Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 07:53:00 PM IST
 

સૌંદર્યની અજાયબી ધરાવતી ઐશ્વર્ય નિખાર : મધુબાલા

Aug 09, 2012 Supplements > Cine Sandesh
 
Tags:   Madhu Bala Hindi Cinema comment     E-Mail     Print    
 
Viewed: 7288
Rate: 4.8
Rating:
Bookmark The Article

100 YEARS CINEMA

ભારતીય સિનેમાને કુદરત તરફથી જો કોઈ અમૂલ્ય ભેટ મળી હોય તો તે છે મધુબાલા. તેના અભિનયમાં એ જાદુ હતો કે તેનું રૂપ પણ તેની સામે ઝાંખું પડતું.

ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન દિવસ, પ્રેમનો દિવસ. આ દિવસે ૧૯૩૩માં અફઘાન પઠાણ ફેમિલીમાં એક રૂપનું દર્પણ નીખર્યું હતું, મુમતાઝ જહાન બેગમ ડેહલાવી. ભગવાને પ્રકૃતિના સૌંદર્યને જેટલી સુંદરતા આપી છે તેટલી જ આ છોકરીમાં ઊભરી હતી. જેને દુનિયામાં રૂપ મળ્યું છે તેણે દુનિયાને શોભિત કરી છે અને યુગો યુગોથી સૌંદર્યને કલા સાથે જોડાણ છે. ભગવાન ઇન્દ્રનો દરબાર હોય કે રાવણની લંકા તેની શોભા તો અપ્સરા જ ગણાતી. એવું જ ભારતીય સિનેમા સાથે થયું. એવું નહોતું કે ત્યારે ફિલ્મોની હિરોઇનો ખૂબસૂરત નહોતી, પણ મધુબાલા એ ખુદાએ કરેલી મનુષ્યની ઉત્તમ સૌંદર્ય રચના હતી.

પ્રિયતમ મધુબાલા

જેને પૂરી દુનિયાને પોતાની દીવાની બનાવવી હતી, તે મુમતાઝે ૧૯૪૨માં નવ વર્ષની ઉંમરે ફિલ્મ 'બસંત'માં બાળ કલાકારનો રોલ કર્યો. તેના પ્રતિભાશાળી પર્ફોર્મન્સથી દેવિકા રાણી એટલા ખુશ થઈ ગયાં કે તે છોકરીને તેમણે મધુબાલા નામ આપ્યું. મધુબાલાને ફિલ્મમાં લીડ રોલમાં પ્રથમ બ્રેક કિદર શર્માએ 'નીલકમલ'માં રાજ કપૂર સામે અપાવ્યો હતો. ત્યારે તેમની ઉંમર માત્ર ચૌદ વર્ષની જ હતી.

ફિલ્મને બોક્સ ઓફિસ પર ખાસ સફળતા નહોતી મળી, પણ ભારતના સિને પ્રેમીઓમાં એક નામ વસી ગયું હતું મધુબાલા. તેમનું રૂપ તો સાક્ષાત્ કુદરતનું દર્પણ જ હતું અને તેમાં ઉમેરાયો તેમનો ઉત્તમકક્ષાનો અભિનય. ઉંમર થોડી નાની હતી એટલે તેમણે બે વર્ષ સુધી પોતાની સુંદરતા અને અભિનયને પરિપક્વ બનાવ્યો. અશોક કુમાર પણ આ સૌંદર્યમાં અંજાઈ ગયા અને ૧૯૪૯માં પોતાની ફિલ્મ 'મહલ'માં મહત્ત્વની ભૂમિકા આપી. આ ફિલ્મથી મધુબાલાને પુષ્કળ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ અને ભારતની સૌથી મોટી હિરોઇન બનવા જઈ રહી હતી.

ધી બિગેસ્ટ સ્ટાર ઇન ધ વર્લ્ડ

તેમના રૂપમાં અભિનય સોળે કળાએ ખીલી ઊઠયો હતો. આ મધુમતી જેવા રૂપની સુગંધ હોલિવૂડ સુધી પ્રસરી ચૂકી હતી. મધુબાલાને પણ હોલિવૂડ ફિલ્મો કરવામાં રુચિ હતી. ત્યારે પ્રથમ વખત એવું બન્યું હશે કે વિશ્વપ્રસિદ્ધ અમેરિકન મેગેઝિન 'થિયેટર આર્ટ્સે' કોઈ ભારતીય કલાકારને આટલી હાઇપ આપી હોય. ૧૯૫૨ના મેગેઝિનના ઇસ્યુમાં મધુબાલાની આખા પાનામાં ફોટા સાથે વિસ્તૃત માહિતી છાપી હતી. આ લેખનું શીર્ષક હતું 'ધ બિગેસ્ટ સ્ટાર ઇન ધ વર્લ્ડ (એન્ડ શી ઇઝ નોટ ઇન બેવરલી હિલ્સ)'. આ અરસા દરમિયાન છ ઓસ્કર વિજેતા દિગ્દર્શક ફ્રેંક કાપરા ભારત આવ્યા અને તેમણે મધુબાલાને હોલિવૂડ ફિલ્મ કરવા માટે દરખાસ્ત કરી, પરંતુ મધુબાલાના પિતાએ તેનો ઇન્કાર કર્યો અને તેમણે હોલિવૂડ તરફ જવાનો રસ્તો જોવાનું જ બંધ કરી દીધું.

