રાજકોટ તા.૯ :
જન્માષ્ટમી નિમિતે રજાનો માહોલ છવાયો છે. અને આ માહોલમાં લોકો પ્રવાસન ધામ તરફ વળ્યા છે. સોમનાથ, દિવ, ચોરવાડ, દ્વારકા, બગદાણા, ઘેલા સોમનાથ ચોટિલા સહિતના મથકોમાં ભીડ જણાઈ રહી છે. દીવમાં આ સાલ મોટો પ્રવાહ વધ્યો છે અને તમામ હોટલ ગેસ્ટહાઉસ બુક થઈ ગયા છે. ભાડામાં ધરખમ વધારો નોંધાયો છે. આવી જ હાલત સોમનાથમાં થઈ છે અને એક લાખ લોકો ઉમટી પડયા છે.
- સોમનાથ, દીવ, ચોરવાડ, ચોટિલા, દ્વારકા, બગદાણા, ઘેલાસોમનાથમાં ભારે ભીડ
જન્માષ્ટમી નિમિતે રજાઓનો દોર ચાલુ થયો છે. સામાન્ય દિવસોની તનાવભરી જીંદગીથી રિલેકસ થવા માટે હવે લોકો બહારગામ જવા લાગ્યા છે. આ વખતે એકી સાથે ચાર પાંચ રજાઓ આવી જતાં લોકોએ બહારગામ જવાના પ્લાન બનાવી લીધા છે. અમારા દીવના પ્રતિનિધિના જણાવ્યા મુજબ દીવમાં ખાસ્સો એવો માનવમહેરામણ ઉમટી પડયો છે. કેટલાક લોકોએ આ સાતમ આઠમ દિવમાં ઉજવવા માટે એક માસ પહેલા બુકિગ કરાવી લીધુ છે. હાલ એટલો મહેરામણ ઉમટયો છે કે, હોટલ ગેસ્ટહાઉસના ભાડામાં ધરખમ વધારો થઈ ચૂકયો છે. અને બધા પેક થઈ ગયા છે.
સામાન્ય દિવસોમાં જે હોટલનું રૂમ ભાડુ રૂ. ૫૦૦ હતું. એ આજે ૧૫૦૦ થી ૨૦૦૦ બોલાય છે. દરિયા સામે જે હોટલના રૂમ આવે છે એ હોટલોએ રૂ.૧૦૦૦ના ૩૦૦૦ કરી નાંખ્યા છે. સામાન્ય દિવસોમાં સામાન્ય રૂમોના ભાડા બસ્સો ત્રણસો હોઈ એ રૂમોના હાલ ભાડા રૂ.૧૫૦૦ થી ૨૦૦૦ થઈ ચૂકયા છે. આમ છતાં બધા રૂમ ભરચકક થઈ ગયા છે અને બધે હાઉસફુલના બોર્ડ લાગી ચૂકયા છે. આવા સંજોગોમાં કેટલાય લોકો દિવના જલંધર બીચ, ઘોઘલાબીચ, નાગવા બીચ, ચકકી તીર્થ બીચ ઉપર ખુલ્લામાં સુઈ જશે. કેટલાક લોકો વાહનમાં સુઈ જશે. યાત્રાધામ સોમનાથ ખાતે જન્માષ્ટમી નિમિતે અને એ પૂર્વે રજાના માહોલમાં પ્રવાસીઓનો ભારે ધસારો વધ્યો છે. યાત્રિકોના ધસારાના કારણે ગેસ્ટ હાઉસો, ધર્મશાળા, હાઉસફૂલ થઇ ગયા છે. વેરાવળ - સોમનાથ આવતી ટ્રેનો પણ હાઉસફૂલ થઇ જતા લોકો ડબ્બા પર ચડી જોખમી મુસાફરી કરીને વેરાવળ - સોમનાથ આવી રહ્યા છે. વેરાવળમાં પણ જન્માષ્ટમી ઉજવવા થનગનાટ જોવા મળે છે.શહેરભરમાં ધજા પતાકા, બેનરો, કમાનો લગાડી સુશોભીત કરાયુ છે. અહીં સોમનાથ ટ્રષ્ટના તમામ આવાસો અને વેરાવળ તેમજ પાટણમાં આવેલી હોટલો ગેસ્ટહાઉસો પેક થઈ ગયા છે. ગેસ્ટ હાઉસોમાં અગાઉ રૂ.૪૦૦ ભાડુ હતુ તેમાં ૧૫૦૦ રૂપિયા સુધી ભાવ લેવાય છે. અને હોટલોમાં ભાડા ત્રણ હજાર સુધી બોલાય છે. સોમનાથમાં આજુબાજુના ગામડાના લોકો પણ ઉમટી પડયા છે.
કૃષ્ણભૂમિ દ્વારકામાં લોકોની ભીડ વર્તાઈ રહી છે. આજે કૃષ્ણ જન્મોત્સવ હોવાથી સૌરાષ્ટ્રભરમાંથી અને રાજય બહારથી અનેક લોકો દ્વારકામાં આવ્યા છે. અહીં પણ હોટલ ગેસ્ટ હાઉસ ધર્મશાળાઓ બુક થઈ ગયા છે.
ચોટિલામાં પણ લોકોની ભારે ભીડ ઉમટી છે. રજાના માહોલ વચ્ચે યાત્રિકો સારા એવા પ્રમાણમાં ઉમટી પડયા છે. ભાવનગર જિલ્લાના બગદાણામાં પણ લોકો રજા દરમિયાન દર્શનાર્થે ઉમટી પડયા છે. આ ઉપરાંત સતાધાર, પરબવાવડી, જડેશ્વર, ઘેલાસોમનાથ, ચોરવાડમાં ખાસ્સી એવી ભીડ જમા થઈ રહી છે.