રાજકોટ તા.૯
અપૂરતા વરસાદની વચ્ચે મનમાં અછતના દુખડા ઘડી બે ઘડી ભુલીને ઉત્સાહઘેલુ સૌરાષ્ટ્ર કાનાના જન્મને વધાવવા આતુર બન્યુ છે. ગામેગામ શોભાયાત્રાના આયોજન થયા છે. શહેરોને ધજા પતાકાથી શણગારવામાં આવ્યા છે. નંદ ઘેર આનંદભયો..જય કનૈયાલાલ કી..હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી...ના નારાઓ સાથે વૈષ્ણવ હવેલીઓમાં વધાઈ કિર્તનો ચાલુ થયા છે. નટખટ કાનાના અવતરણને વધાવવા શહેરો નગરો અને ચોક ગલીઓ શણગારવામાં આવ્યા છે. જુદા જુદા સ્થળોએ અવનવા ફલોટસ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ગલી ગલીએ એક જ નાદ છે. મુરલીધરનો અમોને સાથ છે !
- ભગવાન શ્રીકૃષ્ણ દુષ્કાળમાંથી ઉગારે તેવી પ્રાર્થનાઓ
- સુશોભિત થયેલા ગામ-શહેરો કાનાને વધાવવા માટે અધીરા
ગોંડલ : નટખટ કાનુડાને વધાવવા શહેરના રાજમાર્ગોને ધજા પતાકા કમાનોથી શણગારવામાં આવ્યા છે. ચોકે ચોકે કૃષ્ણજન્મોત્સવની ઝાંખી કરાવતા ફલોટસ મુકવામાં આવ્યા છે. હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા પ્રતિવર્ષની માફક આજે આઠમના દિવસે ભગવતપરા પટેલવાડીથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થશે. આ શોભાયાત્રામાં ૭૦ જેટલાં ફલોટસ અને સાઈઠ સ્થાનિક ફલોટસ દવારા ધર્મ અને દેશભકિતની ઝાંખી કરાવાશે. સંતો મહંતો અગ્રેસર રહેશે.આવી જ રીતે સ્ટેશનપ્લોટમાં પણ ફલોટસ મુકવામાં આવ્યા છે.
વાંકાનેર : જન્માષ્ટમી શોભાયાત્રા ફળેશ્વર મહાદેવ શિવાલયેથી પુજનવિધિ બાદ પ્રસ્થાન થશે. જે સ્ટેચ્યુ ચોક, પ્રતાપરોડ, જીનપરા મેઈન રોડ થઈ નેશનલ હાઈવે થઈ મેઈન બજાર, ગ્રીન ચોક આવશે ત્યાં મુૃસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાશે.એ પછી આ શોભાયાત્રા પુલ દરવાજે પહોંચશે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યકરો ઉપરાંત સંતો મહંતો જોડાશે.શોભાયાત્રામાં વિવિધ ફલોટસ રજુ કરવામાં આવશે. આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરી જીનપરામાં ધર્મસભામાં ફેરવાશે. જેમાં અનેક ભાવિકો જોડાશે. શોભાયાત્રામાં જુદા જુદા વાહનો અને ડી.જે બેન્ડ જોડાશે.
અમરેલી : જન્માષ્ટમી તહેવાર નિમિતે વિશ્વ હિંદુ પરિષદના ઉપક્રમે ડો.જીવરાજ મહેતા ચોકમાં આકર્ષક ફલોટસ મુકવામાં આવ્યો છે. ચોકને ધજા પતાકાથી શણગારવામાં આવ્યો છે. આવતીકાલે શુક્રવારે સવારે આઠ કલાકે રામેશ્વર મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિકળશે. જે શહેરના રાજમાર્ગો પર ફરશે. સાથોસાથ રથો રાસમંડળીઓ અને કુસ્તીબાજો જોડાશે. રાતે દશ વાગ્યે વિશ્વહિન્દુપરિષદના મહામંત્રી પ્રવીણભાઈ તોગડિયા ધર્મસભા સંબોધશે. અને રાતે કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે.
