ભુજ, તા.૭
કચ્છીમાડુ દિનેશ ત્રિવેદી દેશનાં રેલવે મંત્રાલયનો કારોબાર સંભાળ્યા બાદ કેન્દ્રીય રેલ મંત્રીનાં પદે બજેટમાં કચ્છનું ઋણ અદા કરવા કચ્છીઓની અપેક્ષાથી પણ મોટી જાહેરાત કરી, જિલ્લામાં કોચ ફેકટરી સ્થાપવા ઉપરાંત બાન્દ્રા-ભુજ અને ભુજ-શાલીમાર ટ્રેન આપવાની જાહેરાત કરી હતી.
- કોચ ફેકટરી અને બાન્દ્રા અને શાલીમાર ટ્રેનની વાત કાગળોમાં સીમિત
જો કે, બજેટ બાદ તેમનાં પક્ષનાં વિખવાદમાં રેલ મંત્રી પદેથી રાજીનામું આપતા તેમની જાહેરાતો હજુ સુધી વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી શકી નથી અને તેમનાં દ્વારા જાહેર કરવામાં આવેલી ટ્રેન અને પ્રોજેકટ કાગળો પૂરતા જ સીમિત બની ગયા છે. સૂત્રોનાં જણાવ્યાનુસાર કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા ચાલુ વર્ષના બજેટમાં ગુજરાતને કુલ ૧૭ થી વધુ ટ્રેનો મળી હતી, જે અંતર્ગત રેલવેતંત્ર દ્વારા કેટલીક ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ચાર ટ્રેનો પ્લેટફોર્મ પર ક્યારે આવશે તેની રાહ જોવાઇ રહી છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે એસી ડબલ ડેકર ટ્રેનની કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. જો કે, સૂત્રો જણાવે છે કે, આ ટ્રેનનો ૧૫ ઓગસ્ટથી પ્રારંભ થાય તેવી શક્યતાઓ છે જ્યારે રેલવે બજેટમાં જાહેર કરાયેલી વિવિધ ટ્રેનો પૈકી ચાર જેટલી ટ્રેનો શરૂ ન થતાં હાલમાં તેનો મુસાફરોને લાભ મળતો નથી. રેલવે બજેટમાં ગુજરાતને બાન્દ્રા-ભુજ, ભુજ-શાલીમાર, ગાંધીનગર-આણંદ, અમદાવાદ-કોલકાતા એમ ચાર ટ્રેન મળીહતી. આ ચારેય પૈકી એકપણ ટ્રેન શરૂ કરવાની કોઇ જાહેરાત કરાઇ નથી.
દિનેશ ત્રિવેદીએ બજેટમાં જોગવાઈ કરી હોવા છતાં તેમની જાહેરાત પર રેલવે તંત્ર અમલવારી કરવામાં અસહ્ય વિલંબ કરી રહ્યું છે ત્યારે કચ્છ અને મુંબઈમાં વસતા કચ્છીમાડુઓની લાગણીને ઠેંસ પહોંચી રહી છે. આ ઉપરાંત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રેલ બજેટમાં કરાયેલી જાહેરાતો પર અમલવારી કરવામાં હજુ પણ વિલંબ કરવામાં આવશે તો જાગૃત નાગરિકો આ મામલે રેલ મંત્રાલયની ઊંઘ ઉડાવવાની પણ તૈયારી કરી રહ્યા છે.