વલસાડ, તા.૯
૯ ઓગસ્ટ-૧૯૪૨ ના દિને ઐતિહાસિક અગસ્ત ક્રાંતિ મેદાન ખાતે યોજાઇ ગયેલ કોંગ્રેસના મહાસંમેલનમાં ગાંધીજીએ અંગ્રેજો ભારત છોડો નો નારો આપ્યો હતો. ૭૦ વર્ષ બાદ કોંગ્રેસે હવે ભાજપ ગુજરાત છોડો - ગાદી છોડો નો નારો વહેતો કર્યો છે.
- ૯મી ઓગસ્ટે ક્રાંતિ દિને ભાજપ સરકારને હટાવવા પ્રતિજ્ઞા લીધી
તેના અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેડિયમ રોડ પર સરદાર પટેલના સ્મારક પાસે વલસાડ શહેર કોંગ્રેસના અગ્રણીઓ આજરોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ભેગા થયાં હતાં અને ભાજપ ગુજરાત છોડો - ગાદી છોડોનો નારો ગુજરાતની પ્રજાને આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ પંડયાએ અધ્યક્ષસ્થાનેથી ૧૯૪૨માં જે રીતે દેશની પ્રજા સંગઠિત થઇ અંગ્રેજોને હટાવવા મંડી પડયા હતા તે જ રીતે આજના સમયમાં ગુજરાતની ભાજપ સરકારને હટાવવા સૌ કોંગ્રેસી કાર્યકરોએ સંગઠિત થઇ એકતા દાખવવાની અપીલ કરી હતી.
કાર્યક્રમમાં હાજર કોંગી અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપ સરકારને હટાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. વલસાડ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રવીણસિંહ રાઠોડે પ્રતિજ્ઞાપત્રનું વાચન કર્યું હતું.