લંડન, તા. ૬
સાયના નહેવાલે લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. સાયનાએ દેશને બેડમિન્ટનમાં સૌપ્રથમ ઓલિમ્પિક્સ મેડલ માટે ઘણો ભોગ આપ્યો છે. રમત ઉપર ધ્યાન આપી શકાય તે માટે સાયનાએ નાણાંનો મોહ પણ રાખ્યો ન હતો, જેના કારણે લંડન ઓલિમ્પિક્સ પહેલાં ૧.૫ કરોડની ઓફર ફગાવી દીધી હતી.
બેન્ક બેલેન્સ તગડું કરવા કરતાં ઓલિમ્પિક્સ મેડલ મહત્વનો : સાયના
ઓલિમ્પિક્સના થોડા મહિના પહેલાં સાયનાએ બે મોટાં ટાઈટલ મેળવ્યાં હોવાથી એન્ડોર્સમેન્ટનો કોન્ટ્રાક્ટ કરવા ઘણી ટોચની કંપનીઓએ રસ બતાવ્યો હતો. સાયના સાથે કોન્ટ્રાક્ટ કરવા ટોચની કંપનીઓ વચ્ચે પડાપડી થતી હતી. જોકે લંડન ઓલિમ્પિક્સમાં ધ્યાન આપી શકે તે માટે સાયનાએ કરોડો રૂપિયાની મોડલિંગની ઓફરો ફગાવી દીધી હતી. આ જાહેરાતો ફગાવવાનો તેનો નિર્ણય ફળ્યો હતો અને ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ઇતિહાસ સર્જ્યા છે.
Day 10 Action at London Olympic 2012
Cheerleaders perform during London Olympic 2012
આ વિશે સાયનાના પિતા ડો. હરવીરસિંહ નહેવાલે જણાવ્યું હતું કે, સાયના લંડન ઓલિમ્પિક્સમાં ભાગ લેવા ગઈ તે પહેલાં તેની પાસે પાંચથી છ ટોચની કંપનીઓ કોન્ટ્રાક્ટ કરવા માગતી હતી, જોકે ઓલિમ્પિકસની તૈયારી માટે સાયનાએ આ કરોડો રૂપિયાની ઓફરને લાત મારી હતી. જાહેરાતો માટે કંપનીઓ તેની પાસે છથી આઠ કલાકનો સમય માગ્યો હતો. સઘળું ધ્યાન ઓલિમ્પિક્સ પર હોવાથી સાયના આ કિંમતી સમય જાહેરાત પાછળ ફાળવવા માગતી ન હતી. મેડલ મેળવીને સાયનાએ સાબિત કર્યું છે કે કરોડો રૂપિયાની ઓફર ફગાવવાનો નિર્ણય યોગ્ય હતો.