એકસ્ટ્રા કોમેન્ટ - અપૂર્વ દવે
ગરીબી રેખાની નીચે જીવતા ૬૦ લાખ પરિવારોમાંથી દરેકને રૂ. ૨૦૦ના ફ્રી ટોકટાઈમ સાથેનો ફ્રી મોબાઈલ હેન્ડસેટ આપવાની વિચારણા એક વખત રજૂ કર્યા બાદ દેખાડો કરવા માટે સરકારે તેવું કોઈ આયોજન નહીં હોવાનું કહ્યું છે. સરકાર લોકોની પ્રતિક્રિયા જાણવા ઇચ્છતી હશે એવું પ્રથમ દૃષ્ટિએ લાગે, પણ સરકારને લોકોની ક્રિયાઓ કે પ્રતિક્રિયાઓની કંઈ પડી નથી. તે યોજનાને પડતી મૂકવાનો વિચાર પડતો મુકાયો છે એવું કહી દીધા બાદ પણ સ્વતંત્રતા દિવસે વડા પ્રધાન તેની જાહેરાત કરે તો નવાઈ નહીં લાગે.
રૂ. ૭ હજાર કરોડના ખર્ચે 'હર હાથ મેં મોબાઈલ' આપવાની વાત કર્યા બાદ સરકારે હવે એક નવી યોજના રજૂ કરી છે. પ્રાપ્ત વિગત મુજબ સરકાર ગરીબી રેખાની નીચે જીવતા (બીપીએલ) પરિવારોમાંના માનસિક બીમારીઓના અને ડાયાબિટીસના દર્દીઓને સરકારની સાદી તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર આપવાનો નિર્ણય સરકારે લીધો છે. ગરીબોને કેન્સર જેવી ગંભીર બીમારીઓની સારવાર માટે નાણાકીય સહાય કરવાની રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજના હેઠળ હવે માનસિક બીમારીઓને અને ડાયાબિટીસને પણ આવરી લેવાઈ છે. ડિપ્રેશન, વ્યગ્રતા તથા વ્યક્તિત્વની સમસ્યાઓ જેવી માનસિક બીમારીઓ ધરાવતા તમામ બીપીએલ દર્દીઓને સારવાર માટે એક લાખ રૂપિયાની એક વખતની ગ્રાન્ટ (અનુદાન) આપવામાં આવશે. જ્યાં એક લાખ કરતાં વધારે ખર્ચ થવાની શક્યતા હશે તે કિસ્સા આરોગ્ય સેવાના મહાનિદેશકના વડપણ હેઠળની નિષ્ણાત સમિતિને સોંપવામાં આવશે. આ યોજના જાહેર કરતી વખતના માહિતીપત્રકમાં સરકારે કહ્યું છે કે, દેશની સાત ટકા વસતી માનસિક બીમારીઓ ધરાવે છે.
સંખ્યાની દૃષ્ટિએ આંકડો ૧૩ કરોડ સુધી પહોંચે છે. આમાંથી ૯૦ ટકા દર્દીઓની સારવાર કરી શકાતી નથી, કારણ કે દેશમાં દર ચાર લાખની વસતી દીઠ માત્ર એક મનોચિકિત્સક છે. જરૂરિયાતમંદ દર્દીઓને આર્િથક મદદ કરવા માટે એઈમ્સ, સફ્દરજંગ હોસ્પિટલ જેવી હોસ્પિટલોના તબીબી અધીક્ષકો પાસે રૂ. ૧૦ લાખથી રૂ. ૪૦ લાખ સુધીની રકમ રાખવામાં આવશે. આ વિષયે કેન્દ્રીય આરોગ્યપ્રધાન ગુલામ નબી આઝાદ કહે છે કે, પ્રાથમિક આરોગ્ય સેવાના ડોક્ટરો જે દર્દીઓને તપાસે છે તેમાંથી લગભગ ૨૦ ટકા દર્દીઓને એક અથવા વધારે માનસિક બીમારી હોય છે. દર ચારમાંથી એક પરિવારમાં ઓછામાં ઓછી એક વ્યક્તિને માનસિક સારવારની જરૂર હોય છે. આવામાં ભારતમાં હજી લગભગ ૮ હજાર મનોચિકિત્સકો, ૧૭ હજાર ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, ૨૩ હજાર સાયકિયાટ્રિક સોશિયલ વર્કર અને ૯ હજાર સાયકિયાટ્રિક નર્સીસની કમી છે.
