Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 09:24:16 PM IST
 

શ્રીકૃષ્ણ લીલાઓ

Aug 08, 2012 Supplements > Shraddha
 
comment     E-Mail     Print    
 
Viewed: 2656
Rate: 2.3
Rating:
Bookmark The Article

પર્વ વિશેષ - પ્રશાંત પટેલ

જેની આંખો કારાવાસમાં ખૂલી, માતા-પિતાના પ્રેમથી વંચિત રહ્યા, ગાયો ચરાવીને બાળપણ વીત્યું, કંસે જીવ લેવાના પ્રયાસમાં કોઈ કસર ન રાખી, જન્મસ્થાન તથા ગોકુળ છોડીને દ્વારકામાં વસવાટ કરવો પડયો, યુદ્ધમાંથી ભાગીને રણછોડ કહેવાયા, સત્યભામાના ઘરમાં સ્યમંતક મણિના ચોરીનો આરોપ લાગ્યો, યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞામાં પતરાળાં અને પગરખાં ઉઠાવવાનું દાયિત્વ સંભાળ્યું, અર્જુનના સારથી બન્યા, પોતાની ચાર અક્ષૌહિણી નારાયણી સેના દુર્યોધનને આપીને ખુદ નિહથ્થા યુદ્ધમાં ગયા, ગાંધારીના શાપનો હસતા મોઢે સ્વીકાર કર્યો અને પોતાના કુળને પોતાની સામે જ નષ્ટ થતું જોયું, આવા પરમવીરનું મૃત્યુ પારધીને હાથે થયું. શ્રીકૃષ્ણના જન્મથી લઈને મૃત્યુ સુધીની લીલાઓ ખરેખર અદ્ભુત અને અલૌકિક છે

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર

ભગવાન વિષ્ણુના આઠમા અવતારના રૂપમાં શ્રીકૃષ્ણએ શ્રાવણ વદ આઠમના દિવસે અવતાર લીધો. ભાગવત પુરાણમાં વર્ણન છે કે જીવને સંસારનું આકર્ષણ આકર્ષે છે, તે આકર્ષણથી દૂર કરીને પોતાની તરફ આર્કિષત કરવા માટે જે તત્ત્વ સાકાર રૂપમાં પ્રગટ થયું તે તત્ત્વનું નામ શ્રીકૃષ્ણ છે. તત્ત્વજ્ઞાનના પ્રચારક અને સમતાના પ્રતીક ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ, તેમની લીલા અને તેમનો અવતાર લેવાનો સમય એમ બધું જ અલૌકિક છે.

શ્રીકૃષ્ણ જન્મ

જન્મ-મૃત્યુના ચક્રમાંથી છોડાવનાર જનાર્દનના અવતારનો સમય હતો નિશીથકાળ. ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો હતો. શ્રીકૃષ્ણનો જન્મ વિષમ પરિસ્થિતિઓમાં થયો હતો. જન્મ સમયે માતા-પિતા બેડીઓમાં જકડાયેલાં હતાં. ચારે બાજુ મુશ્કેલીઓનાં વાદળો ઘેરાયેલાં હતાં. શ્રીકૃષ્ણએ પોતાના ભગવાન હોવાનો સંકેત જન્મ સમયે જ આપી દીધો હતો. તેમનો જન્મ થયો કે તરત જ કારાવાસનાં તાળાં ખૂલી ગયાં. ચોકીદારો સૂઈ ગયા અને આકાશવાણી થઈ કે આ બાળકને ગોકુળમાં નંદના ઘરે મૂકી આવો. ખૂબ જ ભયંકર વરસાદ અને તોફાની બનેલી યમુના નદીને પાર કરીને બાળક શ્રીકૃષ્ણને ગોકુળ પહોંચાડવાનું કામ સરળ ન હતું. વાસુદેવે જેવો યમુનામાં પગ મૂક્યો કે પાણી ઉપર ચઢવા લાગ્યું. શ્રીકૃષ્ણએ પોતાના પગથી યમુનાજીના જળનો સ્પર્શ કર્યો કે તરત જ પાણીનું લેવલ ઘટી ગયું. શેષનાગ તેમના ઉપર છત્ર બનીને આવી ગયા જેથી તેઓ પલળે નહીં.

