવ્યા હતા પણ આજે તેમનો એજન્ડા બદલાઈ ગયો છે અને ચહેરા પરથી લોકપાલનો મુખવટો ઉતારીને તેમણે રાજકીય પક્ષનું મહોરૃં પહેરી લીધું છે. લોકપાલ માટે લડવા હવે રાજકીય વિકલ્પ જ બચ્યો છે તેવો બચાવ તેઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષને કઈંક સફળતા મેળવવા અને પોતાનું વર્ચસ્વ સ્થાપતાં ઘણો સમય વીતી જતો હોય છે. આવા સંજોગોમાં લોકપાલ માટે અસરકારક લડાઈ લડવા બીજો એક દાયકો રાહ જોવી પડશે તેવું હાલના સંજોગો પરથી લાગી રહ્યું છે. લોકપાલ માટે તેમને વિજય મળે તે પહેલાં તેમના રાજકીય પક્ષનો વાવટો સંકેલાઈ જવાની પૂરી શક્યતા છે.

ભ્રષ્ટાચાર સામેની લડતમાં તેઓ યુપીએ સરકાર અને રીઢા રાજકારણીઓને નમાવી શકશે તેવી ગરીબ-મધ્યમ વર્ગની અનેક આશાઓ પર તેમણે પાણી ફેરવી દીધું છે. છેલ્લા એક વર્ષમાં ટીમ અણ્ણાએ તેમની તમામ શક્તિઓ વેડફી નાખી છે અને આજે તેમના ચહેરા પરનો નકાબ ઊતરી ગયો છે. તેમનું મિશન રાજકારણ જ હતું તેવા આક્ષેપો આજે સાચા પડી રહ્યા છે પણ વસ્તુસ્થિતિ એ છે કે રાજકારણમાં અઠંગ ખેલાડીઓ જ ફાવે છે, બીજા કોઈને તે ફાવવા દેતું નથી તે વાત યાદ રાખવા જેવી છે.

ટીમ અણ્ણાનાં પતનની અહીંથી જ શરૂઆત થશે. એક સારા ઈરાદા સાથે સિવિલ સોસાયટીની ઝુંબેશ ચલાવવી અને જનજુવાળ સર્જ્યા પછી ગંદાં રાજકારણમાં પ્રવેશવાની વાતો જ તેમનું પતન નોતરી શકે છે. ટીમ અણ્ણાનાં આંદોલનમાં ખોટું શું થયું તેનું મનોમંથન કરવા જેવું છે. અણ્ણાનું આંદોલન બિનવ્યૂહાત્મક હતું. બિઝનેસ, રાજકારણ કે સામાજિક વિકાસની વાત હોય ત્યાં વ્યૂહાત્મક આયોજનની વાતો લોકો અમસ્તાં નથી કરતાં. એક માત્ર ભ્રષ્ટાચારને ભગાડવાનું તેમનું મિશન હતું. ભ્રષ્ટાચાર સામે લડવા તેમને લોકપાલ કે લોકપાલ બિલ નામનું કારણ પણ મળી ગયું હતું. આ એક એવો નક્કર ઉપાય હતો જે ભ્રષ્ટાચાર ડામીને લોકોને સખત સજા કરાવી શકે તેમ હતો. મીડિયાનો સાથ લઈને તેઓ લોકો સમક્ષ સારી રીતે આ આઈડિયા રજૂ પણ કરી શકયા. અહીંથી જ સારી શરૂઆત થવી જોઈતી હતી તેને બદલે ટીમ અણ્ણાએ અહીંથી જ આખા મામલાનો કરુણ અંત લાવી દીધો. ટીમ અણ્ણા લોકજુવાળને સફળતામાં ફેરવી શકી નહીં. લોકોનો અભૂતપૂર્વ ટેકો મળ્યો ત્યારે જ તેમણે પાટિયાં બદલી નાખ્યાં. લોકપાલ બિલ માટે સર્વગ્રાહી માર્ગ અપનાવવાને બદલે લોકો પર વ્યક્તિગત આક્ષેપો કરવા લાગ્યા. લોકપાલના એજન્ડાને આગળ વધારવાને બદલે તેમણે પ્રધાનોને પકડયા. રાજકારણીઓને આટલું જ જોઈતું હતું, પરિણામે અણ્ણાનાં આંદોલનનું અહીં જ બાળમરણ થઈ ગયું.

