ઇન્ટિમસી - કામિની મોટવાણી
પતિ-પત્નીને નજીક લાવવા તથા એકબીજા સાથે જોડી રાખવા માટે સૌથી મહત્ત્વની કડી છે - તેમની સેક્સ લાઇફ. જો તે નીરસ બની જાય તો પતિ-પત્નીના સંબંધોમાં અંતર વધતું જાય છે. સેક્સ લાઇફ નીરસ બનવાનાં ઘણાં કારણો છે જેમ કે, કામનો તણાવ, સમયની અછત અને આર્થિક જરૂરિયાત વગેરે સેક્સ લાઇફ પર નકારાત્મક પ્રભાવ પાડે છે, જેને કારણે કામેચ્છાનો અંત આવી જાય છે. તેથી લગ્નજીવનમાં પ્રેમ ટકાવી રાખવા માટે સેક્સ લાઇફને તાજી રાખવી બહુ જરૂરી છે.
વધારે અંતરાલ ન રાખશો
લગ્નજીવનને સફળ બનાવવા માટે અઠવાડિયામાં કેટલી વાર સમાગમ કરવો જોઈએ, તેનો ચોક્કસ આંકડો કે નીતિ-નિયમ નથી. જોકે સામાન્ય રીતે એક અઠવાડિયાથી વધારે અંતરાલ રાખવો જોઈએ નહીં. રેગ્યુલર અને હેલ્ધી સેક્સ લાઇફ પતિ-પત્નીના સંબંધોને પ્રગાઢ બનાવે છે સાથે સ્વાસ્થ્ય અને ફિટનેસ જાળવી રાખવામાં પણ મદદરૂપ છે. તેથી બંને સમાગમ વચ્ચે અમુક સમય રાખવો તેવી ભ્રમણામાંથી બહાર નીકળીને ઇચ્છા અને સુવિધા અનુસાર સમાગમ માણવો.
મૂડ પારખતાં શીખો
ઘણી વાર કપલ્સમાંથી કોઈ એક અથવા બંને એટલાં થાકેલા હોય છે કે સેક્સ માણવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. એવા સમયે પાર્ટનરનો મૂડ પારખવો અને તેને સમાગમ માટે તૈયાર કરવો એ એક કળા છે. સફળ લગ્નજીવન માટે આ કળા શીખવી બહુ જરૂરી છે. જો પાર્ટનરનો મૂડ ખરાબ હોય અથવા તેને બહુ થાક લાગ્યો હોય તો તેને કંઈ પણ કહ્યા કે પૂછયા વગર ધીરે-ધીરે સ્પર્શ કરો અને સહેલાવો. આમ કરવાથી પાર્ટનરનો થાક અને ગુસ્સો બંને છૂમંતર થઈ જશે.
થોડી તૂં-તૂં મૈં-મૈં પણ જરૂરી
સેક્સ લાઇફને આનંદદાયક બનાવવા માટે થોડી તૂં-તૂં મૈં-મૈં કરવામાં કોઈ ખરાબી નથી, પરંતુ તેનો અંત જરાક અલગ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે જો તમારી કોઈ ભૂલ હોય તો સીધે સીધી માફી માગવાને બદલે તમે પાર્ટનરને ચુંબન કરીને વગર કહ્યે તમે ભૂલ સ્વીકારી છે તેવો અહેસાસ કરાવી શકો છો.
સેકન્ડ હનીમૂન પ્લાન કરો
જ્યારે એવું લાગે કે સેક્સ લાઇફમાં બહુ નીરસતા આવી ગઈ છે અને અનેક પ્રયત્નો કરવા છતાં તેમાં નવીનતા કે તાજગી નથી આવી રહી ત્યારે સેકન્ડ હનીમૂન પ્લાન કરવો જોઈએ. પરિવાર અને બાળકોથી દૂર થોડો સમય એવો વીતાવો જ્યાં માત્ર તમે અને તમારો પાર્ટનર જ હો. આ સેકન્ડ હનીમૂન દરમિયાન ઘર અથવા ઓફિસની કોઈ વાત ભૂલથી પણ ન કરવી. માત્ર એવી જ વાતો કરવી જે બંને પાર્ટનરને એકબીજાની વધારે નજીક લઈ આવે. આ સમય દરમિયાન લગ્નજીવનની શરૂઆતના દિવસો અને પહેલું હનીમૂન યાદ કરીને સેકન્ડ હનીમૂનને પણ યાદગાર બનાવો.
ક્વિકીઝની મદદ લો
ક્વિકીઝ એટલે ઓછા સમયનો સદુપયોગ કરીને સમાગમનો આનંદ મેળવવો. ભાગદોડ ભરેલી અને વ્યસ્ત જિંદગીમાં સમાગમ માટે દરેક વખતે વધુ સમય ફાળવવો શક્ય ન પણ બને. એવા સમયે ક્વિકીઝ જિંદગીમાં રોમાન્સ જાળવી રાખે છે. તેથી આ કળામાં મહારથ મેળવી લો. ક્વિકીઝ પાર્ટનરને એવો અનુભવ કરાવે છે કે તમે થાકેલા અને સમય ન હોવા છતાં પણ તેમની ઇચ્છાઓની કદર કરો છો. તેનાથી કપલ્સમાં રોમાન્સ જળવાઈ રહે છે.
જગ્યા અને અંદાજ બદલો
હંમેશાં એક જ જગ્યા ખાસ કરીને તમારો બેડરૂમ અને દર વખતે સમાગમની એકસરખી રીતને કારણે ઘણી વાર સેક્સ લાઇફ નીરસ બની જાય છે. સેક્સ લાઇફને રોમાંચક બનાવી રાખવા માટે હંમેશાં નવા નવા પ્રયોગ કરતાં રહેવું જરૂરી છે. સેક્સ પોઝિશન અને જગ્યા બદલીને પણ તમે તેમાં નવીનતા લાવી શકો છો. તેમાં પાર્ટનરની પસંદ-નાપસંદનો પણ ખ્યાલ રાખો અને પોતાની પસંદ-નાપસંદ પણ જણાવો. બેડરૂમ સિવાય ઘરની અન્ય જગ્યાઓ પર રોમાન્સ અને સમાગમ માણવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સેક્સ લાઈફને સફળ બનાવવા માટે ઉપરોક્ત બાબતો જરૂર મદદરૂપ થાય છે સાથે પતિ-પત્નીએ એકબીજાની જિંદગીમાં વધારે પડતી દખલઅંદાજી ન કરવી જોઈએ. નાની-નાની બાબતોએ રોકટોક કે શંકા ન કરવી જોઈએ, કારણ કે તેનાથી અંતર વધે છે. જ્યારે એકબીજાની વધારે નજીક આવવા માટે પાર્ટનર માટે સમય ફાળવો, તેની સંભાળ રાખો. દરેક સંબંધોની જેમ પતિ-પત્નીના સંબંધોમાં પણ થોડી સ્પેસ જરૂરી છે.