વડોદરા, તા.૭
કોર્પારેશનના પાઈપ લાઈન મારફતે ગેસનો વાપર કરતા ગ્રાહકોના કપાળે ચિંતાની લકીર ખેચાઈ છે. કોર્પારેશને ચાલુ મહિને બજાવેલા બિલથી મિનિમમ્ ચાર્જિસમાં ૧૬૩ ટકા વધારો ઝીંકી દીધો છે. હવે ગ્રાહકોએ પ્રતિ મહિનાના રૂ.૧૮૪ ને બદલે રૂ.૩૦૦ નો મિનિમમ્ ચાર્જ ભરવો પડશે. જો ગ્રાહક ગેસ ન પણ વાપરે તો જેની પર મીટર ભાડું, વેટ અને ર્સિવસ ચાર્જ ઉમેરાતા ગેસનુ બિલ રૂ.૭૫૦ નું તો ભરવું જ પડે. શહેરમાં ૭૮ હજાર ગ્રાહકો છે. ત્યારે ગ્રાહકો પર લાખો રૂપિયાનો બોજો પડયો છે. આવતી કાલે જેવીસીના મુદ્દે મળનારી ખાસ સભામાં આ વિશે શું નિર્ણય લેવાય છે ? તેની પર સૌ ગ્રાહકોની મીટ મંડાઈ છે.
- પ્રતિ મહિનાનો ચાર્જ રૂ.૧૮૪ ને બદલે હવે રૂ.૩૦૦ ઠોકી બેસાડાયો
નોંધનીય છે કે, કોર્પારેશને ગેસના બિલ છાપવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેણે ૬૦ દિવસે બિલ બજાવવાનું હોય છે. તેને બદલે ૯૦ દિવસે બિલ બજાવે છે. જેથી એપ્રિલ- મે મહિનાનું બિલ ચાલુ મહિને ગ્રાહકોને અપાયું છે. જેમાં કોર્પા. મિનિમમ્ ચાર્જિસમાં ધરખમ વધારો કર્યો છે. પહેલા મિનિમમ્ ચાર્જિસ પ્રતિ માસના રૂ.૧૮૪ હતા. જેમાં ૧૬૩ ટકા વધારો કરી રૂ.૩૦૦ કરી દીધા છે. બિલ બે મહિનાનું હોય છે. જેથી ગ્રાહકે પહેલા બે મહિનાનો મિનિમમ્ ચાર્જ રૂ. ૩૬૮ ચૂકવવો પડતો હતો. હવે તે ચાર્જ રૂ.૬૦૦ ચૂકવવો પડશે. એટલે કે ગ્રાહકના બે મહિનામાં બજેટમાં રૂ.૨૩૨ નું ગાબડું પડશે. જો ગ્રાહક ગેસ ન પણ વાપરે તો પણ તેણે મિનિમમ્ ચાર્જિસ રૂ.૬૦૦, મીટર ભાડું રૂ. ૪૦, ૧૫ ટકા વેટ રૂ. ૯૦ અને ર્સિવસ ચાર્જ રૂ.૨૦ મળીને ગ્રાહકે બે મહિને રૂ. ૭૫૦ તો ભરવા જ પડે.
હવે જ્યારે કોર્પારેશન અને ગેઈલ વચ્ચે વડોદરા ગેસ કંપની નામની નવી જોઈન્ટ વેન્ચર કંપની સ્થપાઈ રહી છે અને આવતી કાલે તે નવી કંપનીના વિષય પર કોર્પારેશનમાં સામાન્ય સભાની ખાસ બેઠક બોલાવાઈ છે. ત્યારે ચૂંટાયેલી પાંખ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ઉપરોક્ત પ્રજાકીય પ્રશ્ને કોણ અવાજ ઉઠાવે છે ? અને શું નિર્ણય લેવાય છે ? તેની પર સૌની મીટ મંડાઈ છે.
ગ્રાહકોની એવી માગણી છે કે, ગેસના બિલમાં મિનિમમ્ ચાર્જિસમાં ચોક્કસ રકમ વસૂલવાને બદલે વપરાશ યુનિટ મુજબ ચાર્જ વસૂલાય તો ગ્રાહકોને રાહત રહે. ગેસનો ઉપયોગ નહીં કરવા છતાં પણ અધધબિલ ચૂકવવું પડે તો દેશના અન્ય શહેરોની સરખામણીમાં વડોદરામાં સૌથી સસ્તો ગેસ મળે છે તે વાતમાં તથ્ય રહેતું નથી.
રૂ. ૩ કરોડના બિલો વસૂલાશે કે માફ કરી દેવાશે ?
વર્ષ ૧૯૭૨થી લઈને અત્યાર સુધી ૪૦ વર્ષ દરમિયાન એવા ઘણા બધા મકાનો છે કે મકાનો જમીનદોસ્ત કરી દેવાયા છે અથવા જમીનદોસ્ત થઈ ગયા છે. જે મકાનોની કુલ બાકી બિલની અત્યાર સુધીની રકમ કુલ રૂ.૩ કરોડ પર પહોંચી ગઈ છે. ભવિષ્યમાં જેવીસી કંપની અસ્તિત્વમાં આવશે. ત્યારે તે બાકી રકમ વસૂલાશે કે માફ કરી દેવાશે ? તે જોવાનું રહ્યું.
અધિકારી શું કહે છે ?
ગેસ વિભાગના વડા શૈલેષ નાયકે કહ્યું હતું કે, જે તે સમયે ડોલરનો ભાવ રૂ.૪૫ હતો. આજે ડોલરનો ભાવ વધીને રૂ.૫૬ થયો છે. જેથી પ્રતિ યુનિટ દીઠ ગેસનો ભાવ રૂ.૧૩.૦૮ ગ્રાહકો પાસેથી વસૂલાય છે. એટલે મિનિમમ્ ચાર્જિસ પણ વધારાયા છે. જો કોઈ ગ્રાહકનું આગોતરું આયોજન હોય અને તે લાંબા દિવસો સુધી બહાર ગામ જવાનો હોય તો તેણે ગેસ વિભાગમાં રૂ.૫૦ ચૂકવીને સેફ કસ્ટડી કરાવી લેવી જોઈએ. તેમજ એસ્ટિમેટ ડિફરન્સની રકમ જેવીસી થયા પછી પણ કોર્પારેશનની તિજોરીમાં રહેશે. જે રકમ કોર્પારેશન જ ગ્રાહકને આપશે.