 
 

હવે તેઓ રાજકારણમાં જવાની વાતો કરે છે પણ તેમાં કેટલા સફળ થશે તે એક સવાલ છે. રાજકારણમાં જીત હાંસલ કરવી એ લાંબો અને કાંટાળો માર્ગ છે, તેમાં સામ, દામ, દંડ અને ભેદ એમ ચારેય પ્રકારનાં દાવપેચ રમવા પડે છે. ટીમ અણ્ણા કેટલા અને કેવા દાવપેચ રમી શકશે તે એક સવાલ છે. રાજકારણમાં તેઓ કોંગ્રેસ અને ભાજપને લાંબાગાળે થોડુંઘણું નુકસાન પહોંચાડી શકે તો પણ તે માટે લાંબી મજલ કાપવી પડશે.

મુલાયમ અને માયાવતીથી માંડીને અનેક રાજકારણીઓ એકબીજાનાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો જાહેર કરીને જ સત્તા પર આવતાં હોય છે. સત્તા આવે એટલે તેઓ ભ્રષ્ટાચારમાં રચ્યાપચ્યા રહે છે. શું ટીમ અણ્ણા આવી રીતરસમો અપનાવી શકશે તે એક સવાલ છે. ટીમ અણ્ણા રાજકારણમાં આવી રીતરસમો સાથે લડવાનો જુસ્સો ધરાવે છે કે કેમ તે પણ એક સવાલ છે.

 
અણ્ણાના પહેલાં પારણાં, હવે રાજનીતિનાં પારખાં

દેશમાં ભ્રષ્ટાચાર સામે યુદ્ધનું રણશિંગુ ફૂંકનાર ટીમ અણ્ણાએ જીત મેળવ્યા વિના જ તેમનું યુદ્ધ આટોપી લેવું પડયું છે. રીઢા રાજકારણીઓએ ચાણક્યનીતિ અપનાવીને જંતરમંતર પર બેઠેલા અણ્ણાને મૂંગામંતર કરી દીધા છે. આંદોલનનાં નાટકના પહેલા અંક પર તેમણે પડદો પાડી દીધો છે અને રાજકારણને સમરાંગણ બનાવવા નાટકનો બીજો અંક શરૂ કર્યો છે, તેમનું આ નાટક કેટલું લાંબુ ચાલશે તે કોઈ કહી શકે તેમ નથી. ટીમ અણ્ણાને આંદોલન સમેટી લેવાની ફરજ પાડીને સરકારે 'પહેલો ઘા રાણાનો' ઉક્તિને સાચી ઠેરવી છે. ટીમ અણ્ણાને આ ઘા રૂઝવતાં કેટલો સમય લાગશ તે કહેવું મુશ્કેલ છે.

અણ્ણા અને ટીમ અણ્ણાએ સરકાર સમક્ષ તેમનાં હથિયારો હેઠાં મૂકીને શુક્રવારે પારણાં કર્યાં. પહેલાં પારણાં કર્યાં પછી હવે તેઓ રાજનીતિનાં પારખાં કરવા નીકળ્યા છે. ભૂતપુર્વ આર્મી ચીફ જનરલ વી. કે. સિંહે અણ્ણાને પારણાં કરાવ્યાં હતાં. તેમણે અણ્ણાને સત્તાનું લોકશાહીકરણ અને વિકેન્દ્રીકરણ કરવાની સલાહ આપી છે પણ ટીમ અણ્ણા જ માર્ગ ભૂલીને વેરણછેરણ થવાને આરે છે.

