Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 01:00:07 PM IST
 

લવાડમાં રક્ષાશક્તિ યુનિ.ની જગ્યામાં તોડફોડ

Aug 10, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 796
Rate: 0
Rating:
Bookmark The Article

દહેગામ,તા.૯

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ લવાડ ગામ ખાતે ભારતની સૌથી મોટી રક્ષાશક્તિ યુનિવર્સિટી બનાવવા માટે સરકાર દ્વારા અઢી વર્ષ પહેલા ૩રપ એકર જમીન ફાળવવામાં આવી છે.

  • ગૌચરની જમીન પાછી લેવા માટે ગ્રામજનોનું આંદોલન હિંસક બન્યું
  • આંદોલનકર્તાઓએ યુનિવર્સિટીનું બોર્ડ ફગાવ્યું
  • લવાડ ગામથી યુનિવર્સિટી રેલી પહોંચતાં ભાગદોડ
  • પશુપાલકોએ પોતાનાં પશુ જગ્યામાં ઘૂસાડી દીધાં

જેના વિરોધમાં છેલ્લા કેટલાક સમયથી લવાડ ગૌચર બચાવો ગ્રામ સ્વરાજ સમિતિની આગેવાનીમાં ગ્રામજનો ધ્વારા અહિંસાના માર્ગે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આજે લવાડ ગામ ખાતે રેલી બાદ આ અહિંસાના માર્ગે શાંતિમય રીતે ચાલી રહેલ આંદોલન હિંસક બની ગયું હતું. આંદોલનકર્તાઓએ એકદમ આવેશમાં આવી જઈ રક્ષાશક્તિ યુનિવર્સિટીને ફળવાયેલ જગ્યાએ પહોંચી ભારે તોડફોડ મચાવી દીધી હતી.

અહીં બનાવવામાં આવેલ એક ઓફીસને આગ ચાંપી દેતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બાદમાં એકત્ર થયેલ ટોળાએ યુનિવર્સિટીનો ગેટ પણ તોડી પાડી પોતાનો વિરોધ નોંધાવી જમીનમાં ગામના પશુઓ ઘૂસાડી દીધા હતા. આ સમય અગાઉથી હાજર પોલીસ ફક્ત મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી હતી.

દહેગામના લવાડ ગામ ખાતે આજે લગાડ ગૌચર બચાવો ગ્રામ સ્વરાજ સમિતિના સંયોજક વિનુભાઈ અમીન અને સહસંયોજીકા ઉષાબેન પંડીત અને લવાડ ગામના સરપંચ ઉષાબેન ચૌહાણની આગેવાનીમાં ગામમાંથી રક્ષાશક્તિ યુનિવર્સિટી સુધી વિશાળ રેલી અને ત્યાર બાદ અહિંસક રીતે યુનિવર્સિટીને ફળવાયેલ જગ્યા પર કબજો લેવાના કાર્યક્રમ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બપોર ૧ર કલાકે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આમંત્રિતોની ઉપસ્થિતિમાં નીકળેલી રેલી રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે પહોંચતાની સાથે આંદોલનમાં જોડાયેલી મહિલાઓ અને યુવાનો સહિતના લોકો હાથમાં જે વસ્તુ આવી તે લઈ સીધી તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું.

લાલઘૂમ બનેલા આંદોલનકર્તાઓએ હાથમાં સળીયા, લાકડી અને ધારિયા વગેરે લઈ યુનિવર્સિટીની જગ્યામાં રહેલ પાણીની ટાંકી,ખુરશીઓ,ઓફીસની બહાર રહેલ સામાન સહિતના માલસામાનને તોડી નાખી નજીકના લવાડમાં કોતરોમાં ફેંકવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પ્રવેશ દ્વારને પણ ટોળાએ જમીન દોસ્ત કરી નાંખ્યો હતો, તો કેટલાક લોકોએ ગાર્ડનમાં રહેલ ફુલછોડ અને નાનાવૃક્ષો તોડી નાંખ્યા હતા. આંદોલનકર્તાઓ બેકાબુ બન્યા હતા અને નજીકમાં આવેલ રક્ષાશક્તિ યુનિવર્સિટીની ઓફીસને આગ ચાંપી દેવામાં આવતાં આગની જ્વાળાઓમાં ઓફીસ ભસ્મિભૂત થઈ ગઈ હતી.

