ભારતમાં લોકોને પ્રથમ વખત પડદા પર જે ચિત્ર ફિલ્મ સ્વરૂપે જોવા મળ્યું તે રાજા હરિશ્ચંદ્રની જીવન ગાથા પરની ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' હતી. જે ભારતીય ફિલ્મોના પિતા દાદા સાહેબ ફાળકેએ બનાવી હતી. કેમ આપણે ત્યાં કોઈ એવી ચોરી, ક્રાઇમ કે લૂંટફાટની ફિલ્મ ના બની ને શરૂઆત ધાર્મિક ફિલ્મોથી જ થઈ? કારણ માત્ર એટલું જ હતું કે ભારતના લોકોની શ્રદ્ધા કાયમી ભગવાન અને તેના ભક્તો સાથે જોડાયેલી રહી છે. શરૂઆતનાં દસ-પંદર વર્ષની ફિલ્મો જોજો. તેમાં મોટાભાગની ફિલ્મો ધાર્મિક હતી. ફિલ્મ હોય કે નાટક, જો તેમાં ધર્મ આવે તો હિન્દુ દેવોમાં ભગવાન કૃષ્ણ અવશ્ય દર્શન આપે જ. ભગવાન કૃષ્ણની લીલા હોય કે તેમણે આપેલ જ્ઞાન, તે તમામ વિષયો પર ઘણી ફિલ્મો બની છે અને ભવિષ્યમાં બનશે પણ ખરી. જોકે ફિલ્મો કરતાં ટેલિવિઝનનાં પડદે ભગવાન શ્રી કૃષ્ણ વધુ ખિલ્યા છે...
આજે તો દેવોના દેવ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, તો આજે ફિલ્મી દુનિયામાં પણ લટાર મારીએ કે ભગવાન કૃષ્ણનો ફિલ્મોમાં કેવો ચમત્કાર થયો છે. મહાભારતના યુદ્ધમાં ધર્મનું નેતૃત્વ કરનાર કૃષ્ણના જીવન પર ઘણી ફિલ્મો બની છે, પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ આપનાર પીટર બ્રુકે બનાવેલ 'ધ મહાભારત' છે. નવ કલાકના નાટકમાંથી છ કલાકની ટેલિવિઝન સિરિયલ બની અને ત્યારબાદ તેમાંથી ત્રણ કલાકની ફિલ્મ બનાવી જે ડીવીડી સ્વરૂપે રિલીઝ કરી હતી. આ ફિલ્મમાં કૃષ્ણનો રોલ બ્રુસ મેયર્સે કર્યો હતો. મહાભારતને ત્રણ કલાકમાં ન્યાય આપવો આસાન નથી. કેમ કે, તેમાં કોઈ એક વ્યક્તિલક્ષી વાત નથી, પણ પીટર બ્રુકે શ્રેષ્ઠ પ્રયાસ કરીને તેને ન્યાય આપ્યો છે. 'ધ મહાભારત'ને વિશ્વભરના એવોર્ડ સમારંભમાં બિરદાવવામાં આવી હતી અને પીટર બ્રુકને તેના માટે સારી વાહ વાહ મળી હતી, પણ દુઃખ એ વાતનું છે કે કૃષ્ણ પર ત્રણ કલાકની સારી ફિલ્મ ભારતમાં કોઈ ના બનાવી શક્યું. ફિલ્મો તો ભગવાન કૃષ્ણ ના જીવન પર સારી ના બની પણ ફિલ્મોમાં જન્માષ્ટમીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે. 'અગ્નિપથ' નવી અને જુની બન્નેમાં મટકી ફોડનો મસ્ત માહોલ ઉભો કરાયો છે.