ધોરાજી : ધોરાજીમાં આજે તા.૧૦મી શુક્રવારે દર વર્ષની જેમ વિશ્વ હિંદુ પરિષદના ઉપક્રમે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં ધોરાજી વિહીપ, બજરંગદળ અને અન્ય સંસ્થાઓ જોડાશે.શોભાયાત્રામાં જુદા જુદા ફલોટ્સ રજુ કરવામાં આવશે. અને બેન્ડ વાજાની સુરાવલીઓ સાથે કૃષ્ણભકતો નાચી ઉઠશે.
ભાણવડ : . સ્ટેશનથી હવેલી ચોક સુધી શોભાયાત્રા નીકળશે સાથોસાથ મટકી ફોડના કાર્યક્રમ યોજાશે. હવેલીમાં વધાઈ કિર્તનો ગવાશે. જેમાં શહેરભરની જનતા ભાવથી જોડાશે.
જૂનાગઢ : ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત ગોપાલાનંદજીના અધ્યક્ષસ્થાને આજે શહેરમાં જન્માષ્ટમી શોભાયાત્રા નીકળશે જે મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય કિશોરચંદ્રજી મહારાજ અને મહામંડલેશ્વર ભારતીબાપુના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવશે.આ શોભાયાત્રા ઉપરકોટથી માંડવી ચોક દીવાન ચોક, માલીવાડા રોડ, આઝાદ ચોક, એમ.જી રોડ, કાળવા ચોક, જવાહર રોડ, મુખ્ય સ્વામિનારાયણ મંદિરે પહોંચી ત્યાં ધર્મ સભામાં પરિર્વિતત થઈ જશે.શોભાયાત્રામાં વિવિધ ફલોટસ રજુ કરવામાં આવશે.
શાપુર (જૂનાગઢ): સ્થાનિક સમસ્ત વૈશ્ણવ સમાજ અને હિન્દુ ઉત્સવ સમિતિના સંયુકત ઉપક્રમે ડી.જે અને બેન્ડવાજાની સુરાવલી વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળશે.
વેરાવળ : પુષ્ટીમાર્ગીય કિર્તન મંડળ તથા વૈષ્ણવ સમાજ દ્વારા સોની બજાર જુની હવેલી થી બપોરે ચાર કલાકે શોભાયાત્રા નિકળશે જે ગાંધીચોક સુભાષરોડ, સટ્ટાબજાર, લાઈબ્રેરી,ટાવરચોકથી પસાર થઈ લોહાણા બોર્ડિગે પુરી થશે. ત્યાં વૈશ્ણવાચાર્ય વચનામૃત આપશે.શોભાયાત્રાના રૂટ ને ધજાપતાકા અને તોરણથી શણગારી દીધા છે. કમાનો, બેનરો તેમજ ઠંડાપીણાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. શોભાયાત્રામાં સનાતન હિન્દુ સેવા સમાજના લોકો નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ડીજેના તાલે રાસ દાંડીયારાસ તથા કિર્તન મંડળીઓ ધુમ મચાવશે.
જુના દેવળીયાના લક્ષ્મીપરા વિસ્તારમાં રાધેગૃપ દ્વારા મુખ્યમાર્ગો સુશોભીત કરાયા છે. આવતીકાલે બે વાગે લક્ષ્મીપરા વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળશે. સાંજે પાંચ વાગે મટકી ફોડનો કાર્યક્રમ લક્ષ્મીપરામાં યોજાશે ટંકારામાં શોભાયાત્રા : ટંકારામાં જન્માષ્ટમી તહેવારની સાદાઈથી ઉજવણી કરવામાં આવશે.શહેરના લક્ષ્મીનારાયણ મંદિરને રોશનીથી શણગારાયેલ છેઅને ત્યાંથી જન્માષ્ટમીની શોભાયાત્રા નિકળશે.તેમાં રાસ મંડળી જોડાશે અને દયાનંદ ચોકમાં પુર્ણાહૂતી થશે.રાત્રિના લષ્મીનારાયણ મંદિર તથા બાલકૃષ્ણ હવેલી ખાતે કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે.