સુરત તા. ૯
ઓએનજીસીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કંપનીની ગુલામીમાંથી મુક્ત કરાવવા પરિવર્તનની લહેર દોડી છે. પરિવર્તન ટ્સ્ટના નેજા હેઠળ ગુરુવારે હજીરાથી નીકળેલી મહારેલીમાં માનવપ્રવાહ છલકાયો હતો.
- પખવાડિયામાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમોની ચીમકી
- અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી આક્રમક રજૂઆત
- હાથમાં રાષ્ટ્રધ્વજ અને દિલમાં ઝનૂન સાથે ૨૫૦૦૦ લોકો રસ્તા પર
કાંઠા વિસ્તારના રાજકીય આગેવાનો અને સરપંચોની શેહશરમ રાખ્યા વિના લોકો સ્વયંભૂ રેલીમાં જોડાયા હતા. પાંચ કિલોમીટર લાંબી વિરાટ રેલીમાં ૨૫૦૦૦થી વધુનો જનસૈલાબ ઊમટી પડયો હતો. રેલીને અંતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પખવાડિયામાં નિર્ણય નહીં આવે તો આશ્રર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.
વર્ષોથી ઓએનજીસી કંપનીમાં કામ કરતા કાંઠા વિસ્તારના ૬૩૨ કર્મચારીઓને બે દાયકા પછી પણ કાયમી કરવામાં આવ્યા નથી. કાયમી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચે સગો અને સાવકો વ્યવહાર થઇ રહ્યો છે તેવી ફરિયાદ ગ્રામવાસીઓ વર્ષોથી કરી રહ્યા છે. કંપનીના આ બેવડાં ધોરણો સામે જંગે ચઢેલા કર્મચારીઓના હિતમાં પરિવર્તન ટ્રસ્ટના નેજા હેઠળ આજે મહારેલી કાઢવામાં આવી હતી. રાજ્યના પૂર્વ નાણામંત્રી સનત મહેતાની રાહબરી અને પરિવર્તન ટ્રસ્ટના નેજા હેઠળ નીકળેલી મહારેલીમાં જંગી માનવમેદની ઊમટી હતી.
૩૫ કિલોમીટરના રૂટ ઉપરથી પસાર થયેલી આ અસાધારણ મહારેલી પાંચ કિલોમીટર લાંબી જોવા મળી હતી. વિવિધ ઝાંખીઓ સાથે નીકળેલી રેલીમાં કાંઠા વિસ્તારનાં ૫૪ ગામોના લોકો સ્વયંભૂ જોડાયા હતા. જેને કારણે આંદોલનકારીઓનો ઉત્સાહ બેવડાયો હતો. હજીરાથી શરૂ થયેલી રેલી ઇચ્છાપોર ચોકડી થઇ મગદલ્લા બ્રિજથી સુરત-ડુમસ રોડ ઉપર આવી હતી. ડુમસ રોડ ઉપર પીપલોદ, ઉમરા વાયા એસવીઆર કોલેજ થઇ પાર્લેપોઇન્ટથી ઘોડદોડરોડ તરફ વળી હતી. ત્યાંથી મજૂરાગેટ થઇ વનિતાવિશ્રામ ખાતે બપોરે બે કલાકે સંપન્ન થઇ હતી.
શાંતિમય અને શિષ્ટબદ્ધ નીકળેલી રેલીમાં કોઇ કાંકરીચાળો નહીં થાય તે માટે પરિવર્તન ટ્રસ્ટના સ્વયંસેવકો અને પોલીસ ખડેપગે જણાયા હતા. રેલીને અંતે આગેવાનોએ જિલ્લા કલેક્ટરે કચેરી જઇ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
નપાવટ સરપંચોએ ગામલોકોના વિશ્વાસનું ખૂન કરતા ચોમેરથી ફિટકાર
કોન્ટ્રાક્ટના નામે કંપનીઓની દલાલી કરતા અનેક ગામના સરપંચો આજે મહારેલીમાં ફરક્યા સુધ્ધાં ન હતા. રેલીમાં માત્ર કવાસના સરપંચ મયૂરી પટેલ અને તેમની તાલુકા પંચાયતની ટીમ તથા હજીરા કાંઠા વિસ્તાર મંડળીના પ્રમુખ ધનસુખ પટેલ જ દેખાયા હતા. હજીરાના રોહિત પટેલ, વાસવાના રાજુ પટેલ, દામકાના જયેશ પટેલ, ભટલાઇના પ્રવીણ પટેલ, મોરાના ભરત પટેલ, રાજગરીના ધનસુખ પટેલ, સુંવાલીના બાબુ આહીર, જૂનાગામના ભગુ પટેલ, ઇચ્છાપોરના યોગેશ પટેલ, બરબોધનના બાબુ પટેલ, મલગામાના કિશન પટેલ, ભેંસાણના નરેશ પટેલ અને ટેનાના જયેશ પટેલે ગામલોકોના વિશ્વાસનું ખૂન કર્યું હોવાનો રેલીમાં સૂર ઊઠયો હતો.
ગ્રુપ મીટિંગના દૌર વખતે આપણે સૌ સાથે જ હોવાનું આ તમામ સરપંચોએ જણાવ્યું હતું. જો કે છેલ્લી ઘડીએ આ તમામે પોત પ્રકાશ્યું હતું. જેને કારણે ગામવાસીઓ પણ તેમની બેધારી નીતિ ઓળખી ગયા હતા.
કોન્ટ્રાક્ટના કર્મચારીને ઇકવલ વર્ક - ઇકવલ પે આપવા આક્રમક રજૂઆત
અધિક કલેક્ટરને રજૂઆત કરતાં રાજ્યના પૂર્વ નાણામંત્રી સનથ મહેતાએ આક્રમક તેવર અખત્યાર કર્યા હતા. તેમણે તંત્ર સમક્ષ ઇકવલ વર્ક, ઇકવલ પેની માગણી કરી હતી. કાંઠા વિસ્તારના ગામલોકોએ કંપનીના હિતમાં ૯૦૦ એકર જમીન આપી દીધી છે. આમ છતાં ૨૨ વર્ષથી કંપનીમાં કામ કરતા કાંઠા વિસ્તારના કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા નથી.
કોન્ટ્રાક્ટ ધોરણે કામ કરાવી તેમનું શોષણ જ કરવામાં આવી રહ્યું છે. આ પ્રશ્નનો ઉકેલ લાવવા તેમણે તાત્કાલિક ઓએનજીસીના સત્તાધીશોને બોલાવી પરામર્શ કરવા ટકોર કરી હતી. સાથોસાથ પખવાડિયાનો સમય આપ્યો હતો. પંદર દિવસમાં ઉકેલ નહીં આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.
ડુમસમાં ૩૦૦થી વધુ શિક્ષિત યુવાનો બેરોજગાર
બેરોજગારીના અજગરી ભરડામાં કાંઠા વિસ્તારની સ્થિતિ કફોડી બની છે. પરિવર્તન ટ્રસ્ટે ડુમસ ગામમાં કરેલા એક ઔપચારિક સરવેમાં આઇટીઆઇ સહિત ટેક્નિકલ ક્ષેત્રે ડિગ્રી અને ડિપ્લોમા કરનારા સેંકડો યુવાનો બેરોજગાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પણ આજે અધિક કલેક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સરવે દરમિયાન માત્ર ડુમસ ગામના ટેક્નિકલ શિક્ષણ મેળવનારા ૩૦૦થી વધુ યુવાનો બેકાર હોવાનું તેમણે કહ્યું હતું.
હક્કનો પગાર આપવામાં પણ કટકીપ્રથા
ઓએનજીસી કંપનીમાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓને હક્કનો પગારમાં આપવામાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. સામાન્ય રોજ ઉપર કામ કરતી બહેનો પાસે મહિને ૨૬ દિવસ કામ લઇ માત્ર ૧૨ દિવસનો પગાર આપવામાં આવતો હોવાની હકીકત બહાર આવી છે. કંપનીમાં લેબર લો કાગળ ઉપર છે ત્યારે આ કટકીપ્રથા બંધ કરાવવા માટે પણ આજે અધિક કલેક્ટર સમક્ષ અવાજ ઉઠાવાયો હતો. ખાસ કરીને મહિલા કર્મચારીઓ ભોગ બની હોવાનું અધિક કલેકટરને જણાવાયું હતું