મોરબી તા.૮
મોરબીમાં સર્વોદય એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાં ટ્રસ્ટીમંડળે સસ્પેન્ડ કરેલા પ્રિન્સીપાલને પરત ફરજ પર લેવાના મુદે વિધાર્થીઓનું આંદોલન આઠમાં દિવસમાં પ્રવેશ્યુ હતુ અને આજે પણ વિધાર્થીઓ આજે પણ શિક્ષણથી અળગા રહેતા આઠમાં દિવસે કોલેજનું શિક્ષણકાર્ય ઠપ્પ રહ્યું હતુ વિધાર્થી સંગઠને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતી અને ગ્રામ્યવિકાસ મંત્રીને રૂબરૂ લેખીતમા રજુઆત કરીને પ્રિન્સીપાલને પરત ફરજ પર લેવાની માંગણી કરી હતી.
- સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતી અને ગ્રામ્યવિકાસ મંત્રીને આવેદન અપાયું
- વિધાર્થીઓનું આંદોલન આઠમાં દિવસમાં પ્રવેશ્યુ :શિક્ષણકાર્ય ઠપ્પ
સર્વોદય એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત મોરબીની મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.પી.કે.પટેલને ટ્રસ્ટી મંડળે ગેરશીસ્ત અને ગેર વર્તુણુંક બદલ સસ્પેન્ડ કરી દીધાના મામલે પ્રિન્સીપાલ અને ટ્રસ્ટી મંડળે કોલેજના નાણાકીય વહીવટ બાબતે એકબીજા પર કાદવ કીચડ ઉછાળ્યા બાદ પ્રિન્સીપાલને પરત ફરજ પર લેવા માટે સાયન્સ કોલેજના વિધાર્થીઓ ટ્રસ્ટીમંડળ સામે જંગે ચડયા છે. જેમા મોરબી માળીયા વિધાર્થી સંગઠનના નેજા હેઠળ કોલેજના ૪૦૦ થી વધુ વિધાર્થીઓ છેલ્લા સાત દિવસથી શિક્ષણથી અળગા રહી તાળાબંધી, કોલેજબંધી, બાઈક રેલી, ડે.કલેકટરને આવેદન સહીતના જલદ આંદોલનાત્મક કાર્યક્રમ આપીને લડત ચલાવી હોવા છતા પણ ટ્રસ્ટીમંડળે નમતુ જોખ્યુ નથી.
આથી વિધાર્થીઓએ જયાં સુધી પ્રિન્સીપાલને પરત માનભેર ફરજ પર નહી લેવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો અડગ નિર્ણય વ્યકત કર્યો છે અને આ આંદોલન આજે આઠમાં દિવસમાં પ્રવેશ્યુ હતુ. આજે પણ વિધાર્થીઓ શિક્ષણથી અળગા રહીને ટ્રસ્ટીમંડળના નિર્ણયને ગેરવ્યાજબી ગણાવીને વિરોધ કર્યો હતો. તેમજ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતી અને ગ્રામ્યિવકાસ મંત્રીને વિધાર્થીઓ લેખીતમાં રજુઆત કરીને પ્રિન્સીપાલને પરત ફરજ લેવાની માંગણી કરી હતી.
તે ઉપરાંત આગામી દિવસોમા ગાંધીનગર શિક્ષણમંત્રી સમક્ષ રૂબરૂ રજુઆત કરવા જવાના હોવાનું જાણવા મળ્યુ છે. સાયન્સ કોલેજમાં સતત આઠમાં દિવસે શિક્ષણ કાર્ય ઠપ્પ થઈ ગયુ હોવાથી આ મુદો ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતા શિક્ષણ વિદો માટે ચીંતાનો વિષય બની ગયો છે.