પૂતના વધ

શ્રીકૃષ્ણ જન્મના સમાચાર સાંભળીને કંસ ખૂબ જ આકુળ-વ્યાકુળ થઈ ગયો. તેણે પોતાના સેનાપતિઓને આદેશ આપ્યો કે સમગ્ર રાજ્યમાં દસ દિવસમાં જન્મેલાં બાળકોનો વધ કરી દેવામાં આવે. આ તરફ નંદબાબાના ઘરે કૃષ્ણજન્મનો સતત ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. શ્રીકૃષ્ણ હજુ છ દિવસના જ થયા હતા. કંસે શ્રીકૃષ્ણનો વધ કરવા માટે પૂતના નામની રાક્ષસીને મોકલી. પૂતના પોતાનાં સ્તન પર ઝેર લગાવીને શ્રીકૃષ્ણને દૂધ પીવડાવવા સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને આવી. અંતર્યામી શ્રીકૃષ્ણ તેના પ્રાણ સહિત દૂધ પીવા લાગ્યા અને ત્યાં સુધી પૂતનાને ન છોડી જ્યાં સુધી તેનું પ્રાણપંખેરું ન ઊડી ગયું. આ જ રીતે બાળપણમાં શ્રીકૃષ્ણને મારવા માટે મામા કંસે શકટાસુર, બકાસુર અને તૃણાવર્ત જેવા ઘણા રાક્ષસો મોકલ્યા, જેમનો સંહાર શ્રીકૃષ્ણએ રમતાં-રમતાં કર્યો હતો.

માખણચોર કાનુડો

માખણચોરીની લીલાથી શ્રીકૃષ્ણએ સામાજિક ન્યાયનો પાયો નાખ્યો. તેમનું માનવું હતું કે ગાયોનાં દૂધ પર સૌથી પહેલો અધિકાર તેનાં વાછરડાંઓનો હોય છે. તેઓ મોટેભાગે એવા ઘરમાંથી જ માખણ ચોરતા હતા જ્યાં ખાનપાનમાં કંજૂસી દાખવવામાં આવતી હોય અને માખણને વેચવા માટે એકઠું કરવામાં આવ્યું હોય. જોકે એ વાત અલગ છે કે માખણચોરીની વાતનો શ્રીકૃષ્ણએ ક્યારેય સ્વીકાર કર્યો નથી. તેમનું કહેવું હતું કે ગોપીઓ જ તેમને પોતાના ઘરે બોલાવીને માખણ ખવડાવે છે.

એક વાર ગોપીઓની ફરિયાદથી તંગ આવીને માતા યશોદા બાળકૃષ્ણને દોરડાથી બાંધવા લાગી, પરંતુ તેઓ ગમે તેટલું લાંબું દોરડું લાવે, શ્રીકૃષ્ણને બાંધવા માટે નાનું જ પડતું. જ્યારે યશોદામાતા કંટાળી ગયાં ત્યારે કાનુડો માતાના હાથે બંધાઈ ગયો. આ જ લીલાને કારણે તેમનું નામ દામોદર (દામ એટલે દોરડું અને ઉદર એટલે પેટ) પડયું.

નાગદમન

યમુના કિનારે કાલીનાગનો ખૂબ આતંક હતો. તેના ઘાટમાં પાણી એટલું ઝેરીલું હતું કે મનુષ્ય અથવા પશુ-પક્ષી પાણી પીતાં જ મૃત્યુ પામતાં હતાં. એક દિવસ બાળકૃષ્ણ સખાઓ સાથે રમી રહ્યા હતા. તે વખતે તેમણે દડો યમુનાજીમાં નાખી દીધો. એ દડો લેવા માટે કૃષ્ણ યમુનાજીના જળમાં ઊતર્યા અને કાળીનાગનું દમન કર્યું. બાળકૃષ્ણએ નાગને નાથીને તેને ભવિષ્યમાં પાછું ન આવવા જણાવ્યું.

શ્રીકૃષ્ણની યોગમાયા

શ્રીકૃષ્ણ જ્યારે ગાયો ચરાવવા જતા હતા ત્યારે તેમની સાથે તેમના સખાઓ પણ હોતા. એ બધા જ કૃષ્ણ કહે એ પ્રમાણે જ કરતા. બ્રહ્માજીને ઈર્ષ્યા થઈ અને એક દિવસ તેઓ બધી જ ગાયોને પોતાના લોકમાં ભગાડીને લઈ ગયા. જ્યારે ગાયો ન દેખાઈ ત્યારે ગોકુળવાસીઓએ શ્રીકૃષ્ણ પર ગાયો ચોરવાનો આરોપ લગાવ્યો, તેથી શ્રીકૃષ્ણએ યોગમાયાના બળે બધા જ ગોવાળોનાં ઘરે તેમની ગાયો પહોંચાડી દીધી. બ્રહ્માજી આ જોઈને પછતાવા સાથે શરમ અનુભવવા લાગ્યા.

