કૃષ્ણગીરી - દિવ્યેશ વ્યાસ
ભારતીય સંસ્કૃતિનાં બે મહાકાવ્યો - રામાયણ અને મહાભારત, માત્ર ભારત દેશ માટે જ નહીં સમગ્ર માનવ સભ્યતા માટે પ્રેરણાદાયી રહ્યાં છે. એમાંય મહાભારત માટે તો એવું કહેવાય છે કે જગતમાં જે કંઈ છે એ મહાભારતમાં છે અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી! રામાયણ એ મર્યાદાપુરુષોત્તમ શ્રીરામની સ્ટોરી છે. રામાયણમાં શ્રીરામ હીરો છે, પણ મહાભારતમાં કોણ હીરો છે, એની ચર્ચા કરવી હોય તો પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણ ઉપરાંત ભીષ્મ પિતામહ, યુધિષ્ઠિર, અર્જુન જેવાં નામો પણ લોકોને સૂઝી શકે, કારણ કે વાર્તાના કેન્દ્રસ્થાને કુરુવંશ છે, પાંડવો છે. પાંડવોને જ કૌરવો સાથે ઝઘડાઓ થાય છે અને તેમના રાજપાટ છીનવાઈ જાય છે. પાંડવો બદલાની ભાવનાથી પીડાય છે. સંઘર્ષ આખરે કુરુક્ષેત્ર સુધી પહોંચે છે અને પાંડવો કૌરવોને હરાવીને હસ્તિનાપુરને હાંસલ કરે છે, પણ મહાભારતના અભ્યાસુઓ તરત ટકોર કરશે કે મહાભારતની કથાના કેન્દ્રસ્થાને ભલે પાંડવ હોય પણ મહાભારતના હ્ય્દયસ્થાને તો ભગવાન શ્રીકૃષ્ણ જ વિરાજે છે.
પાંડવોનાં માતા કુંતી સંબંધમાં શ્રીકૃષ્ણનાં ફોઈબા થતાં હોય છે. પાંડવ અને શ્રીકૃષ્ણનું મિલન પાંચાલીના સ્વયંવરમાં પહેલી વાર થાય છે. નાનપણમાં પિતા ગુમાવનારા પાંડવોને જિંદગીમાં બાળપણથી જ ભેદભાવ અને દ્વેષભાવ સહન કરવા પડયા હતા. તેમના પર એક પછી એક કષ્ટીઓ આવી હતી, પણ શ્રીકૃષ્ણના મિલન પછી તેમની જિંદગીમાં બધાં સારાં વાનાં થયેલાં! તેમને અલગ રાજ્ય મળેલું અને પાંડવો અશ્વમેધ યજ્ઞા પણ સફળતાપૂર્વક કરી શકેલા. યુધિષ્ઠિર રાજા તરીકે પ્રતિષ્ઠા પામી શકેલા અને પાંડવોની જિંદગીમાં કહી શકાય કે પહેલી વાર સુખ નસીબ થયેલું. ભગવાન કોને ન ફળે!
શ્રીકૃષ્ણના આગમન પછી પાંડવો પર કષ્ટીઓ જરૂર આવી, પણ તેઓ તેમાંથી સુખરૂપ બહાર આવી શક્યા હતા. જૂગટું રમતાં યુધિષ્ઠિર જ્યારે રાજપાટ અને છેલ્લે દ્રૌપદીને પણ હારી ગયા ત્યારે મજબૂર પાંડવોના ઘરની લાજ શ્રીકૃષ્ણે જ ચીર પૂરીને બચાવી હતી. યુદ્ધના વિનાશથી બચી શકાય એ માટે શ્રીકૃષ્ણ પોતે જ વિષ્ટિકાર બનીને હસ્તિનાપુર ગયા હતા અને દુર્યોધન સહિત સૌને પાંડવોના અધિકારો પાછા આપવા વિનંતી કરી હતી. પાંડવોને શ્રીકૃષ્ણે ડગલે ને પગલે મદદ કરી હતી, તેમની વહારે ગયા હતા.
કુરુક્ષેત્રમાં યુદ્ધ સિવાય જ્યારે કોઈ આરો-ઓવારો નહોતો રહ્યો ત્યારે પોતાનાં સ્વજનો, ગુરુજનો, સગાં-સંબંધીઓને જોઈને પાણીમાં બેસી ગયેલા અર્જુનને ભગવદ્ગીતાનું પાન કરાવીને સ્વધર્મની યાદ અપાવનારા પણ યોગેશ્વર કૃષ્ણ જ હતા. લાગણીવશ થયેલા અર્જુનથી ભીષ્મ પિતામહ સામે હથિયારો ઉપડતાં નહોતાં ત્યારે નિહથ્થા રહીને યુદ્ધ નહીં લડવાનું પોતાનું વચન તોડીને રથનું પૈડું ઉગામનાર શ્રીકૃષ્ણ જ હતા, જેણે યુદ્ધધર્મના પાઠ ભણાવ્યા હતા. અર્જુનના સારથિ રહીને યુદ્ધના દાવપેચ શીખવાડનાર શ્રીકૃષ્ણે ભીષ્મ સામે શિખંડીનો ઢાલ તરીકે ઉપયોગ કરવાનો આઇડિયા પણ આપ્યો હતો અને જયદ્રથને મારવા માટે સૂરજને ઢાંકી દેવાની યુક્તિ પણ અજમાવી હતી. આમ, એક માર્ગદર્શક તરીકે, એક વ્યૂહ રચનાકાર તરીકે શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રનું યુદ્ધ જીતવામાં પાંડવોને બહુ મદદ કરી હતી.
કુરુક્ષેત્રમાં અર્જુનને ભગવદ્ગીતા સંભળાવનાર આ જ શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધની સમાપ્તિ પછી પાંડવોને સલાહ આપે છે કે તમે બાણશય્યા પર પડેલા અને મૃત્યુ માટે ઉત્તરાયણની રાહ જોતાં ભીષ્મ પિતામહ પાસેથી સુશાસનની કળા-કૌશલ્ય શીખવા જાઓ. અર્જુનને પરમ સખા કહેનારા શ્રીકૃષ્ણ સમગ્ર મહાભારતમાં પાંડવોના મિત્ર છે, મદદગાર છે અને માર્ગદર્શક પણ બની રહે છે. ટૂંકમાં, શ્રીકૃષ્ણ પાંડવો માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડની ભૂમિકા બખૂબી નિભાવે છે. આવા જગદ્ગુરુ શ્રીકૃષ્ણ આપણને પણ મળે અને આપણને પણ ફળે, એવી આશા સાથે પૂર્ણપુરુષોત્તમનાં ચરણોમાં કોટી કોટી વંદન!