સુરત,તા. ૯
દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડાકાભેર રિએન્ટ્રી કરતા આજે સવારે આઠથી દસ વાગ્યાના બે કલાકના સમયમાં જ પારડીમાં દેમાર સાડાછ ઈંચ વરસાદ નોંધાયો હતો.
- કોલક નદીએ ભયજનક સપાટી વટાવતાં ૧૫ ગામ સંપર્ક વિહોણાં
- નવસારીમાં સવાત્રણ ઇંચ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- સાપુતારામાં ૪, વાંસદામાં સાડા ત્રણ અને વઘઇમાં છ ઇંચ
- સુરત જિલ્લામાં મહુવામાં અઢી અને ચોર્યાસીમાં સવાબે ઈંચ વરસાદ
જ્યારે કપરાડામાં પણ અઢી ઈંચ વરસાદ નોંધાતા નાળાં અને તળાવો છલકાઈ ઊઠયાં હતાં. અતિ મુશળધાર વરસાદને પગલે બપોરે બે વાગ્યા સુધીમાં જ પારડીમાં સાડાસાત અને કપરાડામાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધરમપુરમાં ત્રણ અને વલસાડમાં બે ઈંચ વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી.
ચોમાસું નબળું જવાની આશંકા વચ્ચે જ પારડીમાં સવારે આઠથી દસ વાગ્યા વચ્ચે ૧૫૭ મિ.મિ. પાણી ખાબકતા અરનાલા પાટી ગામ વચ્ચે આવેલી કોલક નદી બે કાંઠે થતાં નદી ઉપરનો પુલ ડુબાણમાં જતાં પારડી અને કપરાડા તાલુકાના અરનાલા, પાટી, ધગડમાળ, નેવરી, સામરપાડા, સુખાલા, અંભેટી, ઘોઘડકૂવા અને બાલચોંઢી સહિતનાં ૧૫ ગામો સાથેને સંપર્ક તૂટી ગયો હતો.
આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારી અને વાંસદા તાલુકામાં ત્રણ ઈંચ અને ગણદેવીમાં બે ઈંચ તથા જલાલપોર અને ચીખલીમાં એક ઈંચ વરસાદ નોંધાતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ વરસાદને પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફરી વળી હતી. શ્રીકાર વર્ષાને પગલે નવસારીના
તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકને ભારે અસર પહોંચી હતી.
સુરત જિલ્લામાં વરસાદ હજુ સુધી જોઈએ તેવો જામ્યો નથી પરંતુ આજે મહુવામાં ૬૬ અને ચોર્યાસી તાલુકામાં ૫૮ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. આ સિવાય પલસાણામાં એક ઈંચ ઉપરાંત ૨૯ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત શહેરમાં ઝરમરિયા વરસાદનો માહોલ છવાયેલો રહ્યો હતો.
આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ ગિરિમથક સાપુતારા ખાતે ચાર ઈંચ અને આહવામાં પાંચ ઈંચ વરસાદ નોંધાતાં ખાસ કરીને સાપુતારા ખાતે મોન્સુન ફેસ્ટિવલ માણવા માટે પહોંચેલા પ્રવાસીઓમાં આનંદની લાગણી ફરી વળી હતી.
ઉકાઈની સપાટીએ ૩૩૦.૦૬ ફૂટના લેવલને વટાવ્યું
દક્ષિણ ગુજરાતમાં વરસાદની સાથે તાપીનદીના ઉપરવાસમાં પણ નોંધાયેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી થઈ રહેલા વધારાની વચ્ચે આજે સાંજે સાત વાગ્યે સપાટી ૩૩૦.૦૭ ફૂટને પાર થઈ ગઈ હતી. જ્યારે હાલમાં ૧૨૫૦૦૦ ક્યુસેક પાણીની આવક ચાલુ રહી છે.
આજે દિવસ દરમિયાન સતત પાણીની આવક ચાલુ રહેતા સાંજે પાંચ વાગ્યે ૩૨૯.૯૧ ફૂટ સપાટી નોંધાઈ હતી જે એક જ કલાકમાં વધીને ૩૩૦ ફૂટના લેવલે પહોંચી હતી. અલબત્ત, આજની તારીખનું ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૩૩.૫૦ ફૂટ હોય ડેમ હાલમાં પણ રૂલ લેવલ કરતાં નીચી સપાટીએ છે. હાલમાં ગથનુર ડેમની સપાટી ૨૧૨.૭૦ મીટર છે અને ડેમમાં પચાસ હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ છે જેને જોતા ઉકાઈમાં હજુ પણ આગામી બે દિવસ પાણીની આવક ચાલુ રહેવાની સંભાવના છે.