સ્નાનની મર્યાદા

બાળલીલામાં જ શ્રીકૃષ્ણએ એક વાર નદીમાં સ્નાન કરી રહેલી ગોપીઓનાં વસ્ત્રોને ઝાડ પર લટકાવી દીધાં. સ્નાન કર્યાં પછી ગોપીઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે બાળકૃષ્ણને વસ્ત્રો પાછાં આપી દેવા વિનંતી કરવા લાગી. ત્યારે શ્રીકૃષ્ણએ તેમને ચેતવણી આપતાં કહ્યું કે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાથી મર્યાદા ભંગ થાય છે અને વરુણ દેવતાનું પણ અપમાન થાય છે. ગોપીઓએ જ્યારે નિર્વસ્ત્ર સ્નાન નહીં કરવાની વાતનો સ્વીકાર કર્યો પછી જ શ્રીકૃષ્ણએ તેમનાં વસ્ત્ર પાછાં આપી દીધાં.

ગોપીઓ સંગ રાસલીલા

શ્રીકૃષ્ણએ દિવ્ય તથા અલૌકિક રાસલીલા વ્રજભૂમિમાં કરી હતી. જ્યારે બધા જ રસ સમાપ્ત થાય છે ત્યાંથી જ રાસલીલા શરૂ થાય છે. રાસલીલામાં પ્રેમનો પ્રવાહ સતત વહે છે. શ્રીકૃષ્ણ પોતાના સંગીત તથા નૃત્યકળાથી ગોપીઓને રીઝવે છે. આ રાસમાં ભાગ લેવાવાળી બધી જ ગોપીઓ સાથે શ્રીકૃષ્ણ રાસ રમે છે. જેટલી ગોપી તેટલા જ કૃષ્ણ. રસાધાર શ્રીકૃષ્ણની મહારાસલીલા જીવના બ્રહ્મ સાથે મિલનનો પરિચાયક અને પ્રેમનું એક મહાપર્વ છે. શ્રીકૃષ્ણના જીવનમાં રાધા પ્રેમની મૂર્તિ બનીને આવ્યાં. જે પ્રેમને આજ સુધી કોઈ માપી શક્યું નથી. જરાસંધ સાથે યુદ્ધ કરીને તેમણે સોળ હજાર કન્યાઓને બંધનમાંથી મુક્ત કરાવી હતી.

મથુરામાં શ્રીકૃષ્ણ

મથુરા જઈને સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ કુબ્જાને સુંદર નારી બનાવી, ત્યારબાદ મામા કંસનો વધ કર્યો, નાના ઉગ્રસેનને ગાદી પર બેસાડયા અને માતા-પિતાને કારાવાસમાંથી મુક્તિ અપાવી. કાનુડાના મિત્ર તો ગોકુળમાં બધા જ બાળગોવાળો હતા, પરંતુ સુદામા પ્રત્યે તેમને વિશેષ પ્રેમ હતો. તેમણે સુદામાને ગરીબ વ્યક્તિમાંથી વૈભવશાળી વ્યક્તિ બનાવવામાં કોઈ કસર બાકી ન રાખી.

