હોલિવૂડ હેપનિંગ
હોલિવૂડ કલાકારોની ફિલ્મી દુનિયા પછીની બીજી એક દુનિયા છે, ચેરિટીની દુનિયા. એન્જેલીના જોલીથી લઈને બ્રાડ પિટ સુધી તમામ કલાકારો તેની આવકનો અમુક હિસ્સો દાનમાં આપે છે. તાજેતરમાં જ પેરિસ હિલ્ટને એક અનોખું દાન કરીને બધાંને ચોંકાવી દીધાં. પેરિસ વિશે હાલમાં મીડિયામાં ઘણું ખરાબ છપાઈ રહ્યું હતું, ત્યાં તેણે આ કારનામું કરીને પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. વાત એમ હતી કે માઇક ઓલિવેરી કરીને તેનો એક મોટો ફેન છે અને તે સ્નાયુઓનાં દર્દથી પીડાતો હતો.
જ્યારે તે તેના ઇલાજ માટે થેરપી કરાવા ગયો તો ત્યાં પેરિસ હિલ્ટન તેને મળી. માઇક ઓલિવેરીની સ્ટોરી સાંભળીને પેરિસે તેનું બિલ ભરી આપ્યું અને તેને મેડિકલ ઇલાજ માટે ૫,૦૦૦ ડોલરનો ચેક લખી આપ્યો. આલિવેરીએ એક પોસ્ટર પર લખ્યું હતું કે, હું માનતો હતો કે તે સ્વિટ વ્યક્તિ છે, આજે હું તેનો સારો દોસ્ત બની ગયો છું. તેણે મને ૫,૦૦૦ ડોલર આપીને હકીકતમાં મારી જિંદગી બચાવી છે. હું તેને માત્ર આઇ લવ યુ કહીશ, થેન્ક યુ સો મચ. મીડિયા ગમે તે કહે, પણ પેરિસ ઇન્ક્રિડિબલ પર્સન છે તેમ તેણે લખ્યું હતું. વાત હકીકત છે, તો આપણે પણ પેરિસને થેન્ક્સ તો કહેવું જ પડે!
કિંગ માર્ટિન લ્યુથરને પડદા પર જીવંત કરશે હ્યુજ જેકમેન
હોલિવૂડ સુપરસ્ટાર હ્યુજ જેકમેનને અત્યાર સુધી બધાએ સુપર હીરો તરીકે જોયા છે. તેમણે એક્શન ફિલ્મો ઉપરાંત પ્રણય અને ઐતિહાસિક ફિલ્મો પણ કરી છે. જેકમેન હવે એક નવી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે, જે કિંગ માર્ટિન લ્યુથરના જીવન પર છે. અત્યારે તે ફિલ્મનો બેઝ તૈયાર કરી રહ્યા છે. જાણકારી મુજબ આ ફિલ્મનું દિગ્દર્શન ઓસ્કર નામાંકિત ફિલ્મ 'પ્રિસિય્સ' ફેમ લી ડેનિયલ્સ કરશે. જેકમેન અત્યારે તેમની સાથે ફિલ્મની વાર્તા અને તેના લે-આઉટ પર કામ કરી રહ્યા છે. અહેવાલ પ્રમાણે ફિલ્મનું નિર્માણ મિલેનિયમ ફિલ્મ્સ કરશે. ડિસ્ટ્રીબ્યુટર તરીકે કોણ છે તેની જાણકારી મળી નથી. ફિલ્મમાં કલાકાર કોણ છે તે હજી સુધી કંઈ નક્કી નથી થયું, પણ જેકમેન આ ફિલ્મને બનાવશે તે નક્કી છે. હાલમાં જેકમેને માઇકલ ગ્રેસીની 'ધ ગ્રેટેસ્ટ શો-મેન ઓન અર્થ' સાઇન કરી છે. આ ફિલ્મ અમેરિકન શો-મેન પી.ટી.બર્નમના જીવન પર છે. જેકમેનની ફિલ્મો એક એકથી ચડિયાતી જ હોય છે. જોઈએ તે કિંગ માર્ટિન લ્યુથરના જીવન પર કેવી ફિલ્મ બનાવે છે!