Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 04:06:09 AM IST
 

અણ્ણાએ પોત પ્રકાશ્યું અસલી એજન્ડા જાહેર (ચીની કમ)

Aug 04, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1737
Rate: 5.0
Rating:
Bookmark The Article

અણ્ણા હઝારેને લોકનાયકની લાલચ આપીને ટીમ અણ્ણાને રાજકીય સત્તા હાંસલ કરવી છે

અણ્ણા હઝારે ફ્લોપ સાબિત થયા. દિલ્હીના જંતરમંતર પર છેલ્લા ૧૬ મહિનાથી અવારનવાર ચાલી રહેલા મીડિયાલક્ષી અનશનના નાટક પર પરદો પડી ગયો. હવે કોઈપણ જાતની પૂર્વશરત વિના તેમણે જાતે જ અનશન સમાપ્ત કરી દેવાની ઘોષણા કરી દેતાં ટીમ અણ્ણાની નૈતિક તાકાતની પોલ ખૂલી ગઈ. અરવિંદ કેજરીવાલ એન્ડ કા. છેલ્લા ૯ દિવસથી ઉપવાસ પર હતા. ટીમ અણ્ણાને હતું કે, દેશની ૧૨૫ કરોડની જનતા તેમની રોજબરોજની વિટંબણાઓ, નોકરી-ધંધો, ખેતીવાડી અને સ્કૂલો-કોલેજો છોડીને લાખોની સંખ્યામાં જંતરમંતર ખાતે ઊમટી પડશે. કેન્દ્ર સરકાર ભીંસમાં આવી જશે અને આખી સરકાર તેમના ઘૂંટણિયે પડી જશે એવો તેમનો ખ્યાલ ખોટો સાબિત થયો છે. જન લોકપાલ નહીં આવે તો અમે બલિદાન આપીશું તેમ કહેનારાઓએ મોતના ડરથી અનશન સમાપ્ત કરી દીધા.

અણ્ણાને કોઈએ એવી ચાવી ચઢાવી હતી કે, "તમે બીજા ગાંધીજી છો." કોઈએ તેમને કહ્યું કે, તમે બીજા જયપ્રકાશ નારાયણ છો. એટલે લોકપાલને મુદ્દો બનાવી કૂદી પડો મેદાનમાં."

પણ અણ્ણા એ વાત ભૂલી ગયા કે, આ ગાંધીજીના સમયનું ઇન્ડિયા નથી. કેન્દ્રમાં અંગ્રેજો નહીં, પણ ભારતની પ્રજાએ ચૂંટેલી સરકાર છે. દેશમાં હકૂમત લંડનમાં આવેલી પાર્લામેન્ટ દ્વારા નહીં, પણ દિલ્હીની પાર્લામેન્ટ દ્વારા ચાલે છે. ભારતની સંસદમાં કોઈપણ ખરડાને કાનૂન બનાવવો હોય તો તેના નીતિ-નિયમો છે. ખરડાને પહેલાં લોકસભામાંથી અને ત્યાર બાદ રાજ્યસભામાંથી પસાર કરવો પડે છે. દેશમાં અનેક પક્ષો છે. બધાંની સર્વસંમતિ વિના અણ્ણા ઇચ્છે છે તેવો લોકપાલનો ખરડો કાનૂન બની શકે નહીં. અણ્ણા હઝારે અને તેમના સાથીઓ કાયદો પાર્લામેન્ટમાં નહીં, પણ સડક પર બનાવવા માગતા હતા.

બની બેઠેલા મસીહા

ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પર મળેલી પબ્લિસિટીના કારણે અણ્ણા, કિરણ બેદી, અરવિંદ કેજરીવાલને લાઈમ લાઈટમાં રહેવાનો નશો થઈ ગયો હતો. આ બધા સભ્યો કારણ વગર જાતે જ ભારતના મસીહા બની ગયા હતા. શરૂ શરૂમાં તો લોકોને તેમનું આંદોલન પસંદ પડયું હતું, પરંતુ ધીમે ધીમે ટીમ અણ્ણાના સભ્યોની પોલ ખૂલવા માંડી હતી. કિરણ બેદીએ એક પ્રવચન કરવા ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી હતી અને બિઝનેસ ક્લાસનું બિલ યજમાન પાસેથી વસૂલ કર્યું હતું. વકીલ પ્રશાંત ભૂષણની પ્રોપર્ટીનો મામલો બહાર આવ્યો હતો. તેમને એક માણસે તેમની ઓફિસમાં જ ફટકાર્યા હતા. કેજરીવાલ તો તેમના વતન હિસ્સારની એક પેટાચૂંટણીમાં રાજકીય પ્રચાર કરવા પહોંચી ગયા હતા. લોકોને ધીમે ધીમે અણ્ણા અને ટીમ અણ્ણાનો અસલી એજન્ડાનો ખ્યાલ આવી ગયો હતો. અણ્ણાએ છેલ્લે ઉપવાસ કર્યા ત્યારે દેશની આખી પાર્લામેન્ટે ઠરાવ કરી અણ્ણાને ઉપવાસ છોડી દેવા અપીલ કરી હતી. આ ઘટના બાદ કેજરીવાલ અને કિરણ બેદીને લાગ્યું કે, પાર્લામેન્ટ પણ આપણે કહીએ તેમ નાચવા તૈયાર છે. એક તબક્કે ટીમ અણ્ણાના અસલી સોફ્ટવેર એવા અરવિંદ કેજરીવાલે આખી સંસદને ચોર-લુટારા કહી ગાળો દીધી. પરિણામ એ આવ્યું કે, વિપક્ષોની જે થોડી ઘણી સહાનુભૂતિ અણ્ણા હઝારે પ્રત્યે હતી તે પણ અદૃશ્ય થઈ.

મુંબઈમાં અણ્ણાના અનશનનો શો ફ્લોપ ગયો છતાં તેઓ સમજ્યા નહીં કે, લોકોને હવે ટીમ અણ્ણા પર ભરોસો નથી. ટીમ અણ્ણાના કેટલાક સભ્યોને ભારતની સંસદીય લોકશાહી પદ્ધતિ ખતમ કરી ચાઈના જેવી પીપલ્સ પાર્ટીનું રાજ લાવવું છે તેવી ગંધ પણ કેટલાકને આવી. કેટલાકને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મેળવવા છે તેવા સંકેત પણ બહાર આવ્યા. કેટલાકને રાજનીતિમાં આવી પાર્લામેન્ટમાં જવું છે તેવી દહેશત ઘણાને હતી અને તે દહેશત સાચી પડી. અણ્ણા હઝારેએ હવે દેશને રાજકીય વિકલ્પ આપવાની વાત કરીને તેમનો અસલી પોલિટિકલ એજન્ડા જાહેર કરી દીધો છે. અણ્ણા હઝારેએ આ જાહેર કરીને તેમનું અસલી પોત પ્રકાશ્યું છે.

