ભુજ, તા.૩
રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી કચેરીઓમાં તારીખ, વાર, તિથિ તેમજ રજાઓનાં દિવસોની માહિતી મળી શકે તે માટે કેલેન્ડર તૈયાર કરવામાં આવતાં હોય છે. ગાંધીનગર ખાતે આવેલી સરકારી પ્રેસમાં છપાવીને કચ્છ સહિત રાજ્યની વિવિધ કચેરીઓમાં મોકલવામાં આવતાં હોય છે.કચ્છમાં નવું વર્ષ શરૂ થયાને ૭ માસ જેટલો સમય થઇ ગયો હોવા છતાં એક પણ કચેરીમાં સરકારી કેલેન્ડર પહોંચ્યું નથી.જેનાં કારણે કચેરીનાં કર્મચારીઓએ સ્વખર્ચે કેલેન્ડર લગાવીને કામ ચલાવવું પડે છે.
- આગામી વર્ષ માટે સપ્ટેમ્બરમાં ઇન્ડેન મોકલાશે
આ અંગે મળતી વિગતો પ્રમાણે કચ્છની વિવિધ કચેરીઓમાં કેલેન્ડર આપવા માટે જે તે કચેરીમાં કેટલા કેલેન્ડરની જરૂરિયાત છે તેનો રિપોર્ટ મગાવવામાં આવે છે. આ રિપોર્ટ જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગર મોકલવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે જે તે કચેરીને કેલેન્ડર મળવાપાત્ર બને છે. કેલેન્ડર મેળવવા માટે સપ્ટેમ્બર માસમાં ઇન્ડેન એટલે કે કઇ કચેરીમાં કેટલા કેલેન્ડરની જરૂર છે તેની વિગતો મોકલવાની હોય છે.ચાલુ વર્ષ ૨૦૧૨નાં કેલેન્ડર હજુ સુધી ન આવતાં કર્મચારીઓમાં પણ ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ અંગે બહુમાળી ભવનમાં આવેલી એક કચેરીનાં અધિકારીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ કચેરીમાંથી કેલેન્ડર માટે સપ્ટેમ્બર માસમાં રિપોર્ટ તૈયાર કરીને મોકલવામાં આવ્યો છે.જો કે સાત માસ વિત્યાં છતાં કેલેન્ડર કચેરીમાં ન આવતાં મુશ્કેલી સર્જાઇ છે. એપોઇન્મેન્ટ, જાહેરરજા સહિતની વિગતો જોવા માટે સ્વખર્ચે કેલેન્ડર લઇને કામ ચલાવવું પડી રહ્યું છે. ચાલુ વર્ષનાં કેલેન્ડર નથી આવ્યા ત્યાં વળી આગામી સપ્ટેમ્બર માસમાં વર્ષ ૨૦૧૩ માટેનું ઇન્ડેન મોકલાવવું પડશે.ત્યારે વર્ષની શરૂઆતમાં જ જો કેલેન્ડર મળવાપાત્ર બને તેવી વ્યવસ્થા કરવામાં આવે તો કામગીરીમાં સરળતા રહે તેવું તેમણે જણાવ્યું હતું.