બી.આર.ચોપરાની 'મહાભારત'માં શ્રી કૃષ્ણ
૧૯૮૮માં ભારતમાં ઘરે-ઘરે જે ધારાવાહિકને જોવા લોકો બેસી જતા તે ધરતી પરના ઇતિહાસનું સૌથી મોટું મહાકાવ્ય મહાભારતની કથાની ધારાવાહિક બી.આર.ચોપરાએ તૈયાર કરી હતી. એ સમયમાં ફિલ્મો હતી, પણ સિરિયલો નહોતી. ભારતમાં ટેલિવિઝનની ક્રાંતિ પાછળ 'રામાયણ' અને 'મહાભારત'ને યશ આપવો પડે. જો તે સમયે આ મહાકાવ્યો ના આવ્યાં હોત તો ભારતમાં ટી.વી. આવતા ઘણી વાર લાગત. સિરિયલોમાં કૃષ્ણની ભૂમિકામાં ઘણા કલાકારોએ કામ કર્યું, પણ નીતીશ ભારદ્વાજ તેમાં બેસ્ટ છે. લોકોએ આજ સુધી કૃષ્ણને ફોટામાં જ જોયા હતા અને જ્યારે બી. આર. ચોપરાએ 'મહાભારત'માં કૃષ્ણને એટલા અદ્ભુત રીતે રજૂ કર્યા કે લોકો ત્યારે તેને રીઅલમાં કૃષ્ણ તરીકે સ્વીકારવા લાગ્યા. આજે પણ નીતીશ ભારદ્વાજને લોકો નીતીશ તરીકે નહીં પણ કૃષ્ણ તરીકે ઓળખે છે.
રામાનંદ સાગરના ભગવાન શ્રી કૃષ્ણ
૧૯૮૭માં 'રામાયણ'ની અનન્ય લોકપ્રિયતા પછી રામાનંદ સાગરે એવા પાત્રને ટીવી પર જીવંત કરવાનું નક્કી કર્યું જે હતા ભગવાન શ્રીકૃષ્ણ. ૧૯૯૩માં 'ક્રિષ્ના' નામની ધારાવાહિક બનાવી. આજ સુધી ફિલ્મો કે સિરિયલો આવી હતી તેમાં એક પણ સિરિયલ એવી નહોતી જે માત્ર ભગવાન કૃષ્ણના જીવન પર હોય. આ સિરિયલ સંપૂર્ણ ભગવાન કૃષ્ણનાં જીવનદર્શન પર હતી. 'મહાભારત' અને 'રામાયણ' પછી સૌથી મોટી હિટ ધારાવાહિક 'ક્રિષ્ના' બની. સર્વદમન ડી. બેનર્જીએ અદ્ભુત રોલ કર્યો હતો અને લોકોએ તેમને પ્રેમથી સ્વીકાર્યા હતા. આ ધારાવાહિક અત્યંત રસપ્રદ અને વધુ સારી બની હતી. તેનું કારણ એ હતું કે ત્યારના સમયમાં ધીમે-ધીમે એડિટિંગ અને ઇફેક્ટમાં મોટા પાયે સુધારો થયો હતો. સૌથી મોટી વાત તો એ છે કે ૯૦ના દાયકાની સૌથી વધારે કમાણી કરાવનાર ધારાવાહિક પણ 'ક્રિષ્ના' જ હતી. વિશ્વભરમાં રિલીઝ થનારી ભારતની પ્રથમ સિરિયલોમાંની એક બની.
જય હો દ્વારકાધીશ શ્રી કૃષ્ણની!
લાંબા સમય બાદ ટેલિવિઝન પર ફરીથી નટખટ નંદલાલ કૃષ્ણને આધુનિક રૂપમાં યાદ કરાયા. ૨૦૦૯માં રામાનંદ સાગરના પુત્ર મોતી સાગરે સાગર આર્ટ્સના બેનર નીચે 'જય શ્રી ક્રિષ્ના' કરીને નવા રંગરૂપ સાથે સિરિયલ બનાવી. અત્યંત આધુનિક અને હાઈફાઈ રીતે બનાવવા છતાં આ ધારાવાહિક પહેલાં જેવો જાદૂ ના કરી શકી અને એક વર્ષમાં જ બંધ કરવામાં આવી. સિરિયલ ન ચાલવાનું કારણ એવું નહોતું કે લોકોને ધાર્મિક પ્રોગ્રામ જોવા નહોતા ગમતા, પણ સવાલ એ હતો કે કૃષ્ણ જેવો રોલ જે નીતીશ ભારદ્વાજ અને સર્વદમન ડી. બેનર્જી કરી ગયા તે આ સિરિયલમાં શરૂ જ ના થયો. અત્યાર સુધી બધાંએ ટીવી પર કૃષ્ણને મથુરા, વૃંદાવન અને કુરુક્ષેત્રમાં જ જોયા હતા, પણ ભૂષણ પટેલે 'દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ' નામની ધારાવાહિક બનાવી. જેમાં ભગવાને દ્વારકામાં રહીને જે કર્મો કર્યાં તેની વાત આલેખવામાં આવી હતી. પ્રમાણમાં આ સિરિયલને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જોકે આ સિરિયલ પણ એક વર્ષ જેટલી જ ચાલી હતી.
