Edu. Watch - Dr. Sudhir Shah
ભારતીય વિદ્યાર્થીઓ જેઓ અમેરિકામાં ભણવા જવા માટે નોન-ઇમિગ્રન્ટ કેટેગરીના એફ-૧ સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝાની અરજી કરે છે તેમને એમના ઇન્ટરવ્યૂમાં કોન્સ્યુલર ઓફિસરો પૂછતા હોય છે કે, "તમે શા માટે અમેરિકામાં ભણવા જવા ઇચ્છો છો? કેનેડા, ઇંગ્લેન્ડ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડમાં શા માટે નહીં?" બધા જ કોન્સ્યુલર ઓફિસરો જાણતા હોય છે કે એમના દેશમાં અપાતું શિક્ષણ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે અને આથી જ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવાનું પસંદ કરતા હોય છે. તેમ છતાં તેઓ આ પ્રશ્ન એટલા માટે પૂછતા હોય છે કે એમને ખાતરી કરવી હોય છે કે અરજદાર વિદ્યાર્થી અમેરિકા ખરેખર ભણવા માટે જ જવા ઇચ્છે છે કે એનો ઇરાદો ભણવાના બહાને અમેરિકામાં પ્રવેશીને ત્યાં નોકરી કરવાનો છે, લગ્ન કરવાનો છે કે એમનાં ત્યાં રહેતાં સગાંવહાલાંઓ જોડે કાયમી રહેવાનો છે.
અમેરિકાની સરકારે એક યાદી દ્વારા એમની બધી જ એમ્બેસીઓ અને કોન્સ્યુલેટોને જાણ કરી છે કે વિદ્યાર્થી કઈ યુનિવર્સિટીમાં ભણવા જાય છે એ ઉપરથી વિઝા આપવા કે નહીં એ બાબત નક્કી ન કરવી. વિદ્યાર્થી હાર્વર્ડ કે યેલમાં ભણવા જાય તો એને વિઝા આપવા અને મામૂલી કમ્યુનિટી કોલેજમાં ભણવા જાય તો એમને વિઝા ન આપવા એવું વલણ અખત્યાર ન કરવું. કઈ યુનિવર્સિટીમાં ભણવું એ વિદ્યાર્થીનો પોતાની પસંદગીનો વિષય છે. આ જ પ્રમાણે એવી પણ સૂચનાઓ અપાઈ છે કે સ્ટુડન્ટ વિઝાની અરજી વિઝિટર્સ કે બિઝનેસ વિઝાની અરજીની જેમ ચકાસવી ન જોઈએ. વિદ્યાર્થી સામાન્ય રીતે અપરણીત હોય છે અને એની પોતાની કોઈ આવક નથી હોતી, આથી એના સ્વદેશમાં કૌટુંબિક કે નાણાકીય સંબંધો ટૂરિસ્ટ યા બિઝનેસ વિઝાના અરજદારો જેટલા ગાઢ ન હોઈ શકે. આમ છતાં કોન્સ્યુલર ઓફિસરો લગભગ દરેકેદરેક સ્ટુડન્ટ વિઝાના અરજદારોને પ્રશ્ન કરતા હોય છે કે, "તમે પાછા આવશો એની ખાતરી શું? તમારા સ્વદેશના કૌટુંબિક તેમજ નાણાકીય સંબંધો કેટલા ગાઢ છે?"
આવી ચોક્સાઈ કરવા પાછળનો હેતુ એટલો જ હોય છે કે આવા સવાલોના જવાબ દ્વારા જ કોન્સ્યુલર ઓફિસર અરજદાર વિદ્યાર્થી સાચેસાચ અમેરિકા ભણવા જઈ રહ્યો છે અને એનો ઇરાદો ત્યાં કાયમી રહેવાનો નથી એ જાણી શકે છે.
આ કારણોસર ભારતીય વિદ્યાર્થી જ્યારે યુનિવર્સિટીની પસંદગી કરે ત્યારે એણે ઉત્તમ યુનિવર્સિટીમાં જ પ્રવેશ મેળવવાની અરજી કરવી જોઈએ. એ જ પ્રમાણે એ સ્વદેશ પાછો આવશે એનાં સધ્ધર કારણો પણ દેખાડવાં જોઈએ. ભારતીય ડોક્ટરો માટે આ ખૂબ અઘરું છે.
