અમદાવાદ,તા. ૯
પુણા સિરિયલ બ્લાસ્ટ અમદાવાદ અને સુરત સિરિયલ બ્લાસ્ટના મોડયુલના આધારે કરવામાં આવ્યાની વિગતો બહાર આવતા પુના બ્લાસ્ટની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસની એક ટીમ બુધવારે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીઓની પુછપરછ કરવા માટે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે આવી હતી. જેમાં સફદર નાગોરી સહિત બે આરોપીની પુછપરછ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર એટીએસના અધિકારીઓને પુછપરછમાં અનેક મહત્વની વિગતો મળી છે.
- મહારાષ્ટ્ર એટીએસે સફદર નાગોરી સહિત બે આંતકીની પૂછપરછ કરી
- જરૂર પડયે અન્ય શકમંદોનાં નિવેદનો લેવાશે
પુણા સિરિયલ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવેલા બોંબ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં વપરાયેલા બોંબની પેટર્નમાં તૈયાર કરાયા હતા. આ ઉપરાંત, સુરતમાં પણ આ પ્રકારની બોંબ મળી આવ્યા હતા. જેથી પુના સિરિયલ બ્લાસ્ટમાં ઇન્ડિયન મુઝાહિદ્દીનનો હાથ હોવાની શક્યતા વધુ મજબુત બની છે. પુના બ્લાસ્ટ અંગે તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસની એક ટીમ બુધવારે સાંજે અમદાવાદ ખાતે આવી હતી અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આંતકી સફદર નાગોરી અને અન્ય એક આંતકીની પુછપરછ કરી હતી. જેમાં બોંબ બનાવવાની ટ્રેનીંગથી માંડીને પ્લાન્ટ કરવા સુધીની તેમની મોડ્સ ઓપરેન્ડી તેમજ ઇન્ડિયન મુઝાહીદ્દીન દ્વારા ભારતમાં તેમના દ્વારા આપવામાં આવેલી આતંકી ઘટનાઓ અંગે પુછપરછ કરવામાં આવી હતી.
એટીએસની ટીમે બંનેની બે કલાક સુધી પુછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે. નાગોરી પોતાની બોલવાની શૈલીથી પોલીસને ગોળ ગોળ ફેરવી શકે છે. જેથી અગાઉથી તેને પુછવા માટેના પ્રશ્નો મહારાષ્ટ્ર એટીએસ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને સીધી રીતે જવાબ મળે તે પ્રયત્ન કરાયો હતો.હાલ એટીએસની ટીમ નિવેદન લઇને પુના ખાતે રવાના થઇ ગઇ છે. પણ, સિરિયલ બ્લાસ્ટના અન્ય આરોપીની પુછપરછની જરૂર પડે તો ફરીથી આવશે.