રાજકોટ તા. ૭
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેચાયો છે. સાતમ આઠમના તહેવારોનો ઉમંગ અને ઉત્સાહ જે જોવા મળવો જોઇએ તે આ વખતે પ્રમાણમાં ઓછો દેખાય છે. આમ છતાં દુષ્કાળજનક સ્થિતિની ચિંતા થોડા દિવસો ભૂલી જઈ જન્માષ્ટમી પર્વ એકંદરે આનંદથી માણવા લોકો તૈયાર છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પ્રખ્યાત એવો રંગીલા રાજકોટનો લોકમેળો રેસકોર્ષ મેદાનમાં કાલે (બુધવારે) સવારે ૯-૩૦ કલાકે નાણામંત્રીના હસ્તે લોકમેળો ખૂલ્લો મૂકવામાં આવશે. લોકમેળો પાંચ દિવસ યોજાશે. શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર પણ બે મેળા આજથી ખૂલ્લા મુકાશે. જો કે, આ વખતે લોકમેળાઓમાં ગ્રામ્ય પ્રજાજનો સંખ્યા ઓછી રહેવાનો અંદાજ છે.
- ૪૪ યાંત્રિક રાઈડસ : આઈસ્કીમ, રમકડાંનાં ૩૦૦ સ્ટોલ્સ
- ગ્રામ્ય પ્રજાજનોની સંખ્યા ઓછી રહેવાનો અંદાજ
- પાંચ દિવસ મોંઘવારી અને દુષ્કાળની પરિસ્થિતી વિસરી લોકો મેળો માણશે
બુધવારથી રવિવાર સુધી રાજકોટના રેસકોર્ષના મેદાનમાં આવેલા ઓપનએર થિયેટરમાં ૪૫ મિનીટ સાંસ્ક્રૃતિક કાર્યક્રમોની રમઝટ પણ જોવા મળશે. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિને ધ્યાનમાં રાખી આ વખતે લોકમેળા સમિતીએ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ લોકમેળો -૨૦૧૨ નામ અપાયુ છે.
લોકમેળામાં રમકડાના ર૦૦ સ્ટોલ, યાંત્રિક રાઇડસ, ખાણીપીણી આઈસ્ક્રીમ મળી કુલ ૩૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. સવારથી મોડી રાત સુધી રાઉન્ડ કલોક ડયુટી કર્મચારીઓને ફાળવી દેવામાં આવી છે. કલેકટર તંત્ર, પોલીસ મહાનગરપાલિકા, જી.ઇ.બી.ના સ્પે. કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે. કલેકટર તંત્ર દાવો કરી રહ્યુ છે કે, લોકો મોંઘવારી અને અછતની સ્થિતી તહેવારોમાં ભૂલી જ લોકમેળામાં ઉમંગ અને ઉત્સાહતી મેળો માણશે. પાંચ દિવસ દરમિયાન ૧૨ લાખ લોકો મેળાની મુલાકાત લે તેવી તંત્રને આશા છે. મેળામાં સહકારી સંસ્થાઓ ઉપરાંત ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓના પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે.
જુદા-જુદા ચાર દરવાજામાંથી પ્રવેશની વ્યવસ્થા
લોકમેળામાં બહુમાળી ભવન તરફના રોડ ઉપર મુખ્ય પ્રવેશ દ્વાર ઉભો કરવામાં આવ્યો છે. જેમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિને અનુલક્ષીને વિવેકાનંદનો વિશાળ ફોટો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત મેળામાં આવતાં લોકો ચાલીને થાકી જાય તો તેમના માટે રેસ્ટ પ્લોટ રાખવામાં આવ્યો છે. દરેક સ્ટોલ અને યાંત્રિક રાઇડસ વચ્ચે વધુ જગ્યા રાખવામાં આવી હોવાથી મેળામાં અવર જવરમાં કોઇને મુશ્કેલી નહીં પડે.
અડધો ડઝન ફજર, પાંચ મોતના કૂવા, ટોરાટોરા
આજથી સતત પાંચ દિવસ રાજકોટની પ્રજા લોકમેળાનો આનંદ માણશે. બીજી તરફ મેળામાં આ વખતે મોતના કૂવામં બેમાળના મોતના કૂવા ઉપરાંત તેમાં એક સાથે ચાર ચાર મોટરસાયકલ અને ચાર મારૂતી ફરતી જોવા મળશે. ટોરાટોરા હાઇડ્રોલિક ઉપર ચાલશે તેમજ ભૂતબંગલા ,નાગ કન્યા, સાયન્સ કલા, બેબી ટ્રૈઇન , સલામ્બો, બ્રેક ડાન્સ કટરવિલર, જે પાટા ઉપર ચાલે છે, તે તમામ આકર્ષણો લોકમેળામાં જોવા મળશે.
૭૦૦ પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત રહેશે
લોકમેળામાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે સુરક્ષા અને બંદોબસ્તને ધ્યાનમાં રાખી બોંબ સક્વોડની ટીમ રાઉન્ડ કલોક ફરજ બજાવશે. સાથ સાથ મેળામાં એસીપી,પી.આઈ.મહિલા પોલીસ ,હોમગાર્ડ સહિતના ૭૦૦ જવાનો સતત ફરજ બજાવશે. પ્રવેશદ્વાર ઉપર મેટલ ડિટેકટર યંત્ર મૂકવામાં આવ્યુ છે. તેમજ સીસીટીવી કેમેરા અને એલ.ડી.સ્ક્રીન પણ ગોઠવવામાં આવ્યા છે.