હમણાં હમણાંથી ભારતીય વિદ્યાર્થીઓ જેઓ ડોક્ટર બનવા ઇચ્છતા હોય છે એમાંના ઘણા શરૂઆતથી જ અમેરિકાની યુનિવર્સિટીમાં મેડિકલ એજ્યુકેશન લેવાનું પસંદ કરતા હોય છે, પણ એ બહુ જ ખર્ચાળ હોય છે. આથી અનેક ભારતીય વિદ્યાર્થીઓ ભારતમાં જ મેડિકલ એજ્યુકેશન લઈને એમ.બી.બી.એસ.ની ડિગ્રી લઈને અમેરિકામાં વધુ ભણવાનું અથવા તો અનુભવ લઈને કામ કરવાનું પસંદ કરતા હોય છે. જેઓ શરૂઆતથી જ અમેરિકાની મેડિકલ કોલેજમાં બેચલર્સ ડિગ્રી લેવાની ઇચ્છા ધરાવતા હોય છે એમણે એમની હાઈસ્કૂલ એટલે કે બારમીની પરીક્ષા બાદ 'મેડિકલ કોલેજ એડમિશન ટેસ્ટ' આપીને અમેરિકાની મેડિકલ સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો રહે છે, પણ આ ચાર વર્ષનો 'બેચલર ઓફ સાયન્સ' અને ત્યાર પછી ડોક્ટર ઓફ મેડિસિનનાં વર્ષો માટે એમણે છથી સાત વર્ષ ભણવાનું રહે છે. જેનો ખર્ચો સહેજે બે લાખ ડોલર કે એથી વધુ હોય છે. ભારતમાં બેચલર ઓફ સાયન્સનો ચાર વર્ષનો કોર્સ કરીને મેડિકલ કોલેજમાં એડમિશન ટેસ્ટ આપીને પણ ભારતીય વિદ્યાર્થી અમેરિકાની મેડિકલ સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે છે, પણ એ બહુ મુશ્કેલ છે, કારણ કે પરદેશી વિદ્યાર્થીઓ માટે આ કોર્સમાં બહુ ઓછી સીટો હોય છે. ભારતમાં મેડિકલ સ્ટુડન્ટો એમ.બી.બી.એસ. કર્યા બાદ અમેરિકામાં ક્લિનિકલ મેડિસિનનો કોર્સ કરી શકે છે. એ માટે એમણે 'રેસિડેન્સી ટ્રેની પ્રોગ્રામ'માં પ્રવેશ મેળવવાનો રહે છે. ભારતીય વિદ્યાર્થીઓએ એને માટે 'યુનાઇટેડ સ્ટેટ્સ મેડિકલ લાઇસન્સિંગ એક્ઝામિનેશન' આપવાની રહે છે. આના ત્રણ પગથિયાં હોય છે. પહેલાં બે પગથિયાંની પરીક્ષા ભારતમાં આપી શકાય છે, પણ ત્રીજું પગથિયું 'ક્લિનિકલ સ્કિલ એસેસમેન્ટ' ફક્ત અમેરિકામાં આપી શકાય છે અને એમાં ૮૫ ટકા યા એથી વધુ માર્ક મેળવો તો જ રેસિડેન્સી ટ્રેનિંગ પ્રોગ્રામમાં પ્રવેશ મળી શકે છે.
અમેરિકાની 'ધ નેશનલ રેસિડેન્સી મેચિંગ પ્રોગ્રામ'ને દર વર્ષે સમગ્ર વિશ્વમાંથી ૧૦,૦૦૦થી વધુ ડોક્ટરો રેસિડેન્સી ટ્રેનિંગ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરતા હોય છે. આમાંના સેંકડો તો 'એજ્યુકેશનલ કમિશન ફોર ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ સર્ટિફિકેશન' નિયત કરેલી તારીખ પહેલાં મેળવી ન શકવાના કારણે બાકાત થઈ જાય છે. ઈ.સી.એફ.એમ.જી. સંસ્થા યુ.એસ.એન.એલ.ઈ. પરીક્ષા કન્ડક્ટ કરે છે. ત્યારબાદ એન.આર.એન.પી. ક્વોલિફાઇડ વિદ્યાર્થીઓને જે રેસિડેન્સી પ્રોગ્રામ ખાલી હોય એની જોડે મેચ કરે છે. આમાં ડર્મેટોલોજી, કોસ્મેટિક સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, ડાઇગ્નોસ્ટિક રેડિયોલોજી, રેડિએશન એનકોલોજી જેવા વિષયોમાં પ્રવેશ મેળવવો ખૂબ જ વિકટ હોય છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન પરીક્ષા આપ્યા બાદ માસ્ટર્સ ઓફ સાયન્સ અથવા તો ડોક્ટર ઓફ ફિલોસોફીમાં પ્રવેશ મેળવીને અમેરિકામાં પ્રવેશતા હોય છે. ઘણા ભારતીય ડોક્ટરો 'માસ્ટર્સ ઇન પબ્લિક હેલ્થ' અને 'માસ્ટર્સ ઇન હોસ્પિટલ' અથવા તો 'માસ્ટર્સ ઇન હેલ્થ એડમિનિસ્ટ્રેશન' આ વિષયોનો અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવતા હોય છે. હવે પછીના લેખોમાં માસ્ટર્સ ઇન પબ્લિક હેલ્થ અને માસ્ટર્સ ઇન હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન અને માસ્ટર્સ ઇન હેલ્થ એડમિનિસ્ટ્રેશન શિખવાડતી અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવશે.
sudhirshah@sudhirlaw.com