આપણે સમયને ક્યારેય જાણતા નથી અને તે ક્યારે કોના માટે શું બનીને આવે છે તે કહેવું મુશ્કેલ છે. તેવું જ 'સરફરોશ'માં એક નાનકડી ક્રિમિનલની ભૂમિકા ભજવનાર નવાઝુદ્દીન સિદ્દકી સાથે થયું છે. ત્યાર પછી તેમણે ઘણી ફિલ્મોમાં નાનકડી ભૂમિકા કરી, પણ કોઈનું ધ્યાન તેમના તરફ ગયું નહીં. ફરીથી આમિર ખાને તેમની ફિલ્મ 'પીપલી લાઇવ'માં તેમને રોલ આપ્યો, પણ 'કહાની' ફિલ્મે તેમને એક ઓળખ આપી.
'ગેંગ્સ ઓફ વાસેપુર'માં ધમાલ પર્ફોર્મન્સ આપીને નવાઝ બોલિવૂડમાં છવાઈ ગયા. હવે તો તેમણે 'ગેંગ્સ ઓફ વાસેપુર-૨'માં લીડ રોલ કરીને તેમની કાબેલિયત બતાવી આપી. 'ગેંગ્સ ઓફ વાસેપુર-૨'માં તેમને મળેલ પ્રતિસાદ તેમની ઉજ્જ્વળ કરિયરની રેખા બતાવે છે. તેમની પાસે તેનાથી પણ મોટી ફિલ્મ છે અને તે છે આમિર ખાનની 'તલાશ'. નવાઝને આમિર ખાન સાથે કામ કરવા મળતાં તે ખુશીને સમાવી નથી શકતા અને તેમણે કહ્યું હતું કે, 'પીપલી લાઇવ' વખતે જ મને આમિર સરે 'તલાશ' અપાવી હતી. મેં તેમને ક્યારેય 'સરફરોશ' વિશે કહ્યું જ નહોતું અને જ્યારે મેં તેમને તે વાત કરી તો તેમણે મારી સાથે લાંબા સમય સુધી વાત કરી. તેમની સાથે વાત કરતી વખતે મને સમજાયું કે તમારી સખત મહેનત તમને ક્યાં લઈ જઈ શકે છે!