 ભ્રષ્ટાચાર સામે લડવા રાજકીય પક્ષ રચવાની ટીમ અણ્ણાએ જાહેરાત કરી છે. સરકારને ઊથલાવવાનો સમય આવી ગયો છે તેવું જાહેર કરનાર ટીમ અણ્ણાની ગાડી જ ટ્રેક પરથી ઊથલી પડી છે. રાજકીય પક્ષ માટે કેજરીવાલ અને ટીમ અણ્ણાએ લોકો પાસેથી અભિપ્રાયો માગ્યા છે પણ હાલ તેઓ જ દિશાવિહીન થઈ ગયા છે. સંસદની બહાર અને અંદર રહીને ભ્રષ્ટાચાર સામે લડવાનું લોકોને વચન આપનાર ટીમ અણ્ણા જ હાલ રસ્તા પર આવી ગઈ છે.

 
લોકો હવે તેમનો હાથ ઝાલશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

 દેશમાં ફરીને લોકોમાં જાગૃતિ ફેલાવવાની તેઓ સુફિયાણી વાતો કરે છે પણ આંદોલનનાં સ્થળે જે રીતે કાગડા ઉડતા હતા તે એવું દર્શાવે છે કે ટીમ અણ્ણા લોકોને જગાડે તે પહેલાં લોકો જ જાગી ગયાં છે અને તેમનાથી છેડો ફાડી નાખ્યો છે. સરકાર સામે હાર માનશે નહીં તેવું કહેનાર ટીમ અણ્ણાનો પહેલા તબક્કામાં જ પરાજય થઈ ગયો છે.

ટીમ અણ્ણાનું હવે પછીનું મિશન રાજકીય વિકલ્પ આપવાનું છે પણ આ માટે તેઓ હવે સામ, દામ, દંડ અને ભેદમાથી કયો વિકલ્પ અપનાવશે તે નક્કી નથી, તેમની લડાઈ પાવર માટે નહીં પણ પરિવર્તન માટે છે તેવો દાવો કરનારાઓએ તેમનાં આંદોલનનું જ પરિવર્તન કરવું પડયું છે. સરકારને પડકાર ફેંકવામાં આવ્યો છે તેવું કહેનાર અણ્ણા સામે જ અત્યારે અનેક પડકારો સર્જાયા છે. ભ્રષ્ટાચાર સામે ક્યારેય સમાધાન નહીં કરાય તેમ કહેનાર અણ્ણાને જ અત્યારે અનેક સમાધાન કરવાં પડયાં છે. દેશમાં સિસ્ટમ બદલવા નીકળનારાઓના અત્યારે હાલચાલ બદલાઈ ગયા છે. આ બધા એજન્ડામાં ટીમ અણ્ણા કેટલું પોલિટિકલ માઈલેજ મેળવી શકશે ? લોકો તેમને કેટલો સપોર્ટ આપશે તે તો આવનારો સમય જ કહેશે.

અણ્ણાને રાજકીય પક્ષ રચવા ટેકો નહીં : હેગડે

બેંગલોર : અણ્ણા હઝારે કે ટીમ અણ્ણાને રાજકીય પક્ષ રચવા માટે તેઓ હરગીઝ ટેકો નહીં આપે તેવી સ્પષ્ટતા ટીમ અણ્ણાના સભ્ય અને કર્ણાટકના ભૂતપૂર્વ લોકાયુક્ત સંતોષ હેગડેએ કરી છે, જે લોકો ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ચૂંટણી લડવા માગતા હશે કે દેશમાં રાજકીય પરિવર્તન લાવવા માગતા હશે તેવાં લોકોને મારો ટેકો આપીશ તેમ હેગડેએ કહ્યું હતું. અણ્ણાની ઓળખ રાજકારણી તરીકે નથી. તેઓ સામાજિક પરિવર્તન લાવવા માટે લોકપ્રિય છે, આથી તેમણે રાજકીય પક્ષ રચવો જોઈએ નહીં.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com