વલસાડ તા.૯
વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ઝરમર વરસાદ વરસ્યા બાદ આજરોજ મેઘરાજાએ રૌંદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પલટાયેલા હવામાન વચ્ચે આજેસવારે ૮ થી ૧૦ દરમિયાન માત્ર બે કલાકમાં પારડીમાં દેમાર ૬.૫ ઇંચ અને કપરાડામાં ૨.૫ ઇંચ વરસાદ ખાબકતા નદી, નાળા, તળાવો છલકાઇ ઉઠયા હતાં. આજરોજ બપોરે ૨-૦૦ વાગ્યા સુધીમાં વીતેલા ૭ કલાકમાં પારડીમાં ૭.૫ ઇંચ, કપરાડામાં ૭ ઇંચ, ધરમપુરમાં ૩ ઇંચ અને વલસાડમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે, બપોરે ૨-૦૦ વાગ્યા બાદ વરસાદનું જોર ધીમું પડી ગયું હતું.
- ગુરુવારે બપોરે બે વાગ્યા સુધીમાં વીતેલા ૭ કલાકમાં પારડીમાં ૭.૫ અને કપરાડામાં ૭
- વલસાડમાં ૨ અને ધરમપુરમાં ૩ ઇંચ પાણી પડયું : પુલ ડૂબી જતાં ૧૫ ગામોનો વ્યવહાર ઠપ
વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું નબળું જવાની ઉઠેલ અટકળો વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ પ્રખર તાપને કારણે ખેડૂતોની સાથે સાથે સામાન્ય પ્રજામાં ચિંતાની લાગણી ઉઠવા પામી હતી. પરંતુ એ તમામ અટકળોને મેઘરાજા ખોટી પાડવા માંગતા હોય તેમ આજરોજ સવારથી જ ઉંમરગામને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં દેમાર વરસાદ ચાલુ થઇ જતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. સવારે ૮ થી ૧૦ દરમ્યાન મેઘરાજાએ પારડી તાલુકાને ધમરોળી નાંખ્યું હતું અને માત્ર બે કલાકમાં ૧૫૭ મી.મી. પાણી ખાબક્યું હતું.
એ બે કલાક દરમિયાન કપરાડામાં પણ ૨.૫ ઇંચ વરસાદ પડતાં કપરાડા અને પારડીની સરહદ પર અરનાલા-પાટી ગામ નજીક આવેલ કોલક નદી બે કાંઠે વહેવા માંડી હતી. જેને પગલે નદી પરનો પુલ ડુબાણમાં જતાં પારડી અને કપરાડા તાલુકાના અરનાલા, પાટી, ધગડમાળ, નેવરી, સામરપાડા, સુખાલા, અંભેટી, ધોધડકૂવા, બાલચોંઢી સહિતના ૧૫ જેટલા ગામો વચ્ચેનો વ્યવહાર તૂટી ગયો હતો. વાપી જી.આઇ.ડી.સી.માં નોકરી કરતા સેંકડો કામદારો આ જ પુલ પરથી અવરજવર કરતાં હોઇ, પુલ પર પાણી ફરી વળવાને કારણે લાંબો ચકરાવો લઇને જવાની ફરજ પડી હતી.
છેલ્લા ઘણા દિવસથી સૂકોભઠ્ઠ બની ગયેલ વલસાડ પર પણ અંતે મેઘરાજાએ આજરોજ મહેર કરી છે. આજરોજ બપોરે ૨-૦૦ વાગ્યા સુધીમાં વિતેલા ૭ કલાકમાં વલસાડમાં ૪૬ મી.મી., પારડીમાં ૧૮૭ મી.મી., ઉંમરગામમાં ૨ મી.મી., ધરમપુરમાં ૬૮ મી.મી. અને કપરાડામાં ૧૭૧ મી.મી. વરસાદ નોંધાયો છે. પારડી અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમની સપાટી ૭૫.૮૫ મીટરે પહોંચી ગઇ છે.
ડેમમાં પાણીની આવક ૧૧,૨૩૦ ક્યુસેક અને જાવક ૫૩૧૨ ક્યુસેક હોવાનું જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલરૂમ તરફથી જાણવા મળ્યું છે. આ સાથે જિલ્લામાં મોસમનો કુલ વરસાદના આંકડા પર નજર કરીએ તો વલસાડમાં ૫૮૫ મી.મી. (૨૩.૪ ઇંચ), પારડીમાં ૧૬૪૪ મી.મી. (૬૫.૭૬ ઇંચ), ઉંમરગામમાં ૪૮૪ મી.મી. (૧૯.૩૬ ઇંચ), ધરમપુરમાં ૯૧૨ મી.મી. (૩૬.૪૮ ઇંચ) અને કપરાડામાં ૧૨૪૧ મી.મી. (૪૯.૬૪ ઇંચ) વરસાદ નોંધાયો છે.