Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 02:06:19 PM IST
 

ભાવનગરના દરિયામાં કેમિકલ કચરો ઠાલવવાનું જબરૂ કૌભાંડ

Aug 08, 2012 Gujarat > Bhavnagar
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 334
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા.૭

ભાવનગર સમગ્ર દેશમાં મેગ્નેશિયમ કાર્બોનેટ પુરૂ પાડવામાં અગ્રણી છે. સમગ્ર દેશમાં બનતા ગુટખા અને પાન મસાલામાં આ કેમિકલનો ઉપયોગ થાય છે. ભાવનગરની ઔદ્યોગિક વસાહતોમાં આ કેમિકલ બનાવતા અનેક યુનિટો કાર્યરત છે. આ પૈકી મોટાભાગના નિયમસર કાર્બોનેટનું ઉત્પાદન કરી રહ્યા છે પરંતુ કેટલાક ઉદ્યોગગૃહો ઉત્પાદન કરતા દક્ષિણ ગુજરાતમાંથી એમોનિયાના ટેન્કર ભાવનગર લાવી ખાલી કરવાનો ધંધો કરી રહ્યા છે. આ અંગે ગુજરાત પોલ્યુશન બોર્ડને પણ જાણકારી છે જ પરંતુ આ કૌભાંડમાં સૌ એકબીજાને સાચવી રહ્યા છે.

  • વાપી-અંકલેશ્વરથી એમોનિયાના ટેન્કર દીઠ ૨૫ હજાર રોકડી કરવાનો કાળો કારોબાર
  • દક્ષિણ ગુજરાતના ઉદ્યોગગૃહોનું એમોનિયા વ્યવસાયિક ઉપયોગના બહાને ભાવનગર લાવી વહેતું કરાય છે !
  • છાપેલા કાટલાછાપ કેટલાક ઉદ્યોગગૃહો આ 'ગંદા ધંધા'માં પાવરધા

કાર્બોનેટ બનાવવા માટે જે લીકવીડ એમોનિયાની જરૂર હોય છે તે વાપી, અંકલેશ્વરના ઉદ્યોગોમાં વેસ્ટ વોટર તરીકે નીકળે છે. આ લીકવીડ વાપરવા અંગે સરકાર દ્વારા કાયદેસર મંજુરી આપવામાં આવી છે. આથી એમોનિયાના ટેન્કર મગાવી ભાવનગરના ઉદ્યોગકારો પોતાના ઉત્પાદનમાં કાયદેસર વાપરે છે. આ કાયદેસરતાના ઓઠા તળે બેનંબરનો કાળોકારોબાર પણ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોમાં આ એમોનિયા લીકવીડ વિપુલ માત્રામાં વેસ્ટ વોટર તરીકે નીકળે છે. તેઓ આ પ્રવાહીને નદી નાળા કે દરિયામાં વહાવી નાશ કરી શકતા નથી. આ સંજોગોમાં આ લીકવીડ કાર્બોનેટ મેગ્નેશીયમના ઉદ્યોગોને વેચવામાં આવે છે. એક તરફ કાર્બોનેટનું ઉત્પાદન ઘટયું છે બીજી તરફ ચોમાસાના કારણે ઉત્પાદન પ્રક્રિયા ધીમી છે તેથી એમોનિયાની જરૂર ઘટી છે. આ સંજોગોમાં કોઇપણ ભોગે લીકવીડ એમોનીયાનો નાશ કરવા ખેલ મંડાયો છે !

આ કૌભાંડ અંગે બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ આ લીકવીડ એમોનિયાનો ભરાવો થતાં દ.ગુ.ના ઉદ્યોગગૃહોને મુશ્કેલી ઉભી થઇ રહી છે. પોતાની સમસ્યાના હલ માટે તેમણે સામેથી પૈસા આપી ટેન્કર આપવાનું શરૂ કર્યું છે ! આ પરિસ્થિતિનો લાભ લેવા ભાવનગરના કેટલાક છાપેલા કાટલાછાપ ઉદ્યોગગૃહો એક ટેન્કર દીઠ રૂ.૨૫ હજાર જેવી રકમ લઇ એમોનિયા ભાવનગર મગાવી લે છે. આ પછી આ લીકવીડ હાલમાં ઉપયોગમાં તો લઇ શકાય તેમ નથી તેથી દરિયામાં કે બીજા-ત્રીજા સ્થળે તેને વહાવી દેવામાં આવે છે. વાપી-અંકલેશ્વરનો જોખમી કેમીકલ કચરો ભાવનગર લાવી દરિયામાં ઠાલવવાના ટેન્કર દીઠ ૨૫ હજાર રૂપિયા મળતાં હોય તો 'ગંદા ધંધા'ને પણ વ્યાજબી સમજનારા ઘણા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે ભાવનગરના જ એક યુનિટ દ્વારા અમદાવાદ નજીક લીકવીડ એમોનિયાનો નાશ થતો હોવાનું કૌભાંડ બહાર આવતાં ક્લોઝર નોટિસ મળી હતી.

ઉદ્યોગકાર વર્તુળમાંથી મળેલી માહિતી મુજબ આ પ્રકારે કાળોકારોબાર કરનારા બે ત્રણ જ છે. આ લોકો અઠવાડીયામાં ચારેક જેટલા ટેન્કર આ રીતે વહેતા કરતા હોય તો નવાઇ નહીં ! આ મુજબ હિસાબ કરીએ તો વાપી-અંકલેશ્વરનો જોખમી રાસાયણીક કચરો ભાવનગરના દરિયામાં ઠાલવવા માટે અઠવાડીયે એક લાખ ખિસ્સામાં આવી જાય છે. આ સમગ્ર કૌભાંડ જીપીસીબીની નજર બહાર હોય તેવી વાત ગળે ઉતરે તેવી નથી. અને ચર્ચાતી વાત મુજબ ટેન્કર દીઠ આમાં પણ બધુ જ ગોઠવાયેલું છે. બે દિવસ પૂર્વે આ જ રીતે ભાવનગરના એક કાર્બોનેટના ઉત્પાદક દરિયામાં એમોનિયા ઠાલવતા ઝડપાઇ જતાં મામલો ગરમ થયો હતો. જો કે, પછીથી શું થયું તે અંગે સૌ બધુ જાણવા છતાં મૌન છે.

ભાવનગરના પર્યાવરણની જાળવણીની જેની જવાબદારી છે તેવું પોલ્યુશન બોર્ડ નાના યુનિટોને સાવ સામાન્ય બાબતોમાં હેરાન-પરેશાન કરવામાં પાછી પાની કરતું નથી. ક્રોમ કામ કરીને જીવન નિર્વાહ કરનાર સાવ નાના ઉદ્યોગકારને પણ એર પોલ્યુશનના નામે નોટિસો આપવામાં આવે છે. જ્યારે ભાવનગરના દરિયામાં ઝેરી રસાયણ રેડાઈ રહ્યું છે તે મામલે માત્ર કહેવા પુરતી કામગીરી કરતા અધિકારીઓ સ્વભાવિક જ શંકાના દાયરામાં આવી ગયા છે.

કૌભાંડી ઉદ્યોગકારોને બાકાત કરવા મળેલી બેઠક

ભાવનગરમાં મેગ્નેશિયમ કાર્બોનેટનું ઉત્પાદન કરતા યુનિટ ધારકોનું એક એસોસિએશન પણ કાર્યરત છે. લીકવીડ એમોનિયાને આ રીતે દરિયામાં વહાવી કાળો કારોબાર થતો હોવાનું કૌભાંડ બહાર આવતાં આ એસોસિએશનની તાજેતરમાં એક ખાનગી મિટીંગ પણ મળી ગઇ હતી. આ મિટીંગમાં આવા કૌભાંડી તત્વોને એસોસિએશનમાંથી બહાર કરવા તથા ગાંધીનગર સુધી આ બાબતે જાણ કરી પોલ્યુશન બોર્ડ અને અન્ય તંત્ર પગલા લે તે બાબતે રજૂઆત કરવા વિચારણા થયાનું જાણવા મળેલ છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com