અમદાવાદ,તા.૩
રાજયના મત્સ ઉદ્યોગમંત્રી પરષોતમ સોલંકીએ આચરેલા ૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં તેમની સામે કાર્યવાહી કરવા રાજયપાલે લીલીઝંડી આપ્યા બાદ અંતે આજે શુક્રવારે ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી. આર.ટી.આઈ એકટીવીસ્ટ ઈશાક મરડીયાએ ગાંધીનગરની ખાસ એસીબી કોર્ટના જજ જી.કે.ઉપાધ્યાય સમક્ષ મોડી સાંજે ફરિયાદ નોંધાવી હતી. ૧૫ મિનિટના વિરામ સાથે બે કલાક સુધી ચાલેલી સુનાવણીના અંતે કોર્ટે આ સમગ્ર કેસમાં સીઆરપીસી કલમ ૨૦૨ હેઠળ ગાંધીનગર જિલ્લા પોલીસવડાને તપાસનો આદેશ કરી છ ઓકટોબર સુધીમાં તપાસ અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો છે.
- સીઆરપીસી કલમ ૨૦૨ અનુસાર પોલીસ તપાસનો હુકમ
પાલનપૂર સ્થિત ભાદલ ખાતે રહેતા ઈશાક મરડીયાએ શુક્રવારે સાંજે ૬.૫૩ વાગ્યે ગાંધીનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ જી.કે.ઉપાધ્યાય સમક્ષ મત્સ ઉદ્યોગમંત્રી પરષોતમ સોલંકીએ આચરેલા કૌભાંડના પુરાવા સહિત ૧૧૦ પાનામાં ફરિયાદ કરી હતી. ભ્રષ્ટાચાર પ્રતિબંધક અધિનિયમની કલમ ૭, ૮, ૧૩(૧) અને ૧૩ (બી) અનુસાર કરેલી ફરિયાદની સુનાવણી હાથ ધરાઈ હતી, ફરિયાદી પક્ષના વકીલ મુકુલ સિંહા દ્વારા કરાયેલી રજૂઆતોની બે કલાક સુધી સુનાવણી ચાલી હતી. આ સુનાવણીના અંતે પોણા નવ વાગ્યે જજે પરષોતમ સોલંકી સામે તપાસના આદેશ કરતો હુકમ જાહેર કર્યો હતો. ગાંધીનગર જિલ્લા પોલીસવડા અર્ચના શિવહરેને આ કેસની તપાસ કરી છ ઓકટોબર સુધીમાં અહેવાલ પાઠવવા કોર્ટે આદેશ કર્યો છે.
ફરિયાદી ઈશાક મરડીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,' મંત્રી દ્વારા કરાયેલા કરોડોના કૌભાંડને ખુલ્લુ પાડવાની આ તક મળી છે. ઓકટોબર મહિનામાં પોલીસનો અહેવાલ રજૂ થયા બાદ કેસની પ્રગતિ જોઈને આગળ શું કરવુ તે નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પરષોતમ સોલંકીએ આચરેલા મસમોટા ભ્રષ્ટાચાર પ્રકરણમાં તેમની સામે કોઈ કાયદાકીય પગલા લેવાયા ન હતા. હાઈકોર્ટમાં ઈશાક મરડીયાએ રિટ કરી હતી. આ રિટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલે રાજયપાલ દ્વારા મોકલવામાં આવેલા ૬૦ પાનાના અહેવાલ જસ્ટિસ જયંત પટેલની ખંડપીઠ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
મંત્રી પરષોત્તમ રાજયપાલના આ અહેવાલમાં એવુ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, મંત્રી પરષોતમ સોલંકી સામે પ્રિવેન્શસ ઓફ કરપ્શન એકટ હેઠળ ફરિયાદ નોંધવા પરવાનગી આપવામાં આવે છે.કરતા સમગ્ર મામલો રાજયપાલ સુધી પહોંચ્યો હતો.ત્યારબાદ રાજયપાલે પરષોતમ સોલંકી સામે ભ્રષ્ટાચાર નિયંત્રણની ધારાઓ હેઠળ કાર્યવાહી માટે રાજયપાલે મંજૂરી આપી હતી.
ઈશાક મરડિયાએ રોઝા ખોલવાની મંજૂરી માગી
પરષોતમ સોલંકી સામે ફરિયાદ કરનાર ઈશાક મરડીયાએ ફરિયાદની સુનાવણી ચાલી રહી હતી ત્યારે રોઝા ખોલવા માટે ૧૫ મિનિટના સમયની માંગણી કરી હતી. કોર્ટે ફરિયાદી મરડીયાની માંગણી ગ્રાહ્ય રાખી હતી. સુનાવણી દરમિયાન ૧૫ મિનિટનો વિરામ રહ્યો હતો અને પુનઃ સુનાવણી શરૂ થઈ હતી. પોણા નવ વાગ્યે જજે પોતાનો હુકમ જાહેર કર્યો હતો.
એસીબી કોર્ટમાં ફરિયાદ કેમ ?
અમદાવાદઃ પરષોત્તમ સોલંકી સામે ફરિયાદ કરવા ગયેલા ઇશાક મરડીયાને ગાંધીનગર એસીબી કોર્ટના એસીબી જ્જ જી.કે.ઉપાધ્યાયે એસીબી કોર્ટમાં કેમ ફરિયાદ કરો છો. તેવી પૃચ્છા કરી હતી. જેમાં ઇશાક મરડીયાના વકીલ મારફતે રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસ તપાસનો તબક્કો જતો રહ્યો છે. રાજ્યપાલે પોતાના નિર્ણયમાં પ્રથમદર્શી રીતે ગેરરિતી થઇ હોવાનું અવલોકન કર્યું છે. તે રાજ્યપાલના નિર્ણય સામે તપાસ કરવાની લીલીઝંડી આપી છે. તેથી કોર્ટમાં ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.