સ્ટારડમ પાવર

મધુબાલાના પરિવારની આર્િથક સ્થિતિ નબળી હોવાથી તેમણે શરૂઆતનાં ચાર વર્ષમાં જ ચોવીસ જેટલી ફિલ્મો કરી નાખી. તેમની કોઈ પણ ફિલ્મો સ્વીકારવાની બેદરકારીને તેમના ટીકાકારોએ ખૂબ વખોડી હતી. તેમને હવે કોઈ એવી ફિલ્મ કરવી હતી જે તેમને ઉચ્ચ દરજ્જો આપે અને તે માટે તેમણે ૧૯૫૪માં બિમલ રોયની 'બિરાજ બહુ' મેળવવા મરણિયો પ્રયાસ કર્યો. બિમલ રોયને એમ હતું કે મધુબાલાની ફિલ્મોમાં ફી બહુ હોય છે અને તે તેના બજેટમાં નથી એટલે મધુબાલાને ના લેતાં તેમણે કામિની કૌશલને લીધી.

મધુબાલાએ ત્યારે કહ્યું હતું કે જો બિમલ રોયે મને કહ્યું હોત તો આ ફિલ્મ હું એક રૂપિયામાં પણ કરવા તૈયાર હતી. ફિલ્મ ના મળી, પણ મધુબાલાનું સ્ટારડમ અવિરત રહ્યું. એ સમયના કોઈ એવા સુપરસ્ટાર નહીં હોય કે જે મધુબાલા સાથે કામ કરવાની રાહ ના જોતા હોય. અશોક કુમાર, રાજ કપૂર, પ્રદીપ કુમાર, શમ્મી કપૂર, દેવ આનંદ અને દિલીપ કુમાર આ તમામ વિખ્યાત કલાકારો મધુબાલાની ફિલ્મોના સહ કલાકારો રહી ચૂક્યા છે. તેમણે ઘણી બ્લોકબસ્ટર અને અમર ફિલ્મો આપી છે, પણ 'મુઘલ-એ-આઝમ' ભારતના ઇતિહાસની શ્રેષ્ઠ ફિલ્મ બની. આજે પણ અનારકલીનો રોલ મધુબાલાના નામે જ છે. ના તે પહેલાં કોઈ કરી શક્યું છે અને ના કોઈ કરી શકશે.

એક ફૂલ અનેક માળી

જ્યારે ફૂલ રંગબેરંગી અને એલૌકિક હોય તો સ્વાભાવિક છે કે તેની પાછળ ભમરાની લાઇન થવાની જ. મધુબાલા સાથે લગ્ન કરવા માટે ભારત ભૂષણ, પ્રદીપ કુમાર અને કિશોર કુમારે પ્રસ્તાવના મૂકી હતી. દિલીપ કુમારનો પ્રેમ તો અલગ જ. મધુબાલાએ તેમાંથી કિશોર કુમારની પસંદગી કરી. પતિ તરીકે કિશોર કુમાર તેમના દીવાના હતા, પણ તેમને દિલીપ કુમારે બેહદ પ્રેમ કર્યો હતો. દિલીપ કુમાર તેમની ફિલ્મોમાં મધુબાલાને લેવા અંત સુધી પ્રયત્નો કરતા. દિલીપ કુમાર અને મધુબાલાનો પ્રેમ ભારતીય સિનેમામાં આજે પણ અમર છે.

ગુડ બાય જિંદગી

મધુબાલાને નાની ઊંમરથી જ માંદગી હતી. ૧૯૫૦માં હ્ય્દયમાં કાણું હતું તેવું બહાર આવ્યું હતું. મધુબાલાએ આ વાતને છુપાવી રાખી હતી. ૧૯૬૦માં તેમની તબિયત વધુ લથડતાં લંડનમાં સારવાર લીધી હતી. ત્યારે જ ડોક્ટરે જણાવી દીધું હતું હ્ય્દયમાં કાપો પડી ગયો છે અને ઓપરેશન કરવાની ના પાડી હતી. ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી, પણ મધુબાલા ફરીથી ફિલ્મ કરવા તૈયાર થયા અને ૧૯૬૬માં રાજ કપૂર સાથે 'ચાલાક'માં કામ કરવાનો પ્રયત્ન કર્યો. ફિલ્મમાં ફરીથી તબિયત લથડતાં આ ફિલ્મ ના બની શકી.

અભિનય કરવો શક્ય ના લાગતાં તેમણે દિગ્દર્શક તરીકે ધુરા સંભાળવાનું નક્કી કર્યું અને ૧૯૬૯માં 'ફર્ઝ ઔર ઇશ્ક'નામની ફિલ્મ શરૂ કરી. એ ફિલ્મ ક્યારેય ના બની. કેમ કે, ફિલ્મના પહેલા તબક્કા પહેલાં જ મધુબાલાએ આ દુનિયાને છોડી દીધી હતી. ૧૯૬૦માં આવેલ મૃત્યુને પડકાર ફેંકીને બીજા નવ વર્ષ સુધી વધુ જીવ્યાં. ૩૬ વર્ષની જિંદગીમાં તેમણે વિશ્વભરમાં પોતાની નામના અંકે કરી લીધી હતી. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૬૯ના દિવસે મધુબાલાએ દેહ ત્યાગ કર્યો, પણ લોકોના દિલોમાં તેઓ તેમની ફિલ્મો થકી કાયમી અમર રહી ગયા. ઘણી હિરોઇનોએ મધુબાલા બનવનો પ્રયત્ન કર્યો પણ ત્યાં આજ સુધી કોઇ નથી પહોંચી શક્યું. 

vekariadivyesh@gmail.com
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com