ઓફીસ સળગાવવાની ઘટના પોલીસની હાજરીમાં બની હોવા છતાં બે કલાક સુધી ફાયર બ્રિગેડ બોલાવવાની તસ્દી પણ પોલીસ તંત્રએ લીધી ન હતી. લવાડ ગામે યુનિવર્સિટીને ફળવાયેલ જમીન મામલે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ આંદોલન એકાએક આજે હિંસક બનતા અહિંસાના માર્ગે ગાંધીચિંધ્યા માર્ગે શાંતિમય રીતે આંદોલન ચલાવનાર સંયોજક વિનુભાઈ અમીન અને ઉષાબેન પંડીત ધ્વારા આંદોલનકર્તાઓને બનેલ બનાવને દુખદ ઘટના હોવાનું જણાવી લોકોને તાલિમ આપવામાં અમો નિષ્ફળ રહ્યા હોવાનો એકરાર કર્યા હતો. અને અગામી કાર્યક્રમો આપવા પહેલા ગ્રામજનોએ શિસ્ત-અને શાંતિના પાઠ ભણાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં તોડફોડ અને ઓફીસને સળગાવી દેવામાં આવી હોવાની જાણ થતાં દહેગામ ખાતે હાજર પ્રાંત અધિકારી પ્રકાશ મકવાણા અને ડી.વાય.એસ.પી. જાડેજા સ્થળ પર દોડી આવી આખી ઘટનાથી વાકેફ થયા હતા. જો કે આ અંગે પોલીસ ધ્વારા મોડી સાંજ સુધી કોઈપણ વ્યક્તિ સામે ગુન્હો નોંધવામાં આવ્યો નથી.

ગૌચર લેવું તે ગૌ હત્યાના પાપ સમાન : કનુ કળસરિયા

સભામાં ખાતે ઉપસ્થિત રહેલ નિરમા આંદોલનકર્તા અને ભાજપના ધારાસભ્ય કનુભાઈ કળસરિયાએ જણાવેલ કે લવાડ ગામમાં ૪પ૦૦ જેટલા પશુઓ છે તેના માટે ગામમાં ૧૮૦૦ એકર જમીન જોઈએ. સરકારે ર૩પ એકર ગૌચરની જમીન રક્ષા શક્તિ યુનિ.ને ફાળવી તે ખરેખર ખોટું છે. ગૌચર છીનવી લેવું તે ગૌ હત્યાના પાપ સમાન છે જેથી આ વાત ગામ ક્યારેય ન ચલાવી લે. કેશુભાઈ પટેલની પરિવર્તન પાર્ટી વિશે તેઓએ જણાવેલ કે પાર્ટી બનાવી તે ખરેખર જરૂરી હતું, કેશુભાઈ જાગ્યા છે અને અન્યને જગાડી રહ્યા છે ને તેઓ સાચી દિશામાં જઈ રહ્યા હોવાથી તેઓને પોતાનું સમર્થન હોવાનું કહ્યું હતું.

તોડફોડમાં બહારથી આવેલ કોંગ્રસના અગ્રણીઓ પણ જોડાયા

લવાડ ગામ ખાતે શરૂ થયેલ આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સી.જે. ચાવડા, જિલ્લાના પ્રવક્તા અશ્વિન બારોટ, યાકુબ મનસુરી સહિતના અગ્રણીઓની હાજરીમાં આજે નિકળેલી રેલી બાદ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કરવામાં આવેલ તોડફોડમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધીઓએ પણ પોતાના હાથ સાફ કરવામાં કોઈ કસર રાખી ન હતી. કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ ગ્રામજનોની સાથે ગેટને તોડી પાડવા ભારે જહેમત ઉઠાવી હતી.

ગૌચરની રક્ષા કરવી એ ગૌરક્ષા કરવા સમાન : ડો. રામજીસિંહ

બિહારથી ખાસ ઉપસ્થિત રહેલ પૂર્વ સાંસદ ર્ડા.રામજીસિંહે આ પ્રસંગે જણાવેલ કે ગૌચરની રક્ષા કરવી તે ગૌરક્ષા કરવા સમાન છે. ગૌચરની જમીનમાં ગામની માલિકી હોવી જોઈએ. આવી રીતે જમીનો લઈ લેવાની સરકારની નિતિથી વિસમતામાં વધારો થશે અને ભગાવાન પણ નકસલવાદને રોકી શકશે નહીં.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com