પ્રેમનો રસધાર
ફિલ્મોમાં ભગવાન કૃષ્ણને ખાસ રીતે તો પ્રેમ વખતે યાદ કરવામાં આવે છે. એવી તો અનેક ફિલ્મો છે જેમાં ગિરધર ગોપાલનાં દર્શન થયાં હોય, પણ 'લગાન' ફિલ્મમાં તો તેમને પ્રેમનો આધાર અને જીવનના પાલનહાર બતાવ્યા છે. આ જ ફિલ્મનું ગીત 'રાધા કૈસે ના જલે' ગોપીઓનો અને રાધાનો પ્રેમ વ્યક્ત કરે છે. તો તેમાં જ જ્યારે ગામ પર આફત આવે ત્યારે બધાં ભેગાં મળીને તેની ભક્તિ કરતાં કરતાં વિનંતી કરે છે 'ઓ પાલનહારે તોહરે બિન હમરા..'. 'જોધા અકબર'માં ગિરિધર ગોપાલને 'મન મોહના' કરીને યાદ કર્યા છે. 'હમ સાથ સાથ હૈ'માં ગોપીઓના નટખટ તરીકે 'મૈયા યશોદા યે તેરા કનૈયા' ગીતમાં યાદ કરાયા છે. ફિલ્મમાં જગતના તાત બનીને તેઓ અચૂક આવ્યા છે. એક વાતનું દુઃખ હજી એ છે કે આટલા મહાન પાત્ર માટે ભારતમાં કોઈ એવા દિગ્દર્શક ના બન્યા કે જેમણે ભવ્ય રીતે રજૂ કર્યા હોય.
વાત સાચી બને
બે-ત્રણ વર્ષ પહેલાં બોબી બેદીએ જાહેર કર્યું હતું કે તેઓ મહાભારત પર ફિલ્મ બનાવશે. ત્યારે વાત પ્રમાણે આ ફિલ્મનું દિગ્દર્શન મણિરત્નમ કરવાના હતા. વાત આગળ વધી નહોતી, પણ આમિર ખાને ત્યારે જરૂર કહ્યું હતું કે મને ફિલ્મમાં જો પડદા પર કોઈ પાત્ર ભજવવું ગમતું હોય તો તે છે ભગવાન કૃષ્ણ. એક મુલાકાતમાં આમિર ખાને પણ કહ્યું હતું કે આ વિષય પર તે જ ફિલ્મ બનાવવા માંગે છે, પણ તેના માટે મને ઓછામાં ઓછા દસ વર્ષ લાગે. કેમ કે, આ વિષયને ત્રણ કલાકમાં રજૂ કરવો સામાન્ય માણસનું ગજુ નથી.
જન્માષ્ટમી સ્પેશિયલ બોલિવૂડ સોંગ
મોહે પનઘટ પે - 'મુઘલ-એ-આઝમ' ૧૯૬૦
ગોવિંદા આલા રે આલા - 'બ્લફ માસ્ટર' ૧૯૬૩
તીન બત્તી વાલા ગોવિંદા આલા - 'મુકાબલા' ૧૯૬૯
શોર મચ ગયા શોર દેખો આયા માખણચોર - 'બદલા' ૧૯૭૪
યશોમતી મૈયા સે બોલે નંદલાલા - 'સત્યમ શિવમ સુંદરમ્' ૧૯૭૮
મચ ગયા શોર સારી નગરી રે - 'ખુદ્દાર' ૧૯૮૨
આલા રે ગોવિંદા - 'કાલા બાજાર' ૧૯૮૯
મોહે છેડો ના - 'લમ્હે' ૧૯૯૧
હર તરફ હૈ શોર આયા ગોકુલ કા ચોર - 'વાસ્તવ' ૧૯૯૯
ચાંદી કી ડાલ પર - 'હેલ્લો બ્રધર' ૧૯૯૯
રાધા કૈસે ના જલે - 'લગાન' ૨૦૦૧
કાહે છેડે મોહે - 'દેવદાસ' ૨૦૦૨