સામાન્ય માણસોએ સરકાર પાસેથી શીખવું હોય તો કોઈપણ વસ્તુની તેની રજૂઆત જોવી જોઈએ. તે જ્યારે પણ કોઈ યોજના પ્રસ્તુત કરે ત્યારે તેની પાછળના તેના તર્ક એકદમ સજ્જડ હોય છે. તે યોજનાની જરાય જરૂર નથી એવું તમે જરાય કહી શકો નહીં. જો તમે ના કહો તો દેશદ્રોહી કહેવાઓ એટલી હદે તે યોજનાની વિગતોની સમજૂતી આપવામાં આવતી હોય છે. વિપક્ષો ભલે પોતાના રાજકીય સ્વાર્થ ખાતર તેનો વિરોધ ન કરે, પણ આમઆદમીને જોતાં આપણે સરકારની આ યોજનાનો તર્કબદ્ધ રીતે વિરોધ કરવો રહ્યો. જો મનોચિકિત્સકો જ ઓછા હશે તો દેખીતી વાત છે કે, ફક્ત પૈસા દીધે સારવાર થશે નહીં. સરકાર એક કે દોઢ લાખને બદલે પાંચ લાખ કે દસ લાખ આપશે તો પણ કોઈ મનોચિકિત્સક મોટા શહેરની પોતાની પ્રેક્ટિસ છોડીને નાના શહેરમાં જશે નહીં અને સરકારે પોતે કહ્યું છે કે, ફક્ત મનોચિકિત્સકો નહીં, તેમની સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયીઓની પણ અછત છે. આથી સરકારે સારવાર માટે પૈસાને બદલે ડોક્ટર ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. સરકારી નિયમો અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ભૂલભરેલી નીતિને લીધે આજની તારીખે દરેક તબીબી શાખામાં અનુસ્નાતક અભ્યાસ કરાવવા માટેના પ્રાધ્યાપકોની કમી છે અને વિદ્યાર્થીઓને તેમની ઇચ્છા મુજબનો અભ્યાસ કરવાની તક મળતી નથી.
સરકારે ઉક્ત યોજનામાં ડાયાબિટીસની સારવારને પણ સમાવિષ્ટ કરી છે. આજકાલ નાનાં બાળકને પણ ખબર છે કે, એક સમયના રાજરોગે આજે દેશભરમાં રોગચાળાનું સ્વરૂપ ધારણ કર્યું છે. જો કે, તેમાં આપણો તર્ક એવો છે કે, તેની સારવાર માટે પૈસા કરતાં યોગ્ય માર્ગદર્શનની વધારે જરૂર છે. વગર પૈસે અથવા ઓછા પૈસે પણ તેનો અસરકારક ઇલાજ કરી શકાય છે.
ઉક્ત બંને પ્રકારની બીમારીઓ થવાનું કારણ વર્તમાન સમયની કપરી સ્થિતિ છે. લોકોને બે છેડા સાંધવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. મોંઘવારીમાં અન્નનાં અને પોષક પદાર્થોનાં ફાંફાં પડે છે ત્યારે તબીબી સારવાર કરાવવાની તો બાજુએ રહી. આથી સરકારે જો કંઈ કરવું હોય તો લોકોની હાલાકી ઓછી થાય અને ખરા અર્થમાં લોકોને દેશના વિકાસનો લાભ મળે એવાં પગલાં ભરવાં જોઈએ. બીપીએલ પરિવારોને મોબાઈલ અને મફત સારવારની જરાય જરૂર નથી. આ દેશના છેવાડાના માણસને જો કંઈ આપવું હોય તો સારો ખોરાક, સારું શિક્ષણ અને જરૂર પડયે સારી સારવાર આપી શકે એવું સરકારી તંત્ર આપો અને આ બધું કામ હાલની યોજનાઓ મારફતે પણ થઈ શકે છે. એમ તો સરકાર ટી.બી. માટે પણ મફત સારવાર આપે છે અને દર્દી દવાખાને ન આવે તો તેના ઘરે જઈને દવા આપવાની વ્યવસ્થા છે. છતાં દેશમાં આ બીમારીનો બોજ ઘટયો કેમ નથી ? ટી.બી.ના દર્દીને દવા લીધા બાદ દૂધની જરૂર પડે છે તે કોણ પૂરી કરશે ? પેટમાં ખાડો પડયો હોય તો મગજ ઠેકાણે રહેતું નથી અને એ ખાડા માટે ભ્રષ્ટ નેતાઓ જવાબદાર છે એવું ખબર હોવાથી પેટની સાથે સાથે કાળજું પણ બળે છે અને દરેક પ્રકારની બીમારી લાગુ પડવાનું જોખમ વધી જાય છે. અત્યારે તો દેશ માટેની સૌથી મોટી બીમારી ભ્રષ્ટાચાર છે. તેને દૂર કરવા માટેની યોજના સરકાર સમક્ષ પડેલી છે, પણ તેને તેની મંજૂરી મળતી નથી.