Cover Story - Divyesh Vekaria
મનુષ્યએ વિકાસ સાધ્યો છે તો તેનામાં રહેલ શિસ્ત અને નિયમનને કારણે, કેમ કે જેની પાસે પોતાનું નિયમન નથી તે કઇ રીતે વિકાસ કરી શકે? સફળતા માટે જેમ ધીરજ અને પરિશ્રમની જરૂર છે તેમ અનુશાસન પણ તેટલું જ મહત્ત્વનું છે.
જમવાના મેળાવડાથી લઈને સંસદ ભવન સુધી નિયમોનું અનુશાસન નથી અને આ હકીકત છે. માનતા ના હોય તો ક્યારેક કોઇ મોટા ફંક્શનમાં જજો જ્યાં ધુરંધરો વક્તવ્યો આપવા પધાર્યા હોય અને સ્વાભાવિક છે ધુરંધરો હોય ત્યાં તેને સાંભળવા આવનાર વર્ગ બુદ્ધિજીવી જ હશે! વક્તવ્ય ચાલતું હશે અને જો કોઇ તેમાંથી ઊભું થશે તો બધા હાહાકાર મચાવી દેશે જાણે બધા શિસ્તના આગ્રહીના હોય. જો તમારે તેમની શિસ્તનું ઓરિજિનલ સ્વરૂપ જોવું હોય તો ફંક્શનમાં લંચ બ્રેક પડે ત્યારે જોઈ લેજો કે તેના માટે શિસ્તનું કેટલું મહત્ત્વ છે. પડાપડી કરી મૂકશે કે જાણે તેને જમવાનું મળશે જ નહીં. રસ્તા પર ટ્રાફિકજામ માટે જવાબદાર કોણ છે? આપણે જ. આપણને આદત પડી ગઇ છે જો પોલીસ ના હોય તો સિગ્નલને ફોલો નહીં કરવાનું અને પોતાની રીતે ફટાફટ નીકળી જવાનું, રોડ પર જે થવું હોય તે થાય જ્યાં જોઈએ ત્યાં અવ્યવસ્થા અને અંધાધૂંધી જોવા મળે છે. કયા પ્રકારનું અનુશાસન છે આ? સફળતા માટેનું સૌથી મોટું પરિબળ છે કે તમે તમારા નિયમોને વળગી રહો. અનુશાસન એવું નિર્માણ કરો કે તેમાં પહેરેદારથી બોર્ડ ઓફ ધ ડિરેક્ટર સુધીના તમામ તેને અનુસરી શકે. નિયમોનું આક્રમણ કરતા પહેલાં એ જરૂરી છે તેનું પાલન કરવાવાળા તેનું પાલન કરે. નિયમોનું પાલન શિસ્ત આગ્રહી લોકો જ કરી શકે અને તે શિસ્ત બજારમાં નથી મળતી. મહાત્મા ગાંધી એવું કહેતા કે આપણે દબાણથી ક્યારેય અનુશાસન નહીં શીખીએ. દબાણથી ડર પેદા થાય છે જેમ આપણે ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઇને નિયમોનું પાલન કરીએ છીએ અને જો તે ના હોય તો?
પ્રભાવશાળી વ્યક્તિત્વ બનાવો
‘General Electric’ કંપનીથી આજે કોણ પરિચિત નથી. ૨૦૦૧માં તે કંપનીના સી.ઇ.ઓ તરીકે જેફ્રી આર. ઇમ્મલેટની નિમણૂક થઇ અને એક નવા વાતાવરણનું સર્જન થયું. કર્મચારી કંપનીની કરોડરજ્જુ છે અને તેના વગર કંપની ચાલી જ ના શકે તે વાસ્તવિકતા છે. જ્યારે તેણે કંપનીની વાત કરી તો તેઓએ માત્ર એટલું જ કહ્યું કે હું આ કંપની સાથે સપ્તાહમાં સાત દિવસ અને દિવસમાં ચોવીસ કલાક વાત કરું છું અને તમારાથી કંઇ છુપાવવા જેવું છે પણ નહી. આપણે એક એવી કંપની છીએ જે ૧૧૦ વર્ષ જૂની છે અને તે પણ ઉચ્ચ ગુણવત્તાના નેતૃત્વવાળી, જેના નામના મહાન રેકોર્ડ છે અને સૌથી મોટી વાત તો એ છે કે આપણે તેને પ્રામાણિક સંસ્કૃતિથી ચલાવનારા છીએ. શું જરૂર હતી એક સી.ઇ.ઓને તેના કર્મચારીને આવું કહેવાની આ કંપની એકની નહીં પણ આપણી છે? તેણે આ વાત કહીને તેના કર્મચારીમાં વિશ્વાસ તો જગાવ્યો જ પણ તેને કંપનીના વફાદાર બનાવવા પ્રતિબદ્ધ કરી દીધા. જેફ્રી આર. ઇમ્મલેટ આજે કંપનીના પ્રેસિડન્ટ અને સી.ઇ.ઓ સાથે અમેરિકન સરકારના Council on Jobs and Competitiveness ના ચેરમેન પણ છે.
નિયમો કોના માટે?
તમે કોઇ કંપનીના દરવાજામાં પ્રવેશ કરશો કે તમને એક નિયમોનું પાટિયું દેખાશે, થોડા આગળ વધશો તો વાંચવા મળશે No Smoking. પ્રથમ વખત પ્રવેશ કરનારને એવું લાગે કે કેટલું અનુશાસન છે આ કંપનીમાં! પણ જેવી તે વ્યક્તિ તે કંપનીના સંચાલકો પાસે પહોંચશે કે તેનો ભ્રમ તૂટી જશે, કેમ કે તેનું સ્વાગત કરનાર તે કંપનીના માલિક તો ઓફિસમાં બેસીને સિગારેટ પિતા હોય છે. નિયમો માત્ર કર્મચારી માટે નથી બનતા તે તમારા માટે પણ બને જ છે. તમારાથી કર્મચારી એટલા માટે ડરે છે, કેમ કે તેની રોજીરોટી તમારા પર નિર્ભર છે. તમે નિયમોનું પાલન કરશો તો કોઇ પણ તેને તોડવાનો પ્રયત્ન નહીં કરે ત્યારે તેનું કારણ ડર નહીં હોય પણ તે તમારા પ્રત્યેની શ્રદ્ધા હશે.
શિસ્ત એ જવાબદારી છે
શિસ્ત આપણને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. અમેરિકા જેવા દેશની પ્રગતિ પાછળ તે દેશની જનતાએ કરેલ નિયમોનું સ્વેચ્છાએ પાલન છે. શિસ્તભંગ ના થાય તેનો કેટલો ખ્યાલ રાખે છે! તમને યાદ હશે કે તમને સ્કૂલમાં વારંવાર એવું કહેવામાં આવ્યું હશે કે શિસ્ત તો આર્મી જેવી હોવી જોઇએ, જેણે કેમ્પની મુલાકાત લીધી હશે તેને ખ્યાલ હશે કે એકસાથે હજાર પગ ફરે તો તમને લાગે કે એક સેકન્ડમાં એક ચક્ર ફરી ગયું. આર્મીમાં એક દોરા જેટલી પણ ભૂલ ના થાય તેટલો આગ્રહ કેમ રાખવામાં આવે છે, કેમ કે શિસ્ત એ જવાબદારીનું ભાન અપાવે છે.
પોતાના નિયમનું પાલન
જે વારંવાર પોતાના નિયમો બદલી કાઢે છે તે ક્યારેય સફળતાના દરવાજા સુધી નથી પહોંચી શકતા. કારણ માત્ર એ નથી કે તે મહેનત ઓછી કરે છે પણ તેને તેના પર જ વિશ્વાસ નથી. આપણે બીજી વ્યક્તિ પર પ્રભુત્વ મેળવી શકાતા નથી પણ પોતાના પર તો તે મેળવી શકે છેને! તમે કંપનીને ત્યારેજ ઉંચાઇ આપી શકશો જ્યારે તમે તમારા નિયમોનું પાલન કરતા હશો.
જીવનમાં અનુશાસન
વિકાસ માટે જીવનમાં અનુશાસન ખૂબ જરૂરી છે. હકીકત એ જ છે કે જેણે શિસ્તમાં રહેવાનું સ્વીકાર્યું તે આજે નહીં તો કાલે પણ મહાન જરૂર બનશે. તમને અઝીમ પ્રેમજી જેવું માન-સન્માન ત્યારેજ મળે જો તમારા જીવનમાં અનુશાસન હોય.
ટકોર
તમારા જીવનનો પ્રથમ અને શ્રેષ્ઠ વિજય એ જ છે કે તમે તમારા પર પ્રભુત્વ મેળવી શકો.
- પ્લેટો
vekariadivyesh@gmail.com