રાજકોટ તા.૭
ફેસબૂક, ઓર્કુટ કે યાહૂ જેવી સોશ્યલ સાઈટ્સ પર યુવાનો-યુવતીઓના ચેટિંગ-ફલર્ટિંગના વ્યવહારો વધી રહ્યા છે. પરંતુ તાજેતરમાં પ્રકાશમાં આવેલી હકિકતો અનુસાર, ફેસબૂક પર આ પ્રકારે કૂતરા, બિલાડી અને નિર્જીવ વસ્તુઓના આઠ લાખ કરતાં પણ વધુ બનાવટી એકાઉન્ટ્સ હોવાનું બહાર આવ્યુ છે. આ જ પ્રકારે અનેક લોકો બનાવટી નામથી એકાઉન્ટ્સ પણ બનાવતાં હોય છે. નકલી આઈ.ડી. બનાવી, અન્ય લોકોને છેતરીને તેઓ આનંદ મેળવતાં હોય છે. જો કે, ક્યારેક આ મજાક ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી લેતાં હોય છે.
- ફેસબૂક પર લાખો 'ફેક' આઈ.ડી. ડીટેક્ટ થયા !
- અજાણી યુવતિને મળવા માટે પરેશ નામનો યુવાન સુરતથી ઉના પહોંચ્યો !
ગુજરાતના દરિયાઈ ગામ ઉનાના પાસેના નાના ગામનો ધનંજય અભ્યાસઅર્થે અમદાવાદ ગયો હતો. જ્યાં તેની ઓળખાણ પરેશ સાથે થઈ. પરેશ મૂળ સુરતનો હતો. સમયાંતરે બંન્ને પાક્કા મિત્રો બની ગયા. અભ્યાસ પૂર્ણ થતાં ધનંજય તેના ઘરે, ઉના પરત આવી ગયો અને પરેશ સુરત પરત ફર્યો. પણ બંન્નેનો સંપર્ક જળવાયેલો રહ્યો. દરમિયાન, એક દિવસ ધનંજયે મજાક માટે ઈન્ટરનેટ પર અંજલિ નામથી છોકરીનું ફેક આઈ.ડી. બનાવી, તેમાં એક સુંદર યુવતિનો ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે મૂક્યો.
તેણે આ ફેક આઈ.ડી. પરથી પરેશને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી. પરેશે પણ દેખાવડી યુવતિનો ફોટો જોઈ, તરત રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી. ધીમે ધીમે ચેટિંગ અને ફલર્ટિંગનો વ્યવહાર વધતો ચાલ્યો. ધનંજયે પણ આ મજાક ચાલુ રાખી. છેવટે એક દિવસ પરેશે પોતાના મિત્ર ધનંજય પાસે આવવાનું બહાનું બનાવી, અંજલિને મળવાની ઈચ્છા દર્શાવી. અંજલિએ તેનો પ્રસ્તાવ સ્વિકારી તેને ઉના આવવા જણાવ્યું. છેવટે પરેશ સુરતથી ઉના પહોંચ્યો પણ ખરો, પરંતુ તે ધનંજયને મળવા માટે નહિં, પણ માત્ર અંજલિને મળવા જ આવ્યો હતો. જ્યાં વાસ્તવિક અંજલિને મળ્યા બાદ તેની મૂર્ખામી અને ધનંજયની મજાક બંન્ને છતાં થયા!
આ કિસ્સો તો મજાક-મજાકમાં આટોપાઈ ગયો, પરંતુ ફેસબૂક, ઓરકૂટ જેવી સોશ્યલ સાઈટ્સ પર એવાં હજારો-લાખો એકાઉન્ટ્સ છે. જેમના યુઝર્સનું ડેસ્ટિનેશન અને વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. અનેક યુવાનો પણ છોકરીઓના નામના એકાઉન્ટ્સ બનાવી, અન્ય યુવાનોને મૂર્ખ બનાવી તેમની સાથે ચેટિંગ-ફલર્ટિંગ કરતાં હોય છે. અનેક વખત લોકો અજાણ્યા લોકો સાથે ફ્રેન્ડશીપ કરતાં હોય છે. પરંતુ માત્ર સુંદર તસવીરો કે પ્રોફાઈલ જોઈને સીધી જ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાથી કે સેન્ડ કરવાથી મૂશ્કેલીઓ પણ સર્જાઈ શકે છે.
ઈન્ટરનેટ પર એકાઉન્ટ બનાવતી વખતે અને ફ્રેન્ડશીપ કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખવું
* ઈન્ટરનેટ પર અનેક લોકો બનાવટી નામના એકાઉન્ટમાં એક્સેસ કરતાં હોય છે.
* ઈન્ટરનેટ પર અનેક યુવાનો, યુવતિના ફેક આઈ.ડી.બનાવીને ફલર્ટિંગ કરતાં હોય છે.
* જેને તમે વ્યક્તિગત રીતે ઓળખતાં નથી, તેને રિક્વેસ્ટ સેન્ડ કે એક્સેપ્ટ ન કરવી.
* રિક્વેસ્ટ એક્સેપ્ટ કે સેન્ડ કરતાં પહેલાં સામેવાળી વ્યક્તિની સંપૂર્ણ પ્રોફાઈલ ચેક કરી લેવી.
* યુવતિઓએ ક્યારેય તેમની પ્રોફાઈલમાં પોતાના ઈમેઈલ એડ્રેસ કે મોબાઈલ નંબર મેન્શન ન કરવા જોઈએ.
* નેટ પર પોતાના ફોટા અપલોડ કરો, તો તેને પબ્લિકલી શો ન કરવા જોઈએ.
* ખાસ કરીને યુવતિઓએ તેમના ફોટોગ્રાફ્સ અને પ્રોફાઈલને 'લોક' કરીને રાખવા જોઈએ.