લંડન 6, ઓગષ્ટ
૨૭ વર્ષની ઉંમર એવી છે જેમાં સામાન્ય યુવાન પગભર થઇ રહ્યો હોય છે, તેને જીવનના અનેક પડકારનો સામનો કરવાનો બાકી હોય છે, ખ્યાતિ મેળવવાની હોય છે. અલબત્ત, આજે આપણે એવા યુવાની વાત કરવાની છે જેણે ૨૭ વર્ષની ઉંમરે મોટાભાગના તમામ રેકોર્ડ પોતાને નામે કરી નિવૃત્તિ પણ જાહેર કરી દીધી છે. આ યુવાન એટલે અમેરિકન સ્વિમર માઇકલ ફેલ્પ્સ. કુલ ૨૨ ઓલિમ્પિક્સ મેડલ સાથે માઇકલ ફેલ્પ્સે સ્વિમિંગને અલવિદા કરી દીધું છે. જેટલા મેડલ્સ ભારતે કુલ ૨૩ ઓલિમ્પિક્સમાં પોતાને નામે કર્યા હતા તેટલા આ ફેલ્પ્સ નામના 'સુપરમેને' છેલ્લી ચાર ઓલિમ્પિક્સમાં ભાગ લઇ પોતાના ગળે લટકાવ્યા છે. આટલું જ નહીં આ ૨૨ ઓલિમ્પિક્સ મેડલમાંથી માત્ર બે સિલ્વર-બે બ્રોન્ઝનો સમાવેશ થાય છે. મતલબ કે, ૧૮ ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ ફેલ્પ્સ પોતાને નામે કરી ચૂક્યો છે.
લંડન ઓલિમ્પિક્સ શરૂ થવાની હતી ત્યારે મોટાભાગના નિષ્ણાતોને એવી આશંકા હતી કે ફેલ્પ્સનો જાદૂ હવે ઓસરી ગયો છે અને તે માંડ એકાદ-બે મેડલ જીતી શકશે. આ નિષ્ણાતોની આશંકા પણ સાચી હતી. કેમકે, ૨૦૧૧ની વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપ, લંડન ઓલિમ્પિક્સ ટ્રાયલ્સમાં ફેલ્પ્સમાં પહેલા જેવો જાદૂ જોવા મળતો નહોતો. કેટલાક ખાસ વ્યક્તિની એવી ખાસિયત હોય છે કે તે શ્રેષ્ઠ ટુર્નામેન્ટ માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન જમા રાખે છે અને આ કારણે જ આપણે તેમને લિજેન્ડ ગણીએ છીએ. આવા જ લિજેન્ડની હરોળમાં સામેલ ફેલ્પ્સે લંડન ઓલિમ્પિક્સમાં ચાર ગોલ્ડ, ૧ સિલ્વર, ૧ બ્રોન્ઝ એમ કુલ ૬ મેડલ પોતાને નામે કરી દરેક નિષ્ણાતોના મોઢે તાળા લગાવી દીધા હતા. ઓલિમ્પિક્સના ઈતિહાસમાં સૌથી વધુ ૧૮ મેડલ જીતવાનો રશિયન જીમ્નાસ્ટ લેરિસા લેતિયાનાનો ૪૮ વર્ષ પુરાણો રેકોર્ડ ફેલ્પ્સે લંડન ઓલિમ્પિક્સ સાથે પોતાને નામે કર્યો છે. હવે ફેલ્પ્સનો ૨૨ મેડલનો રેકોર્ડ તૂટતા પાંચ દાયકા કરતાં વધુ સમય લાગી શકે છે.
ટ્રેજેડીભર્યું બાળપણ
'રોકસ્ટાર' ફિલ્મમાં એક ડાયલોગ એવો છે કે જેના જીવનમાં ટ્રેજેડી થાય તે જ મહાન બની શકે છે. ફેલ્પ્સના સંદર્ભમાં આ વાત સાચી પણ જણાય છે. ૩૦ જૂન, ૧૯૮૫ના જન્મેલો ફેલ્પ્સ થોડોગણો સમજણો થયો ત્યારથી જ તેને છાસવારે માતા-પિતાના ઝગડા જ કાને સાંભળવા મળતા. ફેલ્પ્સના માતા-પિતાએ છૂટા-છેડા લીધા ત્યારે તેની ઉંમર હતી ૯ વર્ષ. છૂટા-છેડા બાદ ફેલ્પ્સે પોતાની માતા સાથે બાલ્તીમોર શહેર ખાતે રહેવાનું શરૂ કર્યું. માતા-પિતાના ઝગડાને કારણે ફેલ્પ્સ પાંચ વર્ષનો હતો ત્યારથી 'અટેન્શન ડેફિસિટ હાઇપ્રોસિટી ડિસઓર્ડર'ની માનસિક બિમારીથી પરેશાન હતો. ફેલ્પ્સને દિવસભર વ્યસ્ત રાખવા તેની માતાએ તેને સ્વિમિંગ શિખવા મોકલવા શરૂ કર્યું. સાત વર્ષીય ફેલ્પ્સ દરરોજ પોતાની મોટી બહેન સાથે સ્વિમિંગ શિખવા જવા લાગ્યો અને જે રમત આગળ જતાં તેનું જીવન બની ગઇ. સ્વિમિંગ માટે જ સર્જાયો હોય એમ ફેલ્પ્સ એક પછી એક સ્વિમિંગ ટુર્નામેન્ટમાં સપાટો બોલાવતો ગયો.
૧૫ વર્ષની ઉંમરે પ્રથમ ઓલિમ્પિક્સ
ફેલ્પ્સે ૧૫ વર્ષની ઉંમરે તો ૨૦૦૦માં સિડની ખાતે યોજાયેલી ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ કરી લીધું. આ ઓલિમ્પિક્સમાં ફેલ્પ્સ એકેય મેડલ જીતી શક્યો નહીં અને ૨૦૦ મીટર બટરફ્લાય સ્પર્ધાની ફાઇનલ્સમાં પાંચમું સ્થાન એ તેના માટે સિદ્ધિ. ઓલિમ્પિક્સમાં ભાગ લઇ ચૂકેલા લાખ્ખો એથ્લેટ્સ વચ્ચે તે ખોવાઇ જવા આવ્યો નહોતો. ૨૦૦૪ની ઓલિમ્પિક્સમાં ફેલ્પ્સે ૬ ગોલ્ડ, ૨ બ્રોન્ઝ મેડલ જીતી 'ધ ગ્રેટેસ્ટ ઓલિમ્પિયન' તરીકેની સફર શરૂ કરી. ૨૦૦૮માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં તો ફેલ્પ્સે ૮ ગોલ્ડ મેડલ જીતી રેકોર્ડ બનાવી દીધો. ફેલ્પ્સ અગાઉ એક જ ઓલિમ્પિક્સમાં સૌથી વધુ ૭ ગોલ્ડ જીતવાનો રેકોર્ડ માર્ક સ્પિત્ઝને નામે હતો. આ સમયે ફેલ્પ્સે ડાયરીમાં ટપકાવવી પડે તેવી ખૂબ જ સરસ વાત કહી ' તમે તમારી ક્ષમતા કરતાં વધુ સ્વપ્ન જુઓ અને લક્ષ્યાંક નક્કી કરો. મેં મારા તમામ સ્વપ્ન સાકાર કર્યા હોવાથી ઘણી વાર સ્વપ્નની દૂનિયામાં જ રહેતો હોઉં તેમ અનુભવું છું'
૩૯ વિક્રમ, ૯૧ મેડલ
ફેલ્પ્સે તેની ૧૧ વર્ષની કારકિર્દીમાં આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં કુલ ૯૧ મેડલ પોતાને ગળે પહેર્યા છે અને તેમાંથી ૭૧ ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ફેલ્પ્સે કુલ ૩૯ વર્લ્ડરેકોર્ડ બનાવ્યા અને તેમાંથી ૭ હજુ પણ અકબંધ છે. દર બે વર્ષે યોજાતી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ફેલ્પ્સે ૨૦૦૧માં પ્રથમ વાર ભાગ લીધો ત્યારે તેની ઉંમર ૧૬ વર્ષની હતી. કુલ ૬ વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ફેલ્પ્સે ૨૬ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ પોતાને નામે કરી દીધા હતા. કહેવાની જરૂર ખરી કે વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં આ સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ છે ? આ રેકોર્ડ કે જે વર્ષોના વર્ષો અડિખમ રહેવાનો છે. ઓલિમ્પિક્સના ઈતિહાસમાં કોઇ સ્વિમર એક જ ઇવેન્ટમાં સતત ત્રણ વાર ગોલ્ડ મેડલ જીતી શક્યો નથી. પરંતુ ફેલ્પ્સે આ સિદ્ધિ ત્રણ ઓલિમ્પિક્સમાં મેળવેલી છે.
સફળતાનું રહસ્ય શારિરિક બાંધો
ફેલ્પ્સને મળેલી સફળતામાં તેના શારિરિક બાંધાએ મહત્વની ભૂમિકા અદા કરી છે. સામાન્ય રીતે કોઇ પણ મનુષ્યના આર્મસ્પાન તેની હાઇટ જેટલા જ હોય છે. જોકે, ફેલ્પ્સના કિસ્સામાં તેના આર્મસ્પાન તેની હાઇટ કરતાં વધુ એટલે કે ૬ ફૂટ ૭ ઇંચ છે. આ બાંધાને કારણે ફેલ્પ્સને અન્ય સ્વિમર્સ કરતાં વધુ લાભ મળી રહે છે. આ ઉપરાંત ફેલ્પ્સની લોઅર બોડીની હાઇટ સામાન્ય મનુષ્ય કરતાં ઓછી છે. પ્રમાણમાં ટૂંકા પગ હોવાથી તે ખાસ અવરોધ વિના સ્વિમિંગ કરી શકે છે. ટૂંકમાં કહીએ તો ફેલ્પ્સની અપર બોડી ૬ ફૂટ૮ ઇંચની હાઇટ ધરાવતી વ્યક્તિની તો લોઅર બોડી ૫ ફૂટ ૧૦ ઇંચની હાઇટ ધરાવતા વ્યક્તિની છે.
દરરોજ ૧૨ હજાર કેલેરીનો ખોરાક
આ વાત નવાઇભરી લાગશે પણ ફેલ્પ્સ દરરોજ ૧૨ હજાર કેલેરી મળે તે પ્રકારનો ખોરાક લે છે. બ્રેકફાસ્ટમાં ફેલ્પ્સ ફ્રાઇડ એગ્સ વાળી ત્રણ સેન્ડવિચ, ત્રણ ચોકલેટ ચિપ્સકેક, પાંચ એગ્સની આમલેટ, લંચમાં પાસ્તા, પિઝા અને એનર્જી ડ્રિન્ક લે છે. ફેલ્પ્સના પર્સનલ ટ્રેનરના મતે એક આંતરરાષ્ટ્રીય સ્વિમર માટે ૬ હજાર કેલેરીનો ખોરાક દરરોજ લેવો જરૂરી છે. માઇકલ ઓલિમ્પિક્સનો સ્વિમર છે અને ખૂબ જ પ્રેક્ટિસ કરતો હોવાથી તેના માટે ૧૨ હજાર કેલેરીનો ખોરાક જરૂરી છે. વધુ પ્રેક્ટિસને કારણે કોલસ્ટ્રોલ જમા થવાનો સવાલ જ પેદા થતો નથી.
ભારત વિ. ફેલ્પ્સ
ભારતની માથાદીઠ આવક સાથે સરખામણી કરવામાં આવે તો આપણે પ્રતિ .૦૦૦૦૦૦૫૪૫૪૫૫ વસ્તીએ એક મેડલ જીત્યો છે. બીજી તરફ ફેલ્પ્સ એકલો જ ૨૨ મેડલ પોતાને નામે કરી ચૂક્યો છે. આ ઉપરાંત ઇઝરાયેલ, પનામા, પેરુ, ઘાના, ફિલિપિન્સ, ર્સિબયા, પોર્ટુગલ, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, કેમરૂન, નાઇજિરિયા, ક્રોએશિયા એવા કેટલાક દેશ છે જે ફેલ્પ્સ જેટલા ગોલ્ડ જીતવાની નજીક પણ નથી.