Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 03:33:13 PM IST
 

આપણો દરિયો કેટલો સુરક્ષિત? (દૂરબીન)

Aug 07, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 3037
Rate: 4.1
Rating:
Bookmark The Article

દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ

મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા પછી દેશના દરિયાકાંઠાની સુરક્ષા માટે સરકાર અને સેના સક્રિય થઈ છે. મરિન કમાન્ડો ફોર્સને આધુનિક હથિયારોથી સુસજ્જ કરાઈ છે. દેશના ૭૫૧૭ કિલોમીટર લાંબા દરિયાકાંઠાની સુરક્ષાનું કામ સહેલું નથી.

ગુજરાત માટે દરિયાઈ સુરક્ષાનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે, કારણ કે મહત્ત્વનાં આંતરરાષ્ટ્રીય બંદરો ગુજરાતમાં છે અને ગુજરાતના દરિયાકાંઠે ઓઇલ રિફાઇનરી અને મોટા ઉદ્યોગો સ્થપાયેલા છે. સરકાર સતર્ક બની છે છતાં એ સવાલ તો ઊભો જ છે કે જેટલાં પગલાં લેવાઈ રહ્યાં છે એટલાં પૂરતાં છે?

આપણા દેશની જમીન અને આકાશ સુરક્ષિત છે, પણ આપણો દરિયો હજુ ઘણી જગ્યાએ રેઢો પડયો છે. જમીનની સરહદે વાડ બાંધી શકાય, આકાશની સુરક્ષા માટે રડાર છે, પણ દરિયાને બાંધી શકાતો નથી. ભારતને કુદરતે વિશાળ દરિયાકાંઠો આપ્યો છે અને દેશ પર અત્યારે સૌથી મોટી જવાબદારી દરિયાકાંઠાના રક્ષણની છે.

૨૬મી નવેમ્બર, ૨૦૦૮નો દિવસ આપણા રેઢા દરિયાકાંઠાના પુરાવાનું કરુણ પ્રકરણ છે. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આતંકવાદીઓ છેક મુંબઈ સુધી ઘૂસી આવ્યા અને દેશના આર્થિક પાટનગરમાં ખાનાખરાબી સર્જી. આતંકવાદી ઘટના માટે દરિયાઈ માર્ગના ઉપયોગની આ પહેલી ઘટના ન હતી. વર્ષો અગાઉ મુંબઈમાં થયેલા પહેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ માટે આરડીએક્સ ગુજરાતના દરિયાકાંઠે જ ઊતર્યું હતું. આપણને ભૂતકાળની ઘટનામાંથી બોધ લેતા આવડતું નથી એટલે હિંસક ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે. જો કે મુંબઈના આતંકવાદી હુમલા પછી આપણી સરકાર અને સેના સતર્ક થઈ ગયા છે.

થોડા દિવસો અગાઉ એવા ખબર આવ્યા હતા કે ઇન્ડિયન નેવીના મરિન કમાન્ડો ફોર્સના જવાનોને અત્યાધુનિક હથિયારો ઉપલબ્ધ કરાવાયાં અને ચુનંદા કમાન્ડોને વિશેષ તાલીમ આપવામાં આવી. ઇઝરાયેલની મદદથી આ કમાન્ડોને અમેરિકન મરિન કમાન્ડો ફોર્સના જવાનો જેટલા સુસજ્જ કરાયા છે. આગમાં પણ સળગી ન ઊઠે તેવા ફાયરપ્રૂફ યુનિફોર્મ આ કમાન્ડો પાસે છે. શકે તેવી ટેવોર ૨૧ રાઈફલ અને ગાલિલ સ્નિપર રાઈફલ, બુલેટપ્રૂફ જેકેટ્સ, ઇન્ટિગ્રેટેડ કોન્વેટ સિસ્ટમ, હાઈસ્પીડ કમ્યુનિકેશન ગેજેટ્સ અને બીજી લેટેસ્ટ સાધનસામગ્રી સાથે આ કમાન્ડો કોઈ પણ પડકાર ઝીલવા સક્ષમ છે. નો ડાઉટ, આ એક ખુશી થવા જેવી વાત છે. અલબત્ત, આવા કમાન્ડોની સંખ્યા માત્ર આઠ છે. સવાલ એ થાય કે આપણા દેશના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા માટે આટલા કમાન્ડો પૂરતા છે? જવાબ છે, ના. આઠ નહીં, આઠસો હોય તો પણ ખૂટે તેટલો મોટો આપણો દરિયાકાંઠો છે. ભારતનો દરિયાકાંઠો કેવડો છે? તેનો જવાબ છે, ૭૫૧૭ કિલોમીટર. દેશનાં નવ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશો દરિયા સાથે જોડાયેલાં છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરાલા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, વેસ્ટ બંગાળ, પોંડીચેરી, લક્ષદ્વિપ, દીવ- દમણ અને આંદામાન નિકોબારમાં દરિયાકાંઠો ફેલાયેલો છે. દેશના દરિયાકાંઠાઓની સમસ્યા અને જોખમો જુદાં જુદાં છે. પણ સૌથી મોટો ખતરો હથિયારોની દાણચોરી અને આતંકવાદીઓની ઘૂસણખોરીનો છે.

ભારત અને પાકિસ્તાનના દરિયાકાંઠેથી માછીમારી કરવા દરિયામાં ફરતા માછીમારો ભૂલથી અને વધુ માછલાં મેળવવાની લાલચમાં એકબીજાની દરિયાઈ સીમામાં ઘૂસી આવે છે અને પકડાય છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે એક વર્ષમાં ૧૯૭ માછીમારોને ૨૮ પાકિસ્તાની બોટ સાથે પકડયા છે. તેની સામે પાકિસ્તાને એક વર્ષમાં ૩૦૦થી વધુ માછીમારોને ૧૦૦ ઇન્ડિયન બોટ સાથે પકડયા છે. ગમે તે હોય પણ આ રીતે પકડાતા માછીમારોનો ઇરાદો ગુનાખોરીનો નથી. જો કે જોખમ એ હોય છે કે માછીમારના વેશમાં આતંકવાદીઓ ઘૂસી આવે તો?

દરિયાઈ સુરક્ષાનો સવાલ આપણા ગુજરાત રાજ્ય માટે સૌથી વધુ મહત્ત્વનો છે. ગુજરાતનો દરિયાકાંઠો ૧૬૦૦ કિલોમીટરનો છે અને આપણે ત્યાં કંડલા, મુંદ્રા, પીપાવાવ, મગદલ્લા, પોરબંદર અને નવલખી સહિત અનેક મહત્ત્વનાં આંતરરાષ્ટ્રીય બંદરો આવેલાં છે. ગુજરાતના દરિયાકાંઠે ઓઈલ રિફાઈનરી અને મોટા ઉદ્યોગો આવેલા છે એટલે સુરક્ષાનું કામ વધુ મહત્ત્વનું બની જાય છે. ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા માટે કોસ્ટલ સિક્યોરિટી પ્લાન બનાવાયો છે. એ સિવાય ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષા માટેની તમામ એજન્સીઝ ગુજરાતના દરિયાકાંઠા ઉપર નજર રાખે છે.

મુંબઈના આતંકવાદી હુમલા પછી સમગ્ર દેશના દરિયાકાંઠે રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે સર્વેલન્સ રડાર ગોઠવવાનું નક્કી કરાયું છે. તેમાંથી આઠ રડાર ગુજરાતમાં ગોઠવાયાં છે. ગુજરાતમાં પોરબંદર, માંગરોળ, જાફરાબાદ, હજીરા, ગોપનાથ, નાભાદ્રા, દ્વારકા અને દમણમાં સર્વેલન્સ રડારો ગોઠવાયાં છે. આ આઠેય રડારનો કંટ્રોલરૂમ પોરબંદરમાં છે. કચ્છના દરિયા વિસ્તારમાં આવેલ સિરક્રિક અંગે પાકિસ્તાન સાથે વિવાદ ચાલે છે. કચ્છની દરિયાઈ સીમા સંવેદનશીલ છે અને તેને ત્રણ લેયરની સુરક્ષાવ્યવસ્થા પ્રદાન કરવામાં આવી છે. ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ, બીએસએફ અને લોકલ પોલીસ કચ્છના દરિયાની સુરક્ષામાં જોતરાયેલી છે. માછીમારીની બોટ્સને જીપીએસ સિસ્ટમથી જોડવામાં આવી રહી છે. જેથી દરેક બોટની અવરજવર ઉપર નજર રહી શકે. સુરત નજીકના મગદલ્લા બંદરે થોડા સમય અગાઉ જ સમુદ્ર પહેરેદાર નામનું જહાજ કોસ્ટગાર્ડમાં સામેલ કરાયું છે.

મુંબઈ હુમલા પછી માર્ચ ૨૦૦૯માં દરિયાઈ સુરક્ષા માટે એસપીબી એટલે કે સાગર પ્રહરી બલની રચના કરવામાં આવી છે. આ દળમાં ૮૦ બોટ સાથે એક હજાર જવાન તૈયાર કરાયા છે. આ દળના જવાનોને ઇન્ડિયન નેવીના જહાજ આઈએનએસ શિવાજીમાં તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત મરિન કમાન્ડો ફોર્સને પણ વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો છે. માર્કોસ તરીકે ઓળખાતા મરિન કમાન્ડો ફોર્સની રચના ૧૯૮૭માં કરવામાં આવી હતી. મરિન કમાન્ડો ફોર્સના જવાનોને ક્રોકોડાઈલ (મગરમચ્છ) તરીકે ઓળખવામાં આવે છે. મુંબઈ, ગોવા, વિશાખાપટ્ટનમ, કોચી અને પોર્ટ બ્લેરમાં મરિન કમાન્ડો ફોર્સનાં થાણાં આવેલાં છે. ઇન્ડિયન નેવીની આ ક્વિક રિએક્શન ટીમ છે.

ગત વર્ષે ડિસેમ્બર -૨૦૧૧માં રશિયન બનાવટના યુદ્ધ જહાજ એડમિરલ ગોર્સકોવને આઈએનએસ વિક્રમાદિત્ય નામ આપી ઇન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવ્યું છે. હજુ ૫૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાત યુદ્ધ જહાજ ઇન્ડિયન નેવીમાં સામેલ કરવાની યોજના છે. આ યુદ્ધ જહાજ બ્રહ્મ સુપર સોનિક ક્રૂઝ મિસાઈલ્સથી સજ્જ હશે. ભારતની સરકાર હવે દરિયાકાંઠાની સુરક્ષા માટે વધુ સતર્ક બની છે અને તેનું સૌથી મોટું કારણ એ છે કે આતંકવાદીઓની નજર હવે દરિયાઈ માર્ગ પર છે. વિમાન માર્ગે કે જમીન માર્ગે ઘૂસણખોરી હવે અઘરી બનતી જાય છે. એક નાનકડી બોટમાં દરિયાઈ રસ્તે ઘૂસી જવાનું ભલે સહેલું નથી પણ સાવ અશક્ય પણ નથી.

ગુજરાતનો દરિયાકાંઠો અગાઉ માનવ તસ્કરી માટે પણ સારો એવો બદનામ થઈ ચૂક્યો છે. અઢી ત્રણ દાયકા અગાઉ વહાણોમાં બેસી અનેક લોકો ગેરકાયદે દુબઈ અને બીજા આરબ દેશોમાં જતા હતા. એ સિવાય પહેલાં સોનાની દાણચોરી માટે સૌરાષ્ટ્ર અને મુંબઈના દરિયાકાંઠાને સ્વર્ગ માનવામાં આવતું હતું. જાપાનની ઇલેક્ટ્રોનિક આઈટમ્સની પણ આ રસ્તે જ મોટાપાયે દાણચોરી થતી હતી. હવે આવા ધંધામાં કોઈ કસ રહ્યો નથી. એટલે આંતરરાષ્ટ્રીય ગુનેગારોએ હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ શરૂ કર્યો છે. આ બધું તો ચાલતું હતું પણ મુંબઈ હુમલા માટે આતંકવાદીઓની દરિયાઈ માર્ગે ઘૂસણખોરીથી સરકારની આંખો ખૂલી ગઈ છે.

આમ છતાં, જે ઝડપે દરિયાઈ સુરક્ષાના ઇન્તજામ થવો જોઈએ એ સ્પીડે થતો નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. સરકાર જે પગલાં લઈ રહી છે એ પૂરતાં છે કે કેમ એ પણ એક સવાલ છે. દરિયાઈ સુરક્ષા સામે નાની સરખી પણ બેફિકરાઈ મોટું જોખમ સર્જી શકે એમ છે. એટલે જ જે કાગળ ઉપર છે એ બને એટલું ઝડપી દરિયાકાંઠે ગોઠવાય એ દેશના હિતમાં છે.

kkantu@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com