ગીતા ઉપદેશ

મહાભારતનું યુદ્ધ થવાનો સમય નજીક આવી રહ્યો હતો. ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પત્ની દ્રૌપદીને જુગારમાં હારી ગયા હતા. ભરી સભામાં દુર્યોધન અને દુઃશાસન જ્યારે દ્રૌપદીનું ચીર હરણ કરવા લાગ્યા ત્યારે દ્રૌપદીની પ્રાર્થના પર જનાર્દને ચીર પૂરીને તેની રક્ષા કરી. મહાભારતના યુદ્ધ મેદાનમાં અર્જુને જ્યારે શસ્ત્રો નીચે મૂકી દીધાં ત્યારે શ્રીકૃષ્ણએ તેમને ગીતા ઉપદેશ આપ્યો. ઉપદેશ આપવા માટે શાંત જગ્યા જોઈએ, પરંતુ શ્રીકૃષ્ણ એ જગ્યાએ અર્જુનને જ્ઞાન આપી રહ્યા હતા જ્યાં અઢાર અક્ષૌહિણી સેનાના કોલાહલને કારણે કંઈ સંભળાઈ શકે તેમ ન હતું. શ્રીકૃષ્ણએ પોતાનું વિરાટ સ્વરૂપ બતાવીને અર્જુનનો મોહભંગ કર્યો. જે રીતે ઉદ્ધવમાં જ્ઞાન હતું, પરંતુ ભક્તિ ન હતી. તે જ રીતે અર્જુનમાં ભક્તિ હતી, પરંતુ જ્ઞાન ન હતું. ગીતાનો ઉપદેશ આપીને તેમણે મોહગ્રસ્ત અર્જુનને યુદ્ધ લડવા માટે તૈયાર કર્યો. ભગવાને કહ્યું કે જે મને જે રીતે યાદ કરે છે, હું તે જ પ્રકારે તે ભક્તનું ભજન કરું છું.

નિજધામ પ્રસ્થાન લીલા

પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના અંતિમ નિજધામ પ્રસ્થાનલીલા ગુજરાતના સોમનાથ નજીક આવેલા ભાલકા તીર્થ સાથે સંકળાયેલી છે. આ જગ્યાએ એક ગુફા છે પૌરાણિક કથા પ્રમાણે શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામજી આ ગુફામાં અદૃશ્ય થઈ ગયા હતાં અને નિજધામ ચાલ્યા ગયા હતાં. બલરામજીની વિદાય પછી શ્રીકૃષ્ણ એક પીપળાના વૃક્ષ નીચે શૂન્યમનસ્ક બનીને ગાંધારીના શાપ અને યાદવોના વિનાશનો વિચાર કરતાં હતાં. સ્વધામ ગમનનો સમય થઈ ગયો છે તેમ વિચારીને પોતાનું જમણું ચરણ ડાબા ચરણના સાથળ પર રાખ્યું હતું. એવામાં ત્યાં જરા નામનો પારધી આવ્યો. ભગવાનના ચરણમાં અંકિત તેજસ્વી ચિહ્નને મૃગની આંખ સમજીને બાણ માર્યું, પરંતુ વાસ્તવિકતાની જાણ થતાં જરા વ્યથિત થઈ ગયો. ત્યારે શ્રીકૃષ્ણએ જરાને સમજાવ્યું કે આમાં તારી કોઈ ભૂલ નથી. મારી ઇચ્છાથી બાણ વાગ્યું છે, તેમાં તારો કોઈ અપરાધ નથી. ત્યારબાદ ભગવાન મૃત્યુ પામ્યા અને નિજધામ સિધાવ્યા.                   

બ્રહ્માંડ દર્શન

બાળલીલા અંતર્ગત શ્રીકૃષ્ણ એક વાર માટી ખાઈ ગયા. દાઉએ યશોદામાતાને કહી દીધું. માતાએ ઠપકો આપવાની સાથે મોં ખોલવા માટે કહ્યું. પહેલાં તો તેમણે મોં ખોલવાની ના પાડી, તેનાથી એક વાતની ખરાઈ થઈ ગઈ કે ખરેખર શ્રીકૃષ્ણએ માટી ખાધી છે. છેવટે માતાની જિદ્દને કારણે તેમણે પોતાનું મોં ખોલ્યું. શ્રીકૃષ્ણએ પોતાના મુખમાં માતા યશોદાને સંપૂર્ણ બ્રહ્માંડનાં દર્શન કરાવ્યાં.

ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો

સાત વર્ષની ઉંમરમાં શ્રીકૃષ્ણએ ઇન્દ્રપૂજાનો વિરોધ કર્યો, તેથી ઇન્દ્રએ ક્રોધમાં આવીને જળબંબાકાર કરી દીધો. શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી ઉપર ઊંચકી લીધો અને બધા જ ગોકુળવાસીઓ પર્વત નીચે આવી ગયા. સતત સાત દિવસ તેમણે પર્વત ઊંચકીને ઇન્દ્રના પ્રકોપથી ગોકુળવાસીઓની રક્ષા કરી. આ રીતે તેમણે દેવરાજ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com