ટી.વી. એક્ટર્સ

સાચી વાત એ છે કે, અણ્ણા હઝારે એક હાર્ડવેર છે અને ટીમ અણ્ણા સોફ્ટવેર છે. કિરણ બેદી અને કેજરીવાલને ખબર છે કે, તેઓ માત્ર ટી.વી. કેમેરા સામેના એક્ટર્સ છે. જે કોઈ થોડી ઇમેજ છે તે માત્ર અણ્ણા હઝારેની છે, તેથી આ બધા ચાલાક લોકોએ અણ્ણાના દિમાગમાં પોતાની વાતો ભરી દીધી. એ બધાએ ભેગા થઈ અણ્ણા હઝારેને જયપ્રકાશ નારાયણ જેવા લોકનાયક બનવાની લોલીપોપ આપી. અણ્ણા એક ગામડિયા માણસ છે, પ્રામાણિક પણ છે, સાદગીપૂર્ણ વ્યક્તિ છે, પણ અક્કલના કાચા છે. તેમને બીજા લોકનાયક બનવાની મહત્ત્વાકાંક્ષા છે. 'આઝાદી કી દુસરી લડાઈ હૈ' કહીને તેઓ ગાંધીજી બની જવાના ખ્યાલમાં હતા, પરંતુ તેઓ એ વાત ભૂલી ગયા કે, ગાંધીજીએ કરેલા ઉપવાસ દેશમાં કોમી દાવાનળ બંધ કરવા માટે જ હતા. અંગ્રેજોને અઠવાડિયામાં જતા રહો નહીંતર હું આમરણ ઉપવાસ પર ઊતરું છું એવું અલ્ટિમેટમ અંગ્રેજોને કદી આપ્યું નહોતું. ભારતને આઝાદી આપવાનો નિર્ણય પણ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે લાંબી ચર્ચાના અંતે કર્યો હતો અને ત્યાં સુધી ગાંધીજીએ રાહ જોઈ હતી. ખરી વાત એ છે કે, ટીમ અણ્ણા અણ્ણા હઝારેને મૂર્ખ બનાવી ગઈ. જંતરમંતર પર બલિદાનની વાતો કરવાવાળા એકાએક ઉપવાસ છોડવાનો છૂપો રસ્તો શોધવા લાગ્યા. બલિદાનની વાતો કરવી સહેલી છે અને ભૂખ્યા રહી બલિદાન આપવું કઠોર છે. કિરણ બેદી કે કેજરીવાલ વીર ભગતસિંહ નથી. તેઓ ટી.વી. મીડિયાએ સર્જેલાં પાત્રો છે. ટી.વી. કેમેરા પહેલા દિવસે ઓઝલ રહ્યા હોત તો આંદોલન શરૂઆતના ચાર દિવસમાં જ ખતમ થઈ જાત. ઉપવાસ આંદોલન શરૂ કર્યા બાદ સરકારે કે વિપક્ષોએ તેમની નોંધ જ ન લેતાં ટીમ અણ્ણા ગભરાઈ અને અનશન છોડવાના રસ્તા ઢૂંઢવા લાગી હતી. બે-ચાર જણ પાસેથી અપીલ કરાવીને પારણાં કરી લીધાં.

મીડિયા માટે બોધપાઠ

ઇલેક્ટ્રોનિક મીડિયા માટે પણ આ આંદોલન એક બોધપાઠ છે. દેશ અને દુનિયાની તમામ ઘટનાઓ, દુષ્કાળ, ઓલિમ્પિક- એ બધું જ બાજુમાં રાખી દેશની ન્યૂઝ ચેનલો અણ્ણા હઝારેના આંદોલનનું ચોવીસે કલાક લાઈવ પ્રસારણ કરતું રહ્યું. ટી.વી. ન્યૂઝ ચેનલોએ સમાચારોનું પ્રમાણભાન પણ ગુમાવી દીધું હતું. આ વર્ષે પૂરા દેશમાં ભીષણ દુષ્કાળનાં ડાકલા બજી રહ્યા છે અને દેશના કરોડો ખેડૂતો દુષ્કાળના કારણે ભીષણ પરિસ્થિતિમાં મુકાયા છે. ખેડૂતોની એ યાતના ઈલેક્ટ્રોનિક મિડિયાને દેખાતી નથી. ખેડૂતોની આ વેદના વ્યક્ત કરવા માટે ટીવી ચેનલો પાસે કોઈ જગ્યા નથી. ચાર વર્ષે એક જ વખત આવતી ઓલિમ્પિકની રસપ્રદ રમતો અને સ્પર્ધાનો રોમાંચ પણ બાજુમાં ધકેલાઈ ગયો. જાણે અણ્ણા જ આ દેશના ભગવાન હોય તેમ દેશના કરોડો લોકોને એમના પરાણે દર્શન કરાવતા રહ્યા. એક દિવસ વાસ્તવિકતા ઉઘાડી પડી ગઈ. અણ્ણાનું આખું યે આંદોલન મીડિયાલક્ષી હતું. આખું યે આંદોલન મીડિયાના કવરેજ પર અવલંબિત હતું. કેટલીક તટસ્થ ન્યૂઝ ચેનલોએ અણ્ણા કેજરીવાલના અનશન-કાર્યક્રમમાં ભીડ નથી એવું દર્શાવતાં ટીમ અણ્ણા મીડિયા પર ગુસ્સે થઈ ગઈ. પ્રશાંત ભૂષણના બાપા શાંતિ ભૂષણે લોકોને ઉશ્કેર્યા. એક ટોળાંએ મીડિયા સાથે બદસલૂકી કરી. અહીં જ સાબિત થઈ ગયું કે ટી.વી.ના કેમેરા હટી જાય તો ટીમ અણ્ણાના કલાકારો ઉપવાસનો સ્ટેજ શો-નાટક કરવા તૈયાર નથી.

સરકારનો ચક્રવ્યૂહ

અણ્ણાએ એ વાત સમજી લેવાની જરૂર છે કે, તેમના ભેજામાં ભૂસું ભરતા તેમની ટીમના મહત્ત્વાકાંક્ષી માણસો કરતાં પાર્લામેન્ટમાં બેસતા રાજકારણીઓ વધુ ચાલાક છે. પછી તે કોંગ્રેસના હોય કે ભાજપાના. દેશની તમામ મુખ્ય પોલિટિકલ પાર્ટીઓએ અણ્ણા હઝારેના આંદોલનથી પોતાની જાતને વેગળી કરી દીધી છે. જંતરમંતરના છેલ્લા અનશન-ડ્રામા વખતે એ અનશન છોડાવવાનો કોઈ જ પ્રયાસ નહીં કરીને કેન્દ્ર સરકારે ટીમ અણ્ણાની નૈતિક તાકાતને ઉઘાડી કરી નાખી છે. એથી ઊલટું અણ્ણા પાસે જ નવા રાજકીય વિકલ્પની વાત ઓકાવીને અણ્ણા અને ટીમ અણ્ણાને પોતાના ચક્રવ્યૂહમાં ફસાવી દીધી. અણ્ણા હઝારે પાસે હવે અનશનના બદલે દેશને રાજકીય વિકલ્પ આપવાની જાહેરાત કરાવીને સત્તાધારી પક્ષે અણ્ણા હઝારે અને તેમના સાથીઓની રાજકીય મહત્ત્વાકાંક્ષા ઉઘાડી પાડી દીધી છે. અણ્ણા ભલે ચૂંટણી ના લડે, પણ તેમના રાજકીય વિકલ્પનો અથવા બનનાર પાર્ટીનો અસલી રિમોટ વિદેશી નાણાં પર નભતી ત્રણ-ચાર એન.જી.ઓ.વાળી ટીમ અણ્ણા પાસે જ હશે. આજથી ૧૬ મહિના પહેલાં આ આંદોલન શરૂ થયું ત્યારે દેશના લોકોને અણ્ણા હઝારે માટે ખૂબ માન અને શ્રદ્ધા પેદા થયા હતા, પરંતુ ધીમે ધીમે લોકોને એ વાતની ખબર પડી ગઈ કે અણ્ણા તો કઠપૂતળી છે, દોરીસંચાર કિરણ બેદી, અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણ જેવા એક્ટિવિસ્ટો પાસે છે. આ બધાંએ ભેગાં થઈ અણ્ણાને રાજકીય દળદળમાં ધકેલી દીધા છે. આ દેશને ખરેખર જ્યારે જયપ્રકાશ નારાયણ જેવા એક લોકનાયકની જરૂર હતી ત્યારે અણ્ણાએ એ તક ગુમાવી દીધી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com