અમદાવાદ,તા.૯
કલગીના સાગરિત મૌલિક ઉર્ફે ભુરિયા દ્વારા સોલા ફાર્મ હાઉસમાં ચલાવવામાં આવતા જુગારધામ પર પોલીસના દરોડા બાદ કલગીના અન્ય જુગારધામની પોલ ખુલી ન જાય તે માટે કલગીએ તેના ખાસ બાતમીદારોના નેટવર્કને કામે લગાવી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
- પોલ ન ખૂલે તે માટે કલગીનો 'પડદા' પાછળનો નવો ખેલ
- સોલા ફાર્મ પરથી મળેલા ડી બી લખેલા કોઇન દિનેશ કલગીએ બનાવ્યા હોવાની પોલીસને આશંકા : પાણી અને ટિફિન સપ્લાય કરનારાની પૂછપરછ કરાશે
- ડીબી લખેલા કોઈન કલગીનો દોરીસંચાર હોવાના સંકેત
- સોલામાં ફાર્મહાઉસમાં ચાલતું જુગારધામ પકડાયું હતું
સોલાના ફાર્મ હાઉસ પરથી પોલીસને મળેલા કોઇન પર અંગ્રેજીમાં ડી બી લખેલું છે.જેથી આ કોઇન દિનેશ કલગીએ તૈયાર કરાવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે કલગીએ આ પ્રકારના કોઇન હજારોની સંખ્યામાં તૈયાર કરાવીને તેના દ્વારા સંચાલિત જુગારધામ પર મોકલી આપ્યા છે. જો કે હાલ મૌલિક ઉર્ફે ભુરિયો ફરાર હોવાથી આ દિશામાં કોઇ નક્કર કડી મળી શકી નથી. પણ, ફાર્મ હાઉસમાં મિનરલ વોટરની બોટલ અને ખાણીપીણીના ટીફીન સપ્લાઇ કરનાર અંગે માહિતી મેળવી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સોલા હાઇકોર્ટ પોલીસ અને ઝોન-૧ ડીસીપીના સ્કોવ્ડે મંગળવારે રાતના સાડા અગિયાર વાગ્યાના સુમારે સોલા નીલગીરી ફાર્મ પાસે પસાર થતી કેનાલ નજીકમાં આવેલા સુભાષભાઇ અને આનંદભાઇ પટેલના ફાર્મ હાઉસ પર દરોડો પાડીને જુગાર રમી રહેલા ૯ શખ્સોને ઝડપીને રોકડ, વાહનો સહિત કુલ રૂા. ૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામમાં કલગી કનેકશન બહાર આવ્યુ હતું. જેમાં કલગી આ જુગારધામ તેના ખાસ ગણાતા મૌલિક ઉર્ફે ભુરિયો રમેશભાઇ પટેલ દ્વારા ચલાવવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. ગયા વર્ષે સોલામાં જુગારધામના દરોડામાં મૌલિક ઉર્ફે ભુરિયો પકડાઇ ચુક્યો હતો.
પોલીસને સ્થળ પરથી મોટી સંખ્યામાં વિવિધ રંગના કોઇન મળી આવ્યા હતા.
જેમાં અંગ્રેજીમાં ડી બી લખેલું છે. જે દિનેશભાઇના કોડ વર્ડના આધારે તૈયાર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ પહેલા દિનેશ કલગી અને મહેન્દ્ર કલગી નાટયત્મક રીતે પોલીસ સાથે વહીવટ કરીને હાજર થયા હતા અને બે થી ચાર કલાકના સમયગાળામાં જ જામીન મુક્ત થઇ ગયા હતા. આ તમામ ગતિવિધીથી એક વાત સ્પષ્ટ હતી કે કલગીએ શ્રાવણ માસમાં જુગારધામ સુદામા રિસોર્ટના બદલે અન્ય સ્થળોએ શરૂ કરવાની ગણતરી મુકી હતી. જે મુજબ તેમણે એક જુગારધામ ફાર્મ હાઉસમાં મૌલિકની મદદથી કારોબાર શરૂ કર્યો હતો. જો કે હાલ સંગીત વિહાર એપાર્ટમેન્ટની ઓફિસમાંથી પણ મૌલિક તમામ શંકાસ્પદ ચીજવસ્તુઓ લઇને ફરાર થઇ ગયો છે. જેથી પોલીસને કડી મળી નથી.
મૌલિકના જુગારધામમાં પ્રથમ દિવસથી જ મિનરલ વોટરની બોટલો અને જમવા માટેના ટીફીન જુગારીઓ માટે આવતા હતા. જેથી પોલીસે પાણી અને ટીફીન સપ્લાઇ કરનારની પુછપરછ કરશે. ઝડપાયેલા જુગારીઓ ક્યાં વ્યક્તિની મદદથી જુગારધામમાં આવ્યા હતા? તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
ફાર્મ હાઉસમાંથી ભાગેલો જુગારી કાર લેવા આવ્યો અને પોલીસના હાથ લાગી ગયો
પોલીસે દરોડો પાડતા ફાર્મ હાઉસમાં નાસભાગ મચી ગઇ હતી અને કેટલાંક જુગારીઓ ઉઘાડા પગે ફાર્મ હાઉસની કાંટાળી વાડ કુદીને નાસી ગયા હતા. જો કે તેમના વાહનો મૌલિકની સંગીત વિહાર પાસે આવેલી ઓફિસ પાસે મુકીને આવ્યા હતા. જે વાહનો પોલીસે જપ્ત કરી લીધા હતા. આજે સવારે પોલીસ મથકે પુનરિક જંયતભાઇ દવે નામનો યુવક આવ્યો હતો.
તેણે પોલીસને કહ્યું હતું કે તેની કાર પોલીસે જપ્ત કરી છે. ત્યારે પોલીસે તેની પુછપરછ કરતા જણાવ્યું હતું કે તે સંગીત વિહાર પાસે કાર મુકીને ફિલ્મ જોવા ગયો હતો. પણ, તે વિસ્તારમાં કોઇ મલ્ટી પલેક્સ કે થિયેટર ન હોવાને કારણે પોલીસને શંકા ગઇ હતી અને તેની પાસેથી ટીકીટ માંગી હતી. પણ, ટીકીટ આપી શક્યો હતો. પોલીસે તપાસ કરતા તેના પગમાં કાંટા વાગ્યાના નિશાન હતા. જેથી પોલીસે પુછપરછ કરતા તે જુગાર રમવા આવ્યો હોવાનું કબુલ્યુ હતું અને પોલીસે તેની ધરપકડ કરી હતી.
નવ જુગારીઓની પોલીસે કલમ ૧૫૧ હેઠળ ધરપકડ કરી
કલગીના સાગરિતને ત્યાં જુગાર રમવા આવેલા નવ જુગારીઓને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગઇકાલે રાતના ૧૧ સોલા પોલીસે તમામને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરતા તમામને જામીન મળી ગયા હતા. જો કે સોલા પીઆઇ જે એમ ભરવાડે જામીન પર છુટેલા નવ જુગારીઓની આઇપીસીની કલમ ૧૫૧ હેઠળ ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.
મૌલિકની ડાયરીમાંથી કેટલાંક નામ- ફોન નંબર મળી આવ્યા
ફાર્મ હાઉસ પર પોલીસે દરોડો પાડયો ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને જુગાર અંગે હિસાબકિતાબ સંભાળતો મૌલિકનો માણસ પણ ત્યાંથી હિસાબોના ચોપડા લઇને નાસી ગયો હતો. પણ, પોલીસને કેટલાક કાગળો અને ડાયરી મળી આવી હતી. જેમાં કેટલાંક ફોન નંબર અને નામ સરનામા મળી આવ્યા હતા. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ માની રહી છે કે આ ડાયરીમાંથી કેટલીક મહત્વની વિગતો મળી આવશે.
કલગીનું સેટિંગ પાડવા માટે મૌલિક લૂંગી પહેરીને નવરંગપુરામાં આટાંફેરા કરતો હતો
મૌલિક દિનેશ અને મહેન્દ્ર કલગી સાથે છેલ્લાં ૧૦ વર્ષથી સંકળાયેલો છે અને પહેલા તે તેમના જુગારના અડ્ડા પર કામ કરતો હતો. ત્યારબાદ ધીમે ધીમે કલગીનો વિશ્વાસુ માણસ તરીકે છાપ બનાવીને તેમના જુગારના અડ્ડાનું સંચાલન કરતો થયો હતો. સુદામા રિસોર્ટમાં પોલીસે દરોડો પાડીને કલગીના જુગારના કૌભાંડનો પર્દાફાશ કરીને કલગી માટે સુદામા રિસોર્ટમાં ફરીથી ત્યાં જુગારધામ ચલાવી શકાય તેમ ન હતું.
જેથી મૌલિકે અન્ય સ્થળે જુગારધામ શરૂ કરવા માટેની કામગીરી સંભાળી લીધી હતી. એટલું જ નહી, દિનેશ કલગી જ્યારે હાજર થયો તે પહેલા મૌલિક પોલીસ સ્ટેશનના આંટાફેરા કરતો હતો. તેમજ મહેન્દ્ર મુખીને હાજર કરવા માટે પોલીસ સાથે સેટીંગ પાડવા માટે તેણે કામગીરી કરી હતી. જેમાં તેને મસાનું ઓપરેશન કરાવ્યું હોવાથી લુંગી પહેરીને નવરંગપુરા પીઆઇ નકુમ સાથે બેઠક ગોઠવી હતી અને મહેન્દ્ર કલગીને હાજર કરાવીને ચાર કલાકમાં છોડાવ્યો હતો.