ચેન્નાઈ, તા. ૯
ચેન્નાઈની ગ્લોબલ હોસ્પિટલમાં લિવરની બીમારીની સારવાર લઈ રહેલા કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખની તબિયત અંગે વડાપ્રધાન મનમોહનસિંહે ગુરુવારે માહિતી મેળવી તેઓ જલ્દીથી સ્વસ્થ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને દેશમુખના પુત્ર અને મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય અમિત દેશમુખને વિલાસરાવ દેશમુખની તબિયત અંગે પૂછપરછ કરી હોવાનું હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું હતું, જોકે દેશમુખની તબિયત સ્થિર હોવાનું જણાવનારાં હોસ્પિટલનાં સૂત્રોએ દેશમુખ અંગે વધુ માહિતી આપવાનું ટાળ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, 'તેમના (દેશમુખ)ના પરિવારે તેમની તબિયત પહેલાં કરતાં વધુ સારી હોવાનું મને જણાવ્યું હતું.'
આ પહેલાં તામિલનાડુના ગવર્નર કે. રોસૈયા, રાજ્ય આરોગ્યપ્રધાન વી. એસ. વિજય, સમાજવાદી પક્ષના ભૂતપૂર્વ નેતા અમરસિંહ તથા અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી.
૬૭ વર્ષીય સાયન્સ અને ટેક્નોલોજી પ્રધાનને હજી હોસ્પિટલમાં રાખવામાં આવશે. ગયા સોમવારે દેશમુખને ગંભીર પરિસ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈથી ચેન્નાઈમાં હવાઈ માર્ગે લાવવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેમની તબિયતમાં સુધારો થવો જોઈએ તેમ સ્પષ્ટ કર્યું હતું.