ઓખા, તા.૪:
ઓખા બસ સ્ટેશનમાં કહેવા પુરતી પણ સવિધા ન હોવાથી મુસાફરોને ત્રણે ઋતુમાં પરેશાની ભોગવવી પડે છે.તેમજ બસની અનિયમિતતાના કારણે લોકો ખાનગી વાહન વ્યવહાર તરફ ઢળી રહ્યાં છે.જો આ બાબતે એસ.ટી.તંત્ર ધ્યાન નહીં રાખે તો એક સમયે બસ સ્ટેશનમાં કાગડા ઉડતા હશે.
- આમ પ્રજા ખાનગી વાહન વ્યવહાર તરફ સરકી રહી છે
ઓખાના બસ સ્ટેશનમાં મોટા ભાગની સુવિધાનો અભાવ છે.અહીં પીવાના પાણી, શૌચાલય કે પુછપરછ માટે કોઈ સુવિધા નથી.અન્ય કોઈ પાયાની સુવિધા પણ આપવામાં આવી નથી.રાત્રિ રોકાણ માટે છ થી સાત બસ ડ્રાઈવર કે કંડકટરોને બસમાં સુઈને રાત્રિ પસાર કરવી પડે છે.રાત્રિ રોકાણ કરતા આ કર્મચારીઓને સવારે કે રાત્રે લઘુશંકા કે ગુરૂશંકા જવા માટે કોઈ સુવિધા નથી.
ગરમીહોય, ઠંડી હોય કે વરસાદ હોય કર્મચારીઓ તો રામભરોશે જ હોય છે.વર્ષોથી નિર્માણ પામેલા શૌચાલયો અને બાથરૂમ બંધ છે આ કારણે એસ.ટી.ના કર્મચારીઓ અને મુસાફરોને પરેશાની ભાગવવી પડે છે.આ ઉપાંત એસ.ટીબસની અનિયમિતતાના કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ કારણે ઓખાના પ્રજાજનો ખાનગી વાહન વ્યવહાર તરફ ન છુટકે ખેંચાઈ રહ્યાં છે.અહીંથી લાંબાઅંતરની અને અન્ય સેન્ટરોને જોડતી ખાનગી ટ્રાવેલ્સો દોડતી રહે છે.આ ઉપરાંત ૧૦ કિલોમીટરના અંતરે આવેલા મીઠાપુરમાંથી પણ દરરોજની દસેક ખાનગી ટ્રાવેલ્સોની બસ જુદા જુદા સેન્ટરોમાં દોડતી રહે છે. ત્યારે એસ.ટી.તંત્રએ બસ સ્ટેશનની સુવિધા વધારવાની સાથો સાથ મુસાફરોને નિયમિત બસ સુવા મળતી રહે તે બાબતે ધ્યાન આપવાની જરૂર છે.