નવી દિલ્હી, તા. ૮
સંસદનાં ચોમાસું સત્રનો બુધવારે તોફાની પ્રારંભ થયો હતો. આસામમાં તાજેતરમાં થયેલી હિંસાના મુદ્દે સભામોકૂફીની ચર્ચા દરમિયાન અડવાણીનાં વિવાદાસ્પદ વિધાનથી શાસક પક્ષના સભ્યો છંછેડાયા હતા. સંસદનાં બંને ગૃહમાં શાસક પક્ષના સભ્યો અને વિપક્ષો વચ્ચે તડાતડી મચી ગઈ હતી અને ભારે શોરબકોર મચ્યો હતો. અડવાણીએ યુપીએ-૨ સરકારને 'ઈલ્લિજિટિમિટ' એટલે કે ગેરકાયદે અને અયોગ્ય ગણાવી હતી, જો કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ટ્રેઝરી બેન્ચના સભ્યો અડવાણીનાં આ નિવેદનથી ભડક્યા હતા અને ભારે વિરોધ કરતાં અડવાણીને તેમનું નિવેદન પાછું ખેંચવાની ફરજ પડી હતી. અડવાણીએ કહ્યું હતું કે યુપીએ-૨ સરકાર ગેરકાયદે છે. ભારતના ઇતિહાસમાં ક્યારેય આવું બન્યું નથી. સરકારને બચાવવા માટે અને સત્તા ટકાવવા માટે કરોડો રૃપિયા ખર્ચવામાં આવ્યા છે. અડવાણીએ આવું વિધાન કરતાં જ શાસક પક્ષના સભ્યો ભડક્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
અડવાણીની સ્પષ્ટતા
અડવાણીએ શાસક પક્ષના સભ્યોનો રોષ શાંત પાડવા સ્પષ્ટતા કરી હતી કે તેઓ ૨૦૦૯ની ચૂંટણી પછીની સરકારની વાત કરી રહ્યા નથી. ૨૦૦૮માં જ્યારે અણુકરાર મામલે ગૃહમાં વિશ્વાસનો મત લેવામાં આવ્યો ત્યારે સરકારને બચાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા તેનો ઉલ્લેખ કરવા માગે છે. અડવાણીના આ ખુલાસા પછી પણ શાસક પક્ષના સાંસદોનો રોષ ઠંડો પડયો નહોતો. તેમણે અડવાણી તેમનું નિવેદન પાછું ખેંચે તેવી માગણી ચાલુ રાખી હતી. લોકસભામાં ગૃહના નેતા સુશીલકુમાર શિંદેએ પણ તેમને આ શબ્દ પાછો ખેંચવા અનુરોધ કર્યો હતો. શિંદેએ ગૃહમાં દરમિયાનગીરી કરતાં કહ્યું હતું કે અડવાણી સિનિયર નેતા છે. આપણે સૌએ તેમનું સન્માન જાળવવું જોઈએ પણ આજે તેઓ એવું કહી રહ્યા છે કે ૨૦૦૯ની આખી ચૂંટણી ગેરકાયદે છે, આ આપણા સૌનું અપમાન છે તેમણે આ શબ્દો પાછા ખેંચવા જોઈએ.
- અડવાણીનું નિવેદન અપમાનજનક ગણાવતા પીએમ
- વડાપ્રધાન મનમોહનસિંહે અડવાણીનાં નિવેદનને સંસદસભ્યો માટે અને ગૃહ માટે અપમાનજનક અને કમનસીબ ગણાવ્યું હતું.
અડવાણીના શબ્દો માનસિક હતાશા ગણાવતા સિબ્બલ
યુપીએ-૨ સરકાર અંગે અડવાણીએ કરેલા વિવાદાસ્પદ વિધાનો ભાજપના નેતાની માનસિક હતાશા દર્શાવે છે તેમ કેન્દ્રના એચઆરડી પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું. સિબ્બલે રોષિત થઈને કહ્યું હતું કે, સરકાર દેશનાં લોકો વડે ચૂંટાય છે તેથી તમે તેને ગેરકાયદે કહી શકો નહીં. રાજકીય પક્ષોએ સંસદને ડિસ્ટર્બ કર્યા વિના સાથે મળીને આસામની સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ.
હંગામામાં આસામ હિંસાનો મુખ્ય મુદ્દો જ ભુલાયો
અડવાણીનાં વિવાદાસ્પદ વિધાનો વચ્ચે સંસદમાં મચેલા હંગામામાં આસામની હિંસાનો મુખ્ય મુદ્દો જ ભુલાઈ ગયો હતો. ચર્ચા આડા પાટે ચડી ગઈ હતી. અડવાણીએ આસામ હિંસામાં બાંગલાદેશથી આવેલા ઘૂસણખોરોને વિદેશી આક્રમણ સમાન ગણાવ્યા હતા. કેન્દ્ર સરકાર ઘૂસણખોરી ડામવામાં તેમજ હિંસા કાબૂમાં લેવામાં નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યની ૪ કરોડની વસતીમાંથી ૪,૦૦,૦૦૦ લોકો ઘરબાર વિહોણાં થયાં હોવાનું જણાવ્યું હતું.
- લોકશાહીમાં માનનારાઓએ નિવેદનને વખોડવું જોઈએ--મનીષ તિવારી
- કોગ્રેસનાં મનીષ તિવારીએ કહ્યું હતું કે અડવાણીનું નિવેદન વાંધાજનક છે. જે લોકો લોકશાહીમાં માનતા હોય તેમણે આ નિવેદનને વખોડી કાઢવું જોઈએ.
અડવાણી ગૃહ પ્રધાન હતા ત્યારે કોમી તંગદીલી ફેલાવી હતી---લાલુ પ્રસાદ
આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે અડવાણીનાં નિવેદનનો વિરોધ કર્યો હતો. લાલુએ કહ્યું હતું કે અડવાણી જ્યારે ગૃહ પ્રધાન હતા ત્યારે બાંગ્લાદેશીઓ ભારતમાં ઘુસણખોરી કરી રહ્યા છે તેવું કહીને કોમી તંગદીલી ફેલાવી હતી. લુંગી પહેરવાથી કે મુસ્લિમ હોવાથી કોઈને બાંગ્લાદેશી કહી શકાય નહીં.
ચોમાસું સત્રમાં તોફાન : લોકસભામાં અડવાણીએ યુપીએ-૨ને અનૌરસ ગણાવતાં હોબાળો
સોનિયા અને શાસક પક્ષના સાંસદોના ભારે વિરોધથી અડવાણીએ નિવેદન પાછું ખેંચ્યું : અડવાણીની ભારે ટીકા, કોંગ્રેસે કહ્યું કે ભાજપ નેતા માનસિક હતાશામાં છે : આસામમાં હિંસા મુદ્દે લોકસભામાં ચર્ચા થવાની હતી, હોબાળો થતાં આ મુદ્દે મૂળ ચર્ચા આડા પાટે ચડી ગઈ
- સોનિયાએ આ રીતે મિજાજ ગુમાવ્યો
સોનિયા ગાંધીએ ઘણા સમય પછી ગૃહમાં તેમનો મિજાજ ગુમાવ્યો હતો અને અડવાણી સહિત વિરોધ પક્ષના સભ્યો સામે લાલ આંખ કરી હતી. સોનિયા સહિત ટ્રેઝરી બેન્ચના સભ્યોએ અડવાણીનાં વિધાનને પાછું ખેંચી લેવાની માગણી કરીને હોબાળો મચાવ્યો હતો. સોનિયાએ કહ્યું હતું કે સરકાર અંગે અડવાણીનું નિવેદન સ્વીકારી શકાય તેવું નથી. રોષે ભરાયેલાં સોનિયાએ 'ઈલ્લિજિટિમિટ' શબ્દ પાછો ખેંચવાની માગણી સતત ચાલુ રાખી હતી.
આખરે અડવાણીએ શબ્દો પાછા ખેંચ્યા
ગૃહનાં સ્પીકર મીરાંકુમારે પણ અડવાણીને યાદ કરાવ્યું હતું કે આસામની સ્થિતિ અંગે લોકો ચિંતિત છે તેથી જ તેમણે ગૃહમોકૂફીની દરખાસ્ત પર ચર્ચાની મંજૂરી આપી છે પણ તમે જે એક શબ્દનો ઉપયોગ કર્યો તેનાંથી સૌનું સ્વમાન ઘવાયું છે, જો તમે ઇચ્છો તો આ શબ્દ પાછો ખેંચી શકો છો. અડવાણીએ કહ્યું કે યુપીએ-૨ અંગે વાત કરીને મેં ભૂલ કરી છે. હું હકીકતમાં યુપીએ-૧ વખતે વિશ્વાસના મતના સંદર્ભમાં વાત કરી રહ્યો હતો. તે વખતે કેશ ફોર વૉટ કૌભાંડ સર્જાયું હતું. વિરામ પછી ગૃહ ફરી મળ્યું ત્યારે સ્પીકરે કહ્યું હતું કે અડવાણીએ તેમના શબ્દો પાછા ખેંચ્યા છે જે રેકોર્ડનો ભાગ બનશે નહીં.
રાહુલે કહ્યું 'નો કોમેન્ટ'
અડવાણીના બફાટ સામે સોનિયાએ ભારે રોષ દર્શાવ્યો ત્યારે કોંગ્રેસના યુવરાજ રાહુલે 'નો કોમેન્ટ' કહી પ્રત્યાઘાત આપ્યા હતા.