નવી દિલ્હી, 7 ઓગસ્ટ
સંસદ ભવનમાં હજુ પણ મતદાન શરૂ છે. ઉપરાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં સૌ પ્રથમ વડાપ્રધામ મનમોહન સિંહ, યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી રાહુલ ગાંધીએ વોટિંગ કર્યું હતું. રાજ્યસભાનાં સાંસદ અભિનેત્રી રેખા અને ક્રિકેટર સચિન તેંડુલકર પણ મત આપશે. સિનીયર વકીલ પ્રવીણ પારેખે જણાવ્યું હતું કે, હામિદ અન્સારીને લગભગ 600 વૉટ મળવાની શક્યતા છે.
સંસદ ભવનમાં સવારે 10 વાગે મતદાન શરૂ થયું હતું
દેશનાં સંસદભવનમાં આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. સવારે 10 વાગે મતગાન શરૂ થઈ ગયું હતું. સાંજે 6 વાગે મત ગણતરી પણ કરવામાં આવશે. યુપીએ સમર્થિત ઉમેદવાર હામિદ અન્સારીની સીધી ટક્કર એનડીએ સમર્થિત ઉમેદવાર જસવંત સિંહ સાથે છે.
આંકડાકીય ગણતરી પ્રમાણે આ ચૂંટણીમાં પણ યુપીએ સમર્થિત ઉમેદવાર હામિદ અન્સારીની જીતવાની શક્યતાઓ વધુ છે. જો હામિદ અન્સારી આ ચૂંટણી જીતશે તો તેઓ ડો. રાધાકૃષ્ણન પછીનાં એવાં પહેલાં રાષ્ટ્રપતિ હશે જેઓ બીજી વખત ઉપરાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળશે.
હામિદ અન્સારીએ વર્ષ 2007માં સંપ્રગ અને ડાબેરીઓની પાર્ટીનાં સંયુક્ત ઉમેદવાર હતાં. વર્ષ 1961માં તેઓ ભારતીય વિદેશ સેવા સાથે જોડાયેલાં હતાં. ત્યારબાદ તેમણે બગદાદ, રૈવત, જેદ્દા તથા બ્રસેલ્સ ખાતેનાં ભારતીય દૂતાવાસમાં સેવા આપી હતી. 2000 થી 2002 સુધી તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં કુલપતિ પણ રહી ચૂક્યાં છે. ઉપરાંત જવાહરલાલ નહેરૂ તથા જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી સાથે પણ તેઓ સંકળાયેલાં છે. હામિદ અન્સારીને વર્ષ 1984માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
લોકસભા અને રાજ્યસભાનાં 790 સભ્યો ઉપરાષ્ટ્રપતિનાં ઉમેદવારનો નિર્ણય કરશે. આર્મીનાં પૂર્વ અધિકારી જસવંત સિંહ પૂર્વ વડાપ્રધાન બાજપાઈ સરકારમાં નાણામંત્રી, રક્ષામંત્રી અને વિદેશ મંત્રી રહી